ઓખાહરણ, કડવું -૪૧ થી કડવું -૫૦ મું. / okhaharan

                        કડવું -૪૧ મું.

       રાગ મારું – ઓખા કહે સુણ સાહેલી, લાવ્ય કંથને વહેલી વહેલી, બાઈ, તું છે સુખની દાતા, લાવ્યા સ્વામીને સુખ શાતા. ૧. ચતુરાને કહે ચિત્રલેખા બાઈ આણ્યાના ઉપાય કેવા; દૂર પંથ દ્વારામતી, કેમ જવાય મારી વતી.૨. ત્યાં જઈ ન શકે રાય કે શક, રક્ષણ કરે સુદર્શન ચક્ર, જાવું જોજન સહસ્ત્ર અગિયાર, તારો કેમ આવે ભરથાર. ૩.

નયણે નીરની ધારાવહે છે, કરજોડી કન્યા કહે છે, બાઈ તારી ગતિ છે મોટી, તને કોઈ કરી શકે ન ખોટી. ૪. સહિયરને સહિયર વહાલી છે, મેં જમણા હાથે ઘાલી; આપણે બેંઉ જણ સંગાથી, તું પ્રાણ દાતા છે વિધાત્રી ૫. મા બાપ વેરી છે મારાં, મે તો ચરણ સેવ્યાં છે તમારાં; વિધાત્રી તું દીન દયાળ. ૬. એમ કહી પગે લાગી બાળ. ચિત્રલેખાએ ધારણા દીધી.

                                   કડવું -૪૨ મું.

       રાગ ઢાળ – ચિત્રલેખા કહે ઓખાબાઈ, મારે દ્વારકામાં જાવું; પ્રભુના ઘરમાં ચોરી કરવી, નથી લાડવો ખાવું. ૧. અગિયાર સહસ્ત્ર જોજન જાવું હરવા શ્રી જગદીશ; સુદર્શન ચક્ર જો મળે તો, છેદે મારું શીશ. ૨. બાઈ મુજને જાણ તો નવ પડે ને; જેમ તેમ વહેલી થાને; લાવ્ય મારા કંથને તું, ખોટી થાય છે શાને ? ૩.

જાતી વેળા ઓખા કહે છે, મારો વર રૂડો; કરમે મળ્યાં છે કુવારા, માટે રખે પહેરતાં ચુડો. ૪. ચિત્રલેખાએ કહેવા માંડ્યું, મનમાં રાખજે ધીર; સ્વપ્નામાં પરણી ગયો મારી માડી જાયો વીર. ૫. ત્યારે ઓખા કહેવા લાગી, જોઈ રહી વાટડી, મારો વર રૂડો જાણી, રખે ઓઢતી ઘાટડી. ૬.

હું નહિં ઓઢું ઘાટડી, તું એ શું બોલી વાત, તુજ સ્વપ્નમાં, પરણી ગયો મારી માડી જાયો ભ્રાત. ૭. એવું કહીને ઉપડી, તે પવન વેગે જાય; આકાશ માર્ગે સંચરી પહોંચી ગોમતી જ્યાંય.૮ ગોમતીમાં દર્શન કર્યું ને વિચાર્યું તે ઠામ; પ્રભુના ઘરમાં ચોરી કરવી, નહિ એકલાનું કામ.

૯. પછી તેણે નારદ મુનિ સંભાર્યા. તતક્ષણ આવ્યા ધાઈ; કહે રે મુજને કેમ સંભાર્યો, ચિત્રલેખાબાઈ. ૧૦. બાણાસુરની દીકરીને, લાગ્યું છે સ્વપ્ન, અનિરૂદ્ધ સેજે વરી ગયો, વિહ્વળ થયું છે મન. ૧૧. ચોરી કરવા હું આવી, સુદર્શન આડું થાય; તે માટે તમને સંભાર્યા, કરવા મારી સહાય. ૧૨.

નારદ કહે ઓરે બાઈ, એમાં તે શું કામ; એક તામસી વિદ્યા એવી ભણાવું ઊંઘે બધું ગામ. ૧૩. ચિત્રલેખા કહે સાચું કહ્યું, પણ છેતરવા જગદીશ; પહેલું સુદર્શન ચક્ર મળે તો, છેદે મારું શીશ. ૧૪. ચક્રની ચિંતા નવ કરશો, જે માર્ગે જાશે ચોકી કરવા; તેને માર્ગે હું જઈશ. બેસાડીશ વાતો કરવા.

૧૫. પછી તામસી વિદ્યા ભણાવી, જીભે જપતી જાય, ચોસઠ કળામાં ચામુંડા તે, બમણે જોરે જાય. ૧૬. ગામ તો ધારણ પડ્યું, ઊંઘ્યા સઘળા લોક; ચિત્રલેખા નગરમાં પેઠી, મુકી મનનો શોક. ૧૭. નારદે વિચાર્યું; ચિત્રલેખા, અનિરૂદ્ધને લઈ જશે. શિવ શામળિયો વઢશે, યુદ્ધ જોવા જેવું થાશે. ૧૮. ચક્કર ચોકી કરતું આવ્યું, મારગમાં નિરધાર, તે મારગે સામા મળિયા, નારદ બ્રહ્મકુમાર. ૧૯. નારદ કહકે છે. ચક્કરને દહાડે જાય છે ફરવા; એક ઘડીવાર બેસને, મુજ સાથેવાતો કરવા. ૨૦.

તું ને હું ક્યાં મળીશું, તું સાચી કહે ને વાત; કોઈ દહાડો મુજને સંભારે, દ્વારકા નાથ. ૨૧. ચક્કર મુખથી બોલ્યું વળી મારું તે ધન્ય ભાગ્ય, તમારાં દર્શનનો તો કાંથી પામું લાભ. ૨૨. ભોળું ચક્કર સમજ્યું નહિં, બેઠું નિરાંત લઈ, પેલી નારી નગરમાં પેઠી, ચોરી કરવા ગઈ. ૨૩. જોતી જોતી જ્યાં ગઈ, કૃષ્ણ તણું રે ભવન, ત્યાંથી આઘેરી પરવરી, જ્યાં પોઢ્યો, પ્રદ્યુમન. ૨૪. ત્યાંથી આઘેરી પરવરી જ્યાં મહારથી કેરો વીર, સોડ ઘાલીને પોઢ્યો, મહા ધનુષ્યધારી ધીર. ૨૫. હમણાં ને હમણાં એને જો જગાડું; મારી કેડ કકડાય; માથે હીંડોળો લઈ લીધો, ને; ઊલટ અંગ ન સમાય.

૨૬. જુગત અંબે ! જે જુગત અંબે ! કરતી તે જાય, હીંડોળો લઈ જાતા દીઠી; નારદે ત્યાંય. ૨૭. હીંડોળો લઈ પરવરી, ને સમર્તા વૈકુંઠરાય, પવન વેગે સંચરી, આકાશ માર્ગે જાય. ૨૮. બે ઘડીમાં આવી પહોંચી, શોણીતપુર મોઝાર; ને ઠેકાણે નારદજીએ, મન કર્યો વિચાર. ૨૯. એ જ્યારે ગઈ ત્યારે, હું એ મારે જાઉં, તેણે તેનું કામ કર્યુ, ખોટી શીદને થાઉં. ૩૦. નારદજી કહે છે ચક્કરને, તું નીકળ્યું ચોકી કરવા; આટલી વાર મુરખ કેમ બેઠું, મુજ સાથે વાતો કરવા. ૩૧.

નારદજી કહે છે ચક્કરને, ઊઠી જોને તારું ગામ; કાલે પછી ચોરી થાશે, લઈશ મારું નામ. ૩૨. આકાશ મારગે પક્ષિણી, તે વેગે ચાલી જાય, ઓખાબાઈ તો વાટ જુએ છે, મંદિર માળિયા માય. ૩૩. વા વાયને બારી હાલે. ખડખડાટ બહુ થાય, ચિત્રલેખા પાપણી તે હજુ ન આવી આય. ૩૪. ચિત્રલેખા ચાલી આવી મંદિર માળિયા માય, ભલે આવી, ભલે આવી; હું જગાડું ભરથાર રે. ૩૫.

                                     કડવું -૪૩ મું.

       રાગ આશાવરી – ઊંઘ્યા પિયુને જગાડીએ, ભર નિંદ્રામાંથી ઉઠાડીયે મન સંગાથે એવાં બીજીએ, બ્રહ્મહત્યા તો શીદ લીજીએ. ૧. ભરથાર પહેલાં ભામિની, જે અન્ન રાંધીને ખાય; વાગોળ થઈને અવતરે ઊંધે મસ્તક ટંગાય. ૨. ભરથાર પહેલા ભામિની જે સુવે સજ્યા માંય; આંધળી ચાકરણ અવતરે, પડે મારગ માંય. ૩. ભરથારનું જ. કહ્યું ન માને, આપ મતિ જે નારી; તે અવતરે, કોઈ બિલાડી માંઝારી. ૪.ભરથારનું ન માને, તરછોડે નિજ કંથ; હડકાઈ કુતરી અવતરે એને માથે પડશે જંત. ૫. ઓખા કહે છે ચિત્રલેખાને, તું તો બોલે આપ, પિયુ પોઢ્યા હોય પારણે, કરડવા આવ્યો હોય સાપ રે. ૬.

                                 કડવું – ૪૪ મું.

       રાગ સાખી – ચરિત્ર અનેરડાં, કોઈ તેનો ન લહે મર્મ; સ્ત્રી શામને, ભોળવે, પણ ખોયો પોતાનો ધર્મ. ૧. રાગ ઢાળ-ઓખા કહે છે ચિત્રલેખાને, હવે ન બોલીશ તું આડું; કહે તો મારા પિયુને, પગ ચાંપી જગાડું. ૨. ચિત્રલેખા કહે ઓખાબાઇ, આવડી ઉતાવળી શું થાય; મોટાનો કુંવર કહાવે, કાંઈક હશે હથિયાર. ૩. ઓશિકે જઈ જોવા લાગી, તો મોટી એક ગદાય, ઉપાળીને અળગી કીધી, ઓખા ચાંપે પાય રે. ૪.

                            કડવું -૪૫ મું

       રાગ મારુ- મહા બળિયો, તે જાગીયો તેના બળનો ન આવે પાર રે, હરૂડ હાક મારી, કીધો રે હોંકાર રે. ૧. ધમક ધમક ડાંકલાં વાગે ઠારો ઠાર રે; આ તો ન હોય રે, મારા બાપનું ગામ રે. ૨. દ્વારકામાં વસે સઘળા વૈષ્ણવજન રે; અહોરાત્રિ બેઠા કરે છે, ત્યાં સહુ કીરતન રે. ૩. ભજન નાદ કેરા ચકરડા, તે હોય અપાર રે, ભૂત ભૈરવ જોગણી અસુર કોઈની નાર રે. ડાકણી છો, શાકિની છો, કોણ છો બલાય રે; ચિત્રલેખા કહે છે વીરા, ખમા ખમા ખમાય રે. ૫.

                               કડવું -૪૬ મું.

       રાગ સામગ્રી- અનિરૂદ્ધ તે જાગીને પેખે, ભુવનથી ઓરડા દેખે, કોણ કારણ અમને લાવીયાં હો. ૧. ચિત્રલેખ બોલે શીર નામી, તમને લાવી છું હું જાણી; ઓખાને કરો પટરાણી, વર વરવાને અરથ હો તમને લાવીયા; હો. ૨. નારી ધન્ય દીસો છો કુંવારી; કન્યા હું પરણું તો થાય છે અન્યાય, કેમ પરણું હો અસુર નંદની હો. ૩.

                                 કડવું -૪૭ મું.

       રાગ વલણ- બાણાસુરની નગરીમાં, ગડગડિયાં નિશાન રે; એણે રે શબ્દે અનિરૂદ્ધ જાગીઆ. ૧. જાગ્યા જાગ્યા જાદવરાય, જુગતીથી દેખે રે આ તો ન હોય અમારી નગરી, ન હોય પેખે રે, ન અસુરનાં માળિયાં રે. ૨. અમારું ન હોય ગામ રે, ન હોય, પુષ્પ કનકનો ઢોલિયો રે. ૪. અહીંયા નાદ ઘણા વાગે રણતુર ઘણેરાં ગાજે રે; ન હોય, ન હોય શંખ, શબ્દ શોહામણો રે. ૫

મને કાંઈ રાંડ લાવી રે, મારી દ્વારિકાને છોડાવી રે; કઈ ભુમિમાં રે, મુજને ભોળવ્યો રે. ૬. આ ઊંચા ઊંચા માળ, લોઢે જડ્યા કમાડ રે; રત્નાગર શેં નથી ગાજનો ? ૭. ચિત્રલેખા બોલી વળતી રે, તમે જોઈને દેજો ગાળ રે; આવ્યા છો તો આ કન્યા સુખે વરો રે. ૮. ત્યારે અનિરૂદ્ધ બોલ્યો વાત, મુછે ઘાલી હાથ રે; જાણી જોઈને, જાત ગળીમાં કેમ બોળિયે રે. ૯. મારો વડવો જુગજીવન, પ્રદ્યુમનરાયનો તન રે; તે માટે નહિં પરણું દૈત્યની દીકરી રે.

૧૦. ચિત્રલેખા બોલી વાત રે, ઢાંકી રાખો તમારી જાત રે; હમણાં વાતો કાઢીશ વડવા તણી રે. ૧૧.સનકાસુરને મારી રે, સોળ હજાર લાવ્યા નારી રે, તમો સમજો, મનમાં રે તારા બાપે એક નથી પરણી રે. ૧૨. એકે લગ્ન નવ વરિયા રે, નવ પુછ્યા કુળ ને પળિયા રે; જાતભાત કોઈની પૂછી નહિં રે. ૧૩. તારા બાપની જે ફોઈ અર્જુન સંન્યાસીને ગઈ રે, મોં કાઢીને બોલે એવું નહિં રે. ૧૪. જેણે વાયો વૃંદાવનમાં વંશ, જેણે માર્યો મામો કંસ રે; ધાવતા માસી મારી પુતના રે. ૧૫.

ધાવતાં મારી માસી રે; કરી કંસની દાસી રે, કુળની વાત કહેતી નથી રે. ૧૬. તારો વડવો માખણ ચોર, ચાર્યા વૃંદાવનમાં ઢોર રે; છાશ ઘીમાં તો ઉછરિયો રે. ૧૭. સત્રાતજી ને કાજે રે. મણિ લેવા ગયા મહારાજ રે; ત્યાંથી પરણી લાવ્યા, જાંબુવતી રીંછડી રે. ૧૮. લાંબા નખ ને ટુંકા કેશ રે, વરવો દિશે વેશ રે; ભૂંડા મુખના છુંછા ઉપર શું મોહી રહ્યા રે. ૧૯. કહો તો વધારી કહીએ, નિકર અહીંથી છાના રહીએ રે, પૂછો તો, કન્યાનું કુળ સાંભળો રે.

૨૦. તારો વડવો જુગજીવન એનો વડવો કૈલાશનો રાજન રે; ઓખાની માડી તો, ઉમિયા સતી રે. ૨૧. હિમાચળની ભાણેજ રે, ગણપતિ તેનો વીર રે; ઉમિયાની અર્ધાંગેથી ઓખા ઉપજી રે. ૨૨. તારો વડવો જુગજીવન એનો વડવો બળિ રાજન; એક સમે બળિરાયે, યજ્ઞ માંડિયો રે. ૨૩. બળિરાજ જગ્નનો અધિકારી, તારો વડવો ભિખારી રે; સાડાત્રણ ડગલાં માટે, કર જોડિયા રે. ૨૪. આટલી વડાઈ શાને કરો છો, એના બાપની ભૂમિમાં રહો છો રે; કરમ હીણના કપાળમાં કોઈ ચોડે નહિં કંકુ રે. ૨૫. કહો તો વાત વધારી કહીએ, નીકર અહીંથી છાના રહીએ, આવ્યા છો તો આ કન્યા સુખે વરો રે. ૨૬.

                          કડવું -૪૮ મું.

       રાગ -ઢાળ – અનિરૂદ્ધ વળતો કોપ્યો, ક્યાં ગઈ મારી ગદાય, બે જણના મારી કરું કટકાય, ૧. તમો જાણ્યું અહીંયાં લાવી, કર્યું ભલેરું કામ, તમને બે જણને મારી ઊડી જાઉં દ્વારકા ગામ. ૨. ઓખા ત્યારે થરથર ધ્રુજી, વેગે આવી આડી, મારા પિયુજીને હું મનાવું, તું લાવી તે તારો પાડ રે. ૩.

                              કડવું- ૪૯ મું.

       રાગ -સિંધુડો- મારા સોરઠિયા સુજાણ, મળ્યા મને મેલશો માં; મારા જીવના જીવન પ્રાણ, મળ્યા મને મેલશો મા. ૧. મારા હૈયા કેરા હાર; મળ્યા મને મેલશો મા. ૨. સાસુડીના જાયા મળ્યા મને મેલશો મા. ૩. સ્વપ્ને શીદ ઝાલ્યો તો હાથ, ચાલો તો કાઢું પ્રાણ; મળ્યા મને મેલશો મા. ૪. ત્યારે અનિરૂદ્ધ બોલ્યા વાણ, સાંભળ સુંદરી, એ અબળાએ નાંખ્યા બોલ, અમશું લડી. ૫. મારા વડવાની વાત, કાઢી જે વઢી; ત્યારે ઓખા બોલી વાત, એ છે દાસલડી. ૬.

કૌભાંડની તે આપ પગની ખાસલડી, ત્યારે અનિરૂદ્ધ બોલ્યા વાણ, હવે હું તને વરું. ૭. ગાળો દીધી સાર, મારું વેર વાળ્યું ખરું, ચિત્રલેખા બોલી વાણ. ગાળો દીધી સહી. તમે બે થયા છો એક, પરણાવું સહિ. ૮. પરણાવવાની પેર, સઘળી મેં લહી; મને મળિયા નારદ મુન્ય, વિદ્યા શીખવી. ૯. ત્યારે ઓખા બોલી વાણ; હવે વાર શેની; પરણાવ માળિયા માય, રાજકુંવરી નાની. ૧૦.

                                   કડવું-૫૦ મું.

       રાગ ધોળ – માળિયામાં મિથ્યાં અગ્નિ પ્રગટ કીધી રે, માળિયામાં દેવતા સાક્ષી લીધી રે; માળિયામાં નારદ તંબુર વાય રે, માળિયામાં કળશ ચોરી બંધાય રે. ૧. ચિત્રલેખા પહેલું મંગળ વરતાય રે; પહેલે મંગળ શાં શાં દાન અપાય રે, ચિત્રલેખા આપે છે કરની મુદ્રિકાય રે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે. માળિયામાં બીજું મંગળ વરતાય રે, બીજે મંગળ શાં શાં દાન અપાય રે; ચિત્રલેખા આપે છે શોળ શણગાર રે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે.

માળિયામાં ત્રીજું મંગળ વરતાય રે, ત્રીજે મંગળ શાં શાં દાન અપાય રે; ચિત્રલેખા આપે નવરસ હાર રે, દાન લે છે કૃષ્ણ તણો કુમાર રે. માળિયામાં ચોથું મંગળ વરતાય રે, ચોથે મંગળ શાં શાં દાન અપાય રે; ચિત્રલેખા આપે છે ગાયોના દાન રે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે. માળિયામા સમે વરતે સાવધાન રે, માળિયામાં આરોગ્યા કંસાર રે; માળિયામાં ચાર સૌભાગ્યવંતી તેડાવો રે, ઓખાબાઈને સૌભાગ્યવતી કહી બોલાવો રે. માળિયામાં ઓખા અનિરૂદ્ધ, પરણી ઊઠ્યા રે, માળિયામાં ત્યાં તો સૌનેય મેરું થાય રે.

ઓખાહરણ જોવા કલીક કરો:- https://youtu.be/rFIZ_JLL_J0

Leave a Comment

gu Gujarati
X