અરૂંધતી વ્રત । Arundhati vrat

વ્રત ચૈત્ર સુદી ત્રીજના દિવસે કરવામાં આવે છે, વ્રત કરનારે સવારે વહેલા ઊઠી સ્નાન કરી, એક પાટલા પર લાલ રંગનું કપડું પાથરી તેમાં અનાજ મુકવું. તેના ઉપર પવિત્ર જળ ભરેલો લોટો મુકવો અને એના પર તાસક મુકી ઘીનો દીવો કરવો. ત્યારપછી એ સ્થાપનની સિંદૂર કેસર, હળદર અને કાજળથી પુજા કરવી. ત્યારપછી લોટાને લાલ વસ્ત્રમાં લપેટીને આરતી-પ્રાર્થના કરવી. આ વ્રત વિધિપૂર્વક કરનાર સ્ત્રીનો ચુડી ચાંદલો અખંડ રહે છે.

       કોઈ એક ગામમાં જમનાપ્રસાદ નામે એક બ્રાહ્મણ તેની દીકરી કપિલા સાથે રહેતો હતો તેની પત્ની મૃત્યુ પામી હતી. આથી દીકરીને મોટી કરવાનો ભાર તેના માથે આવ્યો હતો. જમનાપ્રસાદ દીકરીને ખુબ લાડ પ્યારથી ઉછેરવા લાગ્યાં દીકરી કપિલા ધીરેધીરે મોટી થવા લાગી. સમય જતાં તે પરણવાલાયક થઈ ગઈ. આથી જમના પ્રસાદે એક સારો વર જોઈ કપિલાને પરણાવી દીધી.

દીકરી પરણીને સાસરે આવી અને થોડા જ દિવસમાં તેનો પતિ મૃત્યુ પામ્યો ! તે વિધવા બની !

       જમનાપ્રસાદે આ સમાચાર સાંભળ્યા એટલે એમના જીવને ઘણું દુ:ખ થયું. તેઓ દીકરીને સાસરે જઈ મળી આવ્યા અને આશ્વાસન આપી આવ્યા, તેઓ પોતાની સાથે દીકરીને લઈ જવા તૈયાર થયા, પણ દીકરીએ તેમની સાથે જવાની ના પાડી દીધી. આથી નિરાશ થઈ તેઓ પાછા ફર્યા.

       ત્યારબાદ કપિલા પોતાના પતિ પાછળ પ્રાણ ત્યજવા માટે યમુના કિનારે આવી પહોંચી અને કલ્પાંત કરતા આકાશ સામું જોઈ ભગવાનને કહેવા લાગી :

 ‘હે ભગવાન ! મેં એવા તે શા પાપ કર્યા છે કે, હું પરણી એવી જ વિધવા બની ?’

 હવે બન્યું એવું કે તે વખતે ભગવાન શંકર પાર્વતી સાથે અંતરિક્ષમાં વિહાર કરી રહ્યા હતા. તેમણે કપીલાની પ્રાર્થના સાંભળી. પાર્વતીને તેના પર દયા આવી અને ભગવાનને તેના વિશે પુછતાં મહાદેવે કહ્યું : દેવી ! આ સ્ત્રી ગયા જનમમાં બ્રાહ્મણપૂત્ર  હતી. તેના લગ્ન એક સંસ્કારી કન્યા સાથે થયા હતાં. પરણ્યા પછી આ બ્રાહ્મણ પુત્ર તેને ત્યજીને પરગામ ચાલ્યો ગયો. એ પછી તેણે પોતાની પત્નીની ક્યારેય  ખબર લીધી ન હતી. આથી તેની પત્ની પતિની રાહ જોવામાં ઝુરીઝુરીને મરી ગઈ. આ વાતની બ્રાહ્મણપુત્રને જ્યારે ખબર પડી, ત્યારે તેને પોતાની ભુલ સમજાઈ. પોતાના લીધે જ તે મરી ગઈ એ વાતનો એને ખ્યાલ આવ્યો. પત્નીના નિસાસા તેને લાગ્યા અને થોડા જ વખતમાં તે પણ મૃત્યુ પામ્યો. તેણે ગયા ભવે પોતાની પત્નીને તરછોડી હતી એટલે આ ભવે તેના પાપને લીધે તેને વૈધવ્ય પ્રાપ્ત થયું. પૂર્વજન્મના પાપ દરેક જણે ભોગવવા જ પડે છે. ’

       પાર્વતીએ નિસાસો નાખતાં કહ્યું : ‘સ્વામી ! ગત જન્મની કરણીને લીધે જ તેને આ જન્મમાં વૈધવ્યનું દુ:ખ ભોગવવું પડ્યું એમ જ ને ?’

       મહાદેવજી બોલ્યા :‘ હાસ્તો જેવી કરણી તેવી ભરણી ! પતિ જો પત્ની ને દુ:ખ આપે તો બીજા ભવમાં તેને દુ:ખ ભોગવવું જ પડે. અને પત્ની જો પતિને દુ:ખ આપે તો તેને પણ બીજા જન્મમાં દુ:ખ ભોગવવું પડે છે.’

       અંતે પાર્વતીએ એના પાપના નિવારણ વિશે પૂછ્યું તો મહાદેવજીએ કહ્યું : આ સ્ત્રી જો ‘અરૂંધતી વ્રત’ કરે તો તેના પાપોનો જરૂર નાશ થાય અને તેનો આવતો ભવ સુધરી જાય.’ એમ કહી તેમણે એ વ્રતની વિધિ જણાવી. અને તેના ઉજવણા વિશે કહ્યું, કે વ્રત ઉજવતી વખતે ચાર બ્રાહ્મણ દંપતિને બ્રહ્મભોજન જમાડી દાન-દક્ષિણા આપી રાજી કરવા. આ વ્રત અખંડ સૌભાગ્યવતી રાખનારૂં છે. આથી દરેક સ્ત્રીએ આ વ્રત કરવું જોઈએ.

       ત્યારપછી પાર્વતી વેશ બદલી કપિલા પાસે ગયા અને તેના પાપના નિવારણ માટે ‘અરૂંધતી વ્રત ’કરવાનું કહ્યું. સાથે સાથે એ વ્રત કરવાનું કબૂલ કર્યું તે સાસરે ગઈ અને જ્યારે ચૈત્ર મહિનો આવ્યો ત્યારે તેણે અરૂંધતી વ્રત કરવાનું શરૂ કરી દીધું. એ વ્રતના પ્રતાપે તેના પૂર્વ જનમના પાપોનો નાશ થયો અને તેને સ્વર્ગલોકમાં સ્થાન મળ્યું.

       શંકર-પાર્વતી કૃપા પ્રાપ્ત કરનારું, ‘અરૂંધતી વ્રત’ જે કોઈ સ્ત્રી કરશે તેનો ચૂડી ચાંદલો અખંડ રહેશે ને સુખ-શાંતિ પ્રાપ્ત થશે.

Leave a Comment

gu Gujarati
X