અલૂણા વ્રત / Aluna Vrat in gujarati

(આ વ્રત ચૈત્ર સુદ ૨થી ૭ સુધી કરવામાં આવે છે. વ્રત કરનારે સવારે વહેલા ઉઠી, નાહીધોઈને ભગવાન શંકરની ખુબ ભક્તિભાવ પૂર્વક પૂજા કરવી ને કથા સાંભળવી. શક્ય હોય તો આખો ચૈત્ર માસ મીઠા વગરનું મોળું ખાઈ એક ટાણું કરવું. આથી સૌભાગ્યવતી સ્ત્રીનો ચૂડી ચાલ્લો અખંડ રહે છે. અને શિવ પાર્વતી તેના પર પ્રસન્ન રહે છે. વ્રત કરનારે આ દિવસો દરમિયાન જુઠું ન બોલવું, કોઈની નિંદા ન કરવી અને રાત્રે ભોંય પર પથારીમાં સૂઇ બ્રહ્મચર્ય પાળવું.)

       એક દિવસ ભગવાન શંકર અને પાર્વતી કૈલાશ ધામમાં મધુર ગોષ્ટિ કરતા બેઠા હતા. ત્યાં વાતચીત દરમ્યાન ભગવાન શંકરે પાર્વતી આગળ તપ કરવા જવાની ઈચ્છા વ્યક્ત કરી. ત્યારે પાર્વતીએ મોઢું ફુલાવીને કહ્યું : ‘તમે તો તપ કરવા ચાલ્યા જાવ, પણ મારી એકલતાનો કંઈ વિચાર કર્યો છે ખરો ?’

       જવાબમાં ભગવાને હસીને કહ્યું : ‘દેવી ? તમારી વાત તો સાચી છે. પરંતુ તમારી એકલતાને ટાળવા માટે હું તમને એક વરદાન આપું છું, કે તમે જ્યારે ઈચ્છશો ત્યારે બે સંતાનો પ્રાપ્ત કરી શકશો. એ સંતાનો સાથે રમવામાં તમારો સમય ક્યાંય પસાર થઈ જશે.’ એમ કહી તેઓ તપ કરવા નીકળ્યા.

       આ બાજુ થોડા દિવસ થયાં ત્યાં તો પાર્વતી એકલવાયા જીવનથી કંટાળી ગયા. તેમણે સ્વામીના વરદાનથી પોતાની જમણી કૂખેથી ગણપતિને અને ડાબી કૂખેથી ઓખાને ઉત્પન્ન કર્યાં. ત્યાર પછી તેઓ આનંદથી તેમની સાથે પોતાનો સમય પસાર કરવા લાગ્યા.

       એક દિવસ પાર્વતી સ્નાન કરવા માટે અંદર ગયા અને બારણામાં ગણપતિ અને ઓખાને ધ્યાન રાખવા બેસાડ્યાં.

       નારદજીએ ફરતાં ફરતાં કૈલાશધામમાં આ બે બાળકો રમતાં જોઈ લીધેલા. આથી તેઓ ભગવાન શંકર પાસે જઈ કહેવા લાગ્યાં : ‘પ્રભુ ! તમે અહીં તપ કરો છો, અને ત્યાં તમારી પત્નીએ બાળકો પણ ઉત્પન્ન કરી લીધા !’ આ સાંભળી ભોળા શંકર ધુંધવાઈ ગયા અને અને ધુવાં પુવા થતાં ઘેર આવી પહોંચ્યાં.

       ત્રિશુળધારી, જટાધારી, સર્પધારી બાવાને જોઈ ઓખા તો બીકની મારી મીઠાની કોઠીમાં સંતાઈ ગઈ, જ્યારે ગણપતિ એ બાવાને પડકારતાં બોલી ઉઠ્યાં :‘કોણ છો તમે ! કેમ અહીં આવ્યા છો ! ઊભા રહો ‘હમણાં હું તમને અત્યારે ઘરમાં નહીં જવા દઉં’

       આ સાંભળી ભગવાન શંકર ગુસ્સે થઈ ગયા અને પળનોય વિલંબ કર્યા વગર ગણપતિના ગળામાં ત્રિશુળ ભોંકી દીધું ! આથી ગણપતિનું માથુ ધડથી અલગ થઈ ભોંય પર ગબડી પડ્યું !

       ત્યારપછી તેઓ સીધા પાર્વતી પાસે જઇ પહોંચ્યા અને કહેવા લાગ્યાં :‘ આ છોકરા કોના છે ? ‘પાર્વતી આ વિચિત્ર પ્રશ્ન સાંભળી વિસ્મય પામ્યાં. ત્યારપછી તેઓ કહેવા લાગ્યા ‘સ્વામી ! શું તમે મને આપેલું વરદાન એટલી વારમાં ભૂલી ગયા ?’

       ‘શેનું વરદાન ?’ ભગવાન શંકર હજુ પણ ગુસ્સામાં હતાં.

       ‘કેમ તમે નહોતું કહ્યું કે, જો તમને એકલવાયું લાગે તો મારા વરદાનથી તમે બે સંતાનો ઉત્પન્ન કરજો ?’

       ભગવાન શંકરને હવે પોતાનું વરદાન યાદ આવ્યું. ‘તો શું આ મારા વરદાનથી ઉત્પન્ન થયેલા સંતાનો છે ? ‘જવાબમાં પાર્વતીએ માથું હલાવ્યું. અને એ સંતાનો બચાવવા તેઓ શંકરને બહાર લઈ આવ્યાં. તેમણે જોયું તો ગણપતિનું માથું ધડથી અલગ પડી ગયું હતું. આથી તેઓ આક્રંદ કરવા લાગ્યાં. શંકરને પોતાની ભૂલ સમજાઇ ગઈ. તેઓ પસ્તાવા લાગ્યાં.

       ત્યારબાદ ભગવાન શંકરે હાથીનું મસ્તક લાવી ગણપતિના ધડ સાથે ચોંટાડી દીધું. આથી ગણપતિ સજીવન થઈ ગયા, પરંતુ તેમનો વિચિત્ર દેખાવ જોઈ ફરી પાછા પાર્વતી વિલાપ કરવા લાગ્યાં. ત્યારે ભગવાન શંકરે તેમને આશ્વાસન આપતા કહ્યું: ‘દેવી ! તમે એના રૂપ સામે ન જોશો, પણ એના ગુણ સામે જુઓ. એની પુજા સૌ કોઈ પહેલી કરશે. ત્યારબાદ દરેક શુભકાર્યની શરૂઆત થશે.’

       એ પછી પાર્વતીને ઓખા સાંભરી આવી. તેમણે ઓખાના નામની બુમાબુમ કરી મુકી. અને મીઠાની કોઠીમાંથી ધ્રુજતી ધ્રુજતી ઓખા બહાર આવી. અને કહ્યું કે ‘ મા મને બાવાની ખુબ બીક લાગી એટલે હું મીઠાની કોઠીમાં સંતાઈ ગઈ હતી.’

       આ સાંભળી પાર્વતી બોલ્યા: ‘તેં તારો જીવ બચાવ્યો અને ભાઈને મારી નખાવ્યો. મને ખબર આપવા પણ તું અંદર ન આવી. માટે જા, હું તને શાપ આપું છું કે તારું આખું શરીર મીઠામાં આગળી જશે અને ત્યાર પછી તારો જન્મ રાક્ષસ યોનિમાં થશે !’

       આ સાંભળી ઓખા ધ્રુજી ઊઠી. તેણે માને કરગરી પડતા વિનંતી કરી કે ‘મા મારી ભુલ થઈ. મને માફ કરો અને શાપનું નિવારણ કરો.’

       ભગવાન શંકરે પાર્વતીને ઠપકો આપતાં કહ્યું કે, ‘ આ નાની બાળકી બીકની મારી નાસી ગઈ એમાં તેણે એવો તે શો અપરાધ કર્યો, કે તમે એને શાપ આપી બેઠા ?’

       આ સાંભળી પાર્વતીનો ગુસ્સો ઓગળી ગયો. તેઓ શાંત પડ્યાં, પસ્તાયા પણ ખરા. પરંતુ હવે કંઇ શાપ મીથ્યા થોડો થઈ શકે ? આથી તેઓ બોલ્યા :‘દિકરી ! તારે શાપ તો ભોગવવો જ પડશે. એમાં કશું જ ન થઈ શકે. તું રાક્ષસ યોનિમાં જ જન્મીશ. તેમ છતાં, તારા લગ્ન મારા આશીર્વાદથી કોઈ દેવકુમાર સાથે થશે, ચૈત્ર મહિનામાં તારો ખુબ મહિમા થશે અને જે કોઈ તારું વ્રત કરશે તે નિરોગી બની દીર્ઘાયું બનશે અને અંતે શિવલોક પ્રાપ્ત કરશે. ’

       સમય જતાં ઓખા મીઠામાં ઓગળી ગઈ અને પછી બાણાસૂર રાક્ષસને ત્યાં જન્મી. ત્યાં તેણે એક ટંક ભોજન કરી ‘અલુણા વ્રત’ કર્યું. આથી તેનું લગ્ન યાદવકુળમાં ભગવાન શ્રીકૃષ્ણના પૌત્ર અનિરૂદ્ધ સાથે થયું.

       જે કોઈ સ્ત્રી અલુણા વ્રત કરશે, તેની કથા વાર્તા વાંચશે, સંભળાવશે તેને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થશે અને શંકર-પાર્વતી તેના પર પ્રસન્ન થશે.

Leave a Comment

gu Gujarati
X