ઓખાહરણ – કડવું -૩૧ થી કડવું -૪૦ મું./ okhaharan

કડવું – ૩૧ મું.

       રાગ ધોળ – સ્વપ્નાંતરમાં દીઠી સોરઠીયાની જાન રે, સ્વપ્નાંતરમાં વડસસરો ભગવાન રે. ૧. સ્વપ્નાંતરમાં વરત્યાં છે મંગળ ચારે ચાર રે, સ્વપ્નાંતરમાં આરોગ્યા કંકાસ રે. ૩. સ્વપ્નાંતરમાં કરે છે પિયુજી શું વાત રે; સ્વપ્નાંતરમાં હસી હસી તાળી લે છે હાથ રે. ૪. ચિત્રલેખા ભરી નિંદ્રામાંથી જાગી રે, ઓખાબાઈની કોણ કરમ ગતિ લાગી રે. ૫. ઓખાબાઈને નાટક ચેટક લાગ્યું રે; તે તો કેમ કરી થાશે અળગું રે. ૬. જાગ જાગ રે ઓખા જોઈએ તે માગ રે. ૭.

રાગ-મારૂ ઓખા ભરી રે નિંદરમાં જાગી, અંગો અંગ અંગીઠી લાગી; ફટ પાપણી શીદને જગાડી, મને ભર્યા અમૃતમાંથી કહાડી. ૧. ફટ પાપણી એ શું કીધું, અમૃત લઇને વિખ જ દીધું; બીડી પાનની અડધી કરડી ખાધી, મન વિના મુખ મરડી. ૨. જુવો મારા કરમની કરણી, વરશે મેલી ગયો મને પરણી; પિયુને જે મતિ આવી, મારા નાથ ગયા રે રીસાવી. ૩. મારા હૈયા કેરો હાર, આણી રે આપો આણી વાર.૪.

                       કડવું -૩૨ મું.

       રાગ સોરઠ – સહિયર શતરૂં શેં થઈને લાગી, મને સ્વપ્નમાં જગારી રે હો; ઉમિયાનો વર આજ સફળ થયો ને, જપતાં દહાડી રે હો. ૧. અધવચ કુવામાં મુજને ઉતારી રે, વચ્ચેથી વરત મેલ્યું વાઢી રે હો; સહિયર રે, ભુંડી સહિયર શતરૂ શેં થઈને લાગી, મને સ્વપ્નમાંથી જગાડી રે હો. ૩.

                           કડવું – ૩૩ મું.

       રાગ – સાખી – ચંદા તું તો જીવો કરડો વરસ, સ્વપ્ને થયો સંયોગ; શાપ દઉં છું સૂરજ દેવતા, મૂજ જોગે પડિયો વિજોગ. ૧. સ્વપ્નામાં મારા પિયુજી શું, અમે કરતા લીલા લહેર, અમૃતસરા હું પીતી હતી, તેમાં તે મેલ્યું ઝેર. ૨. કંથ વિજોગણ કામની, ગઈ પંડિતની પાસ, હું તમને પુંછું પંડિતો, એક દિન કીતના માસ. ૩.

ફરી ફરી પંડિત એ કહે, સાંભળ ઓખા કરજોડ; એક પળ પિયુ વિના લાગે વરસ કરોડ. ૪. ઓખા પૂછે ઓ પંખીડા, તારી બે પાંખો માંગીશ; હું મારા સાજનને મળી, તારી પાંખો પાછી દઈશ. ૫. પાંખ મારી પ્યારી પંથ વેળગો; તારો પિયુ કોણ જ દેશ; કોણ રંગે તારો પિયું હશે, પહેરે કોણ જ વેશ. ૬. લેખ છઠ્ઠી તણા, તે મટી કયમ જાય, કરમે લખ્યું તે ભોગવે, તેની પક્ષ કરે જદુરાય.

       રાગ -ઘરાડી – મધ્ય નીશા સમે રે, માળિયામાં રોતી રાજકુમારી; ક્યાં ગયો, ક્યાં ગયો રે, બાઈ મારા સ્વપ્નાનો ભરથાર. ૧. મીંઢળ મારું ક્યાં ગયું રે બાઈ મારો ચૂડલો હતો જે હાથ; પીતામાં ઢળી ગયું રે, બાઈ મારે અમૃત આવ્યું જે હાથ રે. ૨. પિયું પરદેશિયા રે, ભૂંડા મને લીધી શે નવ સાથ, આજ વેરણ થઈ રે, બાઈ મારા સ્વપ્ના કેરી રાત. ૩.

લાવ સખી વીખ પીઉં રે, બાઈ મારો, કાઢું પાપી પ્રાણ; હવે હું કેમ કરું રે; બાઈ મને વાગ્યાં વિરહનાં બાણ. ૪. પાપી મારો જીવડો રે; ઓખાબાઈએ પડતું મેલ્યું ધરણ; રોતાં રોતાં જ્યાં ગયો રે; ઓખાબાઈએ રોપ્યા વાડી વન. ૫. નાથ મેલી ગયા રે, બાઈ મારા કોણ જનમનાં પાપ; આજ વેરણ થઈ રે, બાઈ મારા સ્વપ્ના કેરી રાત. ૬. જોબન મેં તો જોળવ્યું રે, જાણ્યું મારા પ્રભુને ભેટ ધરીશ, જો પ્રભુ નહિ મળે રે, હું તો મારા પ્રાણ તજીશ.

                              કડવું – ૩૪ મું.

       રાગ સાખી – ઓખા રૂવે ચિત્રલેખા વિનવે, ઘેલી સહિયર નવ રોય; સ્વપ્ને દીઠું જો નીપજે, તો દુ:ખ ન પામે કોય. ૧. જળ વલોવે, માખણ નીપજે, લુંખું કોઈ ન ખાય; મને વહાલી હતી, સખી તું તો ચિત્રલેખાય. ૨. વેરણ થઈ વિધાત્રી જણે આડા લખિયા આંક; એકવાર આવે મારા હાથમાં તો ઘસીને વાઢું નાક. ૩.

કરમ લખાવે તો લખે, ભરીને મેલ્યો આંક; કરણીનાં ફળ ભોગવો તેમાં વિધાત્રીનો શો વાંક. ૪. વિધાત્રી આપે તેને લક્ષ દીયે, ન આપે તેને છેક; એકવાર પોકારે બારણે, તેને પુત્રી જન એક. ૫. લાંચ લઈ લખતી હતી, તો આપત સહુથી પહેલું; મારા પિયુ વિજોગણ જાણતી; મારું મન લખાવત વહેલું રે. ૬.

                              કડવું -૩૫ મું.

       રાગ આશાવરી – સ્વપ્નું સાચું ન હોય સહિયર મારી, સ્વપ્નું સાચું ન હોય, ટેક. એક રંક હતો રાજ્ય પામ્યો, સ્વપ્નાંતર મોઝાર રે; હસ્તી ઝૂલે તેને બારણે, રથ ઘોડા, પરમ વિશાળ રે; જાગીને જોવા જાય ત્યારે, ગંધર્વ ન મળે એક. સ્વપ્નું. ૧. એક નિરધનિયો તે ધન પામ્યો, સ્વપ્નાંતરમાં સાર, તેના દેશ વિદેશ વહાણ ચાલે, વાણોતર છે સાર; જાગીને જોવા લાગ્યો ત્યારે, કોને લાવે પાસ. સ્વપ્નું. ૨. એક મૂરખ હતો, સ્વપ્નાંતરમાં ભણિયો વેદ પુરાણ; જાગી ને ભણવા જાય ત્યારે, મુખે ન આવડે પાષાણ. સ્વપ્નું. ૩. એક વાંઝિયો તે સ્વપ્નાંતરમાં વેગે પામ્યો બાળ; જાગીને જ્યારે જોવા જાય ત્યારે કોનું લાવે બાળ, સ્વપ્નું સાચું ન હોય  સહિયર મારી, સ્વપ્નું સાચું ન હોય. ૪.

                               કડવું -૩૬ મું.

       રાગ કલ્યાણ – ચિત્ર ચાલીને વાને વાળીને, રંગ ભેળીને પટ મેલીને; લેખણ લાવીને, કરમાં સાહિને રંગ ભરતી રે, ચિત્ર કરતી રે. ૧. હવે સ્વર્ગ લોક લખાય રે, લખ્યા સ્વર્ગલોકના રાય રે, સુર લોક લખ્યા, ભડ લોક લખ્યા, જનલોક અને તપલોક લખ્યા. ૨. સત્યલોક લખ્યા, વૈકુંઠ લખ્યું, ગણ લોક લખ્યા ને ગાંધર્વ લખ્યું; હવે ઓખાબાઈ તમે ઓરાં આવોને, આમાં હોય તે વહાલો બોલાવે રે. ૩. ઓખા આવીને કાગળમાં જોય રે, એ તો રાતે લોચન રોય રે; બાળ્ય બાળ્ય આ તો નથી ગમતું રે, એણે રણવગડામાં મેલો જઈને રમતું રે. ૪.

ચિત્ર ચાલીને, વાનો વાળીને, લખાણ લાવીને, કરમાં સાહીને, રંગ ભેળીન, પટ મેલીને, હવે પાતાળ લોક લખાય રે. ૫. અતળ લખ્યું, વિતળ લખ્યું તેણી વાર રે. ૬. લખ્યા પાતાળ લોકના રાય રે, નાગ લોક લખ્યા, તેણી વાર રે. વાસુકી નાગ લખ્યા; ત્રીશ્ચક નાગ લખ્યા તેણી વાર રે. ૭. મારી ઓખાબાઈ સલુણાં ઓરાં આવોને આમાં હોય તેને હસીને બોલાવો ને; બળ્યું બળ્યું એનું દર્પ રે, હું શું સ્વપ્નાંતરમાં પરણી આવા સર્પ રે. ૮. આ તો કાળા, લીલા, પીળા, સાપ રે, લખનારી ચિત્રલેખા તારા બાપ રે. ૯.

ચિત્ર ચાલીને, વાનો વાળીને, દીવો બાળીને; કાળજ પાડીને; મૃત્યુલોક લખાય રે, લખ્યા મૃત્યુલોકના રાય રે. ૧૦. અજમેર લખ્યું ને અલીઆવર લખ્યું, મુલતાન લખ્યું, મારવાડ લખ્યું, ખુરાસન લખ્યો, ને બંગાળ લખ્યો, ને એક મુખા લખ્યા, ને અષ્ટમુખા લખ્યા ને.૧૧.શ્વાનમુખાલખ્યા લખ્યા, માંજરમુખા લખ્યા, હસ્તીમુખા લખ્યા, ને ગંધર્વમુખા લખ્યા, લખી વનસ્પતિ ભાર અઢાર રે; હું શું સ્વપ્નાંતરમાં, પરણી આવા ઝાડ રે. ૧૩. બાઈ લખતાં તે લેખણ તૂટી રે, ખડિયામાંથી રૂશનાઈ ખૂટી રે, થયો કાગળનો અંબાર રે, તને સ્વપ્નું નથી લાગ્યું સાચુ રે. ૧૪.

                            કડવું – ૩૭ મું.

       સાખી – સોરઠ દેશ સોહામણો, મુજને જોયાના કોડ; રત્નાગર ગોમતી ત્યાં; રાજ કરે રણછોડ. ૧. સોરઠ દેશ સોહામણો, ન ચઢ્યો ગઢ ગિરનાર; ન ન્હાયો ગંગા ગોમતી તેનો એળે ગયો અવતાર. ૨. સોરઠ દેશ સોહામણો, ઢેલ ઘેલ કરંત; ગંગોદક ભરી કંચુકી, રાય હરિ ચરણે ધરંત. ૩. સોરઠ સુઘડ માનવી, રોજ નિત નિત કરે વહેવાર; એક નગર રહી માનવી; કરે ઊભો ઊભો જુહાર; ૪. રાગ લુહારી- આજ રે સ્વપ્નામાં દીઠા ગોમતીનાં તીર રે, આજ રે સ્વપ્નામાં દીઠા હળધરજીના વીર રે, આજ રે સ્વપ્નામાં દીઠો સુંદર વર ભરથાર રે, તેથી અમે અડધાં ઊંધ્યાં ને અડધા જાગતાં રે.

                                કડવું – ૩૮ મું.

       રાગ- કલ્યાણ – ચિત્ર ચાલીને, વાનો વાળીને, રંગ ભેળીને; પટ મેલીને; રંગ ભરતી રે, ચિત્ર કરતી રે લેખણ લાવીને કરમા સાહીને. ૧. હવે સોરઠ દેશ લખાય રે, ત્યાં નગર લખ્યું દ્વારકાય રે; લખી જાદવપતી રાજધાની, તેની શોભા સૂરજથી સમાણી રે, ૨. લખ્યો જાદવ પરિવાર રે, ઉગ્રસેન લખ્યા તેણી વાર, કૃતવર્મા લખ્યા, સાત્વિક લખ્યા, ઓધવ લખ્યાને અક્રુર લખ્યા, વાસુદેવ લખ્યા તેણી વાર, ઓખા આવી જુઓને ભરથાર રે, બાઈ તેં તો એંધાણી મળિયાં ઘરડાને માથે પાળિયાં રે. ૪. તેને માથે મુગટ કુંડળ કાન રે. એવા લખ્યા જો ભગવાન રે. ઓખા આવી જુઓને ભરથાર રે. બાઈ તેના સરખું રૂપ ને તેના ચાળા રે. ૫.

મારા માથજી ગોરા અને અતિ કાળા રે, તેને વડસરો સહુ કહેતાં રે; હું પરણી ત્યારે ચોરી સાહીને રહેતા રે. ૬. લખ્યા કૃષ્ણ તણા કુમાર રે, એક લાખ એંસી હજાર રે; એથી આગળ લખ્યા તેણી વાર રે, ઓખા આવી ને જુઓને ભરથાર રે. ૭. એ તો રીંછડાના બાળ રે, એના માથે મોટા વાળ રે, એના કુળમાં મારો કંથ રે, એને ધાવણના છે દંત રે. ૮.

એ તો રૂપાળો ને ઊંચો રે, એના મોઢે ઝીણી મુછો રે; ત્યારે લખ્યા પ્રદ્યુમન રે, ઓખાનું માન્યું મન રે. ૯. જાણે હોય કોઇ રે, મુજને પરણ્યો તેનું મોય રે, એને સગો સસરો સૌ કહેતા રે, હું પરણી ત્યારે મારી પાસે રહેતા રે. ૧૦. વલણ – એમ કહીને અનિરૂદ્ધ લખિયાં, ક્ષણું ન લાગી વાર રે. મુખ મરડી ઊભી રહી, બાઈએ મારો ભરથાર રે. ૧૧.

                           કડવું – ૩૯ મું.

       રાગ – ઢાળ ચિત્રલખાના હાથમાંથી, પેલું લખિયું પૂતળું જેહ; પ્રેમ આણી ઓખાબાઈએ, ઝુટવી લીધું તેહ. ૧. ઘરમાં જઈને, કામની કાંઈ દેશે આલિંગન, માળિયામાં મેલી ચાલ્યા, પ્રાણ તથા જીવન. ૨. આણી વાર હું નહિ જવા દઉં, મેં ઝાલ્યો તમારો છેડો; મારા પિયુજી પરહરો તો, મુજને જલ્દી તેડો. ૩. ચિત્રલેખા એણી પેર બોલી સજોડે છે તે પહોંચ્યા દ્વારકામાં, આ તો ચિત્રામણનો ઘોડો. ૪.

                                   કડવું -૪૦ મું.

       રાગ – પરજ – આપો તો આણી, એ વર મુને આપો હો આણી; નીકર કાઢું મારો પ્રાણ, એ વર મુને આપો હોય આણી. ટેક. મેં સ્વપ્ને દીઠો જે છોગાળો રે, તેની પાંપણનો છે ચાળો રે, મારૂં મનડું હર્યું લટકાળે, તે વર મુને આપો હો આણી. ૧. જેના દીર્ઘ બાહુ અજાન રે, મકરાકૃત કુંડળ કાન રે, અંગે શોભે ભીને વાન, તે વર મુને. ૨. જેનાં લક્ષણ વીસ ને બાર રે, મુને પરણી ગયો છે કાલ રે; તેને વરસ થયાં દસ બાર, તે વર મુને. ૩.

વરની લટકતી ચાલ રે, મને પરણી ગયો છે કાલ રે; તેને ટપકું કીધું ગોરે ગાલ, તે વર મુને. ૪. રાજે પિતાંબર પરિધાન રે; મને કહેતો ગયો નહીં નામ રે; ત્યારે ક્યાંથી સરે મારું કામ રે, તે વર મુને.૫. ચિત્રલેખા બોલી વાણ રે, સહિયર કેમ થઈ અજાણ રે, બાઈ દ્વારિકા તે જાયે કોણ, તે વર મુને. ૬. કોટ કાંગરે ચામુંડાય રે, છપ્પન કરોડ છે ચોકી માય રે; ચક્ર ઝળહળતું ત્યાંય રે, મુને મારે હેલા માંય. તે વર મુને. ૭.

ઓખાહરણ જોવા કલીક કરો:- https://youtu.be/rFIZ_JLL_J0

Leave a Comment

gu Gujarati
X