ઓખાહરણ, કડવું -૫૧ થી કડવું- પ૬ મું. / okhaharan

                                  કડવું -૫૧ મું.

       રાગ – ચોપાઈ ત્રિતાલ- બોલ્યા સુકજી પ્રેમ વચન, સાંભળ પરીક્ષિત રાજન; મળીને બેઠા સૌ સહિયર નારી, વદે વચન કૌભાંડ કુમારી. ૧. સુખ ભોગવો શ્યામાને સ્વામી, ચિત્રલેખા કહે શીશ નામી, બાઈ તું કરજે પિયુના જતન, રાંક હાથે આવ્યું રતન. ૨. વર કન્યા સુખે રહેજો, બાઈ મુજને જાવા દેજો, અન્ન બેનું આપે છે રાય, ત્રીજું કેમ સમાય ? ૩. તમો નરનારી રીજે કીજે, હવે મુજને આજ્ઞા દીજે, બોલી ઓખા વળતી વાણી, મારી સઈયર થઈ અજાણી. ૪.

હવે સખી ઓખા વળતી ભાખે, કેમ બાઈ જીવું છું તું જ પાંખે; આપણે બે જણ દિન નીરગમશું, અન્ન વહેંચીને જમીશું. ૫. દુ:ખ થાશે તો દઈશું થાવા, પણ નહિં દઉં તુજને જાવા; બેની હું તો રહીશ ભુખી, તુજને નહિ થાવા દઉં દુ:ખી. ૬. હું આપીશ મારો ભાગ, હમણાં નથી જવાનો લાગ, મા બાપ વેરી થયાં છે મારા, મેં તો ચરણ સેવ્યાં છે તમારા. ૭. તુજ તાતને ઘેર ન જવાય, જાણ બાણાસુરને થાય; ચિત્રલેખા કહે સુણ વાણી, મારી સઈયર થઈ અજાણી.

૮. પ્રધાન પુત્રી કહેવાઉં છું માત્ર, હું છું બ્રહ્માણીનું ગાત્ર; તુ જ અર્થે લીધો અવતાર મેળવ્યાં નારી ભરથાર, ૯. એમ કહી કરી પ્રસન્ન ચિત્રલેખા ગઈ બ્રહ્મસદન; ઓખાએ આંખડી ભરી. કંથે આસના વાસના કરી. સ્વામી આશા બાંધી નારી, પછી ચિત્રલેખાને વિસારી જે દહાડે તુજને સ્વપ્ન, તે દાડે મુજન સ્વપ્ન. ૧૧.

જાણે પરણ્યાં છું ઓખા નારી. ઉઘાડી મેલી’તી બારી, બેને સરખી વિજોગની પીડા નરનારી કરે ક્રીડા. બેની ચડતી જોબનની કાયા, પ્રીત બંધને બાંધી માયા; નેહ જણાવે ઓના નારી, રમે અનિરૂદ્ધ કુંજબિહારી. ૧૩. જે જોઈએ તે ઉપર આવે ભક્ષ ભોજન કરે મન ફાવે; પહોંચ્યો ઓખાનો અભિલાષ, પછી આવ્યો અષાઢ માસ. ૧૪. આવ્યા વર્ષા કાળના દન, મેહ ગરજે બહુ પરજન્ય; ચમકે આકાશે વીજળી ઘણી બોલે કોકીલા વાણી મધુરી.

૧૫. મહા તપસીના મન ડોલે, ત્યાં તો બપૈયા બહુ બોલે; તેલ મરદન કરે છે અંગે, કેસર ચંદન ચરણે રંગે. ૧૬. આંખે અંજન આભ્રણ સાર, તંબોળ કેરા આહાર; નિલવટ ચાંદલો તવો, ચંદ્ર શરદ પુનમના જેવો. ૧૭. શીશ ફૂલ સેંથો સિંદૂર, તેને મોહ્યો અનિરૂદ્ધ સુર; કને ઝાલ ઝબકતી જોઈ, કાન કુંવર રહ્યો મોહી. ૧૮.

તાકે સોહિએ મોતીની વાળી, તેને રહ્યો અનિરૂદ્ધ નિહાળી; મોહ્યો મોહ્યો ભ્રુકુટીને જોડે, મોહ્યો મોહ્યો તે મુખને મોડે. ૧૯. મોહ્યો મોહ્યો ટીલડી વડે, મોહ્યો મોહ્યો કેશની લટે. મોહ્યો ઘુઘરીના ઘમકે, મોહ્યો ઝાંઝરને ઝમકે. ૨૦. દીઠું મેડિયે સુંદર કામ, તેણે વિસાર્યું દ્વારિકા ગામ, ઘણું ભક્ષ ભોજન કરે આપ, તેણે વિસાર્યા મા ને બાપ.

૨૧. પામ્યો અધરામૃત પકવાન, તેણે વિસાર્યું હરિનું ધ્યાન; ઓખા સુખ તણો સાગર, તેણે વિસાર્યો રત્નાગર. ૨૨. અનિરૂદ્ધને ચાલે છે ગમતી, નારી હીંડે નરની ચાલે છે નમતી; નારી નારી મુખે ઓચારતા, હીંડે ઓખાની પુંઠળ ફરતા. ૨૩. ઘેલો કીધો મરજાદા મેલી, નવ જુવે દીવસ કે રાત્રી, રાત દિન નિરગમે છે રમી ચારે આંખે ઝરે છે અમી. ૨૪. શુદ્ધ બુધ તો વિસરી તહીં, એટલે ચોમાસું ગયું વહી. ૨૫. વલણ-ચોમાસું તો વહી ગયું, આવ્યો આસો માસ રે, કન્યા ટળી નારી થઈ ઓખા પામી સુખ વિલાસ રે. ૨૬.

                              કડવું -૫૨ મું.

       રાગ મલાર -વર્ષાઋતુ વહી ગઈ રે, રમતા રંગ વિલાસ, સુખ પામ્યા ઘણું રે. એટલે આવ્યો અશ્વિન માસ. ૧. એક સમે સહિયર આવી શરદ પૂનમની રાત; માણેકઠારી પૂર્ણિમા રે, ઉત્તમ દિસે આસો માસ. ૨. ચંદ્રમાને કિરણે બેઠાં, હિંડોળે નરનાર; હાસ્ય વિનોદમાં રે, કરતા વિવિધ વિલાસ. ૩.

રક્ષક રાયનો રે, તેણે દીઠી રાજકુમારી; કન્યા રૂપ ક્યાં ગયું રે; ઓખા દિસે મોટી નારી. ૪. ચિત્રલેખા ક્યાં ગઈ રે, એકલી દિસે છે ઓખાય; રાતી આંખલડી ફુલી દિસે છે કાયા. ૫. હિંડે ઉર ઢાંકતી રે, થયા છે નખપાતુ અધરમાં શ્યામતા કોઈ પુરૂદંતનો ઘાત. ૬. સેવક સંચર્યો રે, એવો દેખીને દેદાર, મંત્રી કૌભાંડને રે, જઈને કહ્યા સમાચાર.

૭. પ્રધાન પરવર્યો રે, જ્યા અસુરા કેરો નાથ; રાયજી સાંભળો રે, મંત્રી કહે છે જોડી હાથ. ૮.લૌકિક વારતા રે, કાંઈ આપણને લાંછન; જીભ્યા છેદિયે રે, કેમ કહીએ વજ વચન, ૯. બાળકી તમ તણી રે, તે તો થઈ છે નારી રૂપ, વાર્તા સુણી રે; આસનથી ઢળીયો ભૂપ. ૧૦.

ધ્વજા ભાંગી પડી રે, એ તો અમથી અકસ્માતે; બાણ કોપ્યો ઘણો રે, મંત્રી સાંભળ સાચી વાત. ૧૧ શિવે કહ્યું તે થયું રે, તારી ધ્વજા થશે પતન; તે વારે જાણજે રે, રિપુ કોઈક થશે ઉત્પન્ન. ૧૨. જાઓ મંત્રી તમો પુત્રી કેરી પેર; તેને જન; જાણે નહિ, તેમ તેડી લાવો ઘેર. ૧૩.

પ્રધાન પરવર્યોન, સાથે ડાહ્યા ડાહ્યા જન; ઓખાજી માળીયે રે, હેઠે રહીને કહે વચન. ૧૪. કૌભાંડ ઓચર્યો રે, ઓખાજી દ્યોને દર્શન; ચિત્રલેખા ક્યાં ગઈ રે, ચાલો તેડે છે રાજન. ૧૫ ઓખા થર થર ધ્રુજતી રે, પડી પેટડીએ ફાળ; શું થાશે નાથજી રે, આવી લાગી મહા જંજાળ

૧૬. રખે તમે બોલતા રે, નાથજી દેશોના દર્શન; મુખ ઊડી ગયું રે, ઓખા નીર ભરે લોચન. ૧૭. બાળા બહુ વ્યાકુળી રે, કાંઈ કદળી કેરે રે વર્ણ, કસ કસ્યા વિના રે, કંચુકી પહેરી અવળે વર્ણ. ૧૮. બાળીએ બાળકી રે; ઉભી રહીને ત્યાં આવી કૌભાંડે કુંવરીન રે, ભયંકર વચને બોલાવી. ૧૯.

ચિત્રલેખા ક્યાં ગઈ રે, તું એકલડી દીસે બાળ; કનયા રૂપ ક્યાં ગયું રે, ખીજશે બાણાસુર ભૂપાળ. ૨૦. શરીર સંકોચતી રે, કરતી મુખડા કેરી લાજ; ઘરમાં કોણ છે રે મુજને કહોને આજ. ૨૧. ગંડસ્થળ કર ધરી રે, કોઈ પુરૂષ દંતનો ઘાત; શણઘટ તાણતી રે, બોલી ઓખા ભાંખી વાત. ૨૨. શરીર સારૂં નથી રે, ચિત્રલેખાએ કીધું શયન; તેને હું આકળી રે, દુ:ખથી નીર ભર્યું લોચન. ૨૩. મંત્રી ઓચર્યો રે, ઓખા બોલી આળ પંપાળ, હેઠા ઉતરો રે, નહિ તો ચડીને જોઈશું માળ. ૨૪. વલણ-માળ જોઈશું તમ તણો, ભાંગશે તમારો ભાર રે; એવું જાણીને હેઠા ઉતરો, રાય કોપ્યો છે અપાર રે. ૨૫.

                                     કડવું -૫૩ મું.

       રાગ-સામગ્રી કન્યાએ ક્રોધ જણાવીયો, હાકોટ્યો પ્રધાન; લંપટ બોલતાં લાજે નહિ, ઘડપણે ગઇ શાન. કન્યા. ૧. પાપી પ્રાણ લેવા ક્યાંથી આવિયો બોલતો શુદ્ર વચન; એ વાત સારું કરવી જોઈશે, જીભલડી છેદન. કન્યાએ. ૨. હું તો ડાહ્યો દાનવ તને જાણતી, ભારે ખમ કૌભાંડ; એવું આળકોને ન ચડાવીએ ભાંગી પડે રે બ્રહ્માંડ. કન્યાએ. ૩.

કહેવા દેને મારી માતને પછી તારી વાત, હત્યા આપું તુજને, કહું દેહનો પાત. કન્યાએ. ૪. કૌભાંડ લાગ્યો કંપવા પુત્રી પરમ પવિત્ર, પછી કાલાવાલા માંડિયા, જાણ્યું સ્ત્રી ચરિત્ર, કન્યાએ. ૫. બાઈ રાજાએ મને મોકલ્યો, લોકો પાડ્યો વિરોધ,ઓખાજી પૂછવા માટે, આવડો શો ક્રોધ. કન્યા. ૬. એવું કહેતાં સેવક મોકલ્યો બાણાસુરની પાસ, રાજાએ મંત્રીને કહાવિયુ, જુઓ ચઢીને આવાસ. કન્યા.

૭. કૌભાંડ કોપ કરીને ગાજિયો, વગડાવ્યાં નિશાન; માળિયેથી બંને ઉતરો બાણાસુરની આણ. કન્યાએ. ૮. દાસને આપી આજ્ઞા, સ્તંભ કરો છેદન, ઓખાએ આંસુડા ઢાળિયાં ચંપાશે સ્વામીન, કન્યા. ૯. હોકારો અસુરનો સાંભળી, ઉભો થયો અનિરૂદ્ધ; મેઘની પેઠે ગાજિયો, કંપી નગરી બદ્ધ, કન્યાએ . ૧૦. મંત્રી કહે સુભટ સાંભળો કોઈ જોદ્ધો બોલ્યો અહીં; આપણા નાદે ઊઠિયો, મેઘ શબ્દેથી સહી, કન્યાએ. ૧૧.

ઓખાએ નાથને બાથમાં ઘાલિયા; શું જાણો છો વહીં; માંડી જુઓ યુદ્ધને, હવડાં જાઉં કહીં, કન્યાએ. ૧૨. આ સો ઉદ્યમ વઢવા તણો; નથી બાપનું ધામ; દાનવને માનવ જીતે નહિ, ન હોય ઋતુ સંગ્રામે. કન્યા. ૧૩. નાથ કહે સુણ સુંદરી, વાત સઘળે થઈ; હવે ચોરી શાને આપણે, બેસીએ બારીએ જઈ. કન્યા. ૧૪.

       વલણ – જઈ બેઠાં નરનારી બંને, વાત વિપરીત કીધી રે; છજે બેઠા કાન કુંવર ઓના ઉછંગે લીધી રે.

                                  કડવું – ૫૪ મું.

       રાગ -રામકળી – જોડી જોવાને જોધ મળ્યા ટોળેજી, ઓખાને બેસાડી અનિરૂદ્ધે ખોળેજી; કંઠમાં બાવલડી ઘાલીને બાળાજી, દેખી કૌભાંડને લાગી જ્વાળાજી. ૧.

       ઢાળ – જ્વાળા પ્રગટી, ઝાળ પ્રગટી, સુભટ દોડ્યા સબળા, મંત્રી કહે ભાઈ સબળ શોભે, જેમ હરિ ઉછંગે કમળા. ૧. લઘું સ્વરૂપને લક્ષણવંતો, આવી સુતા સંગ બેઠો; જ્યાં સ્પર્શ નહિં પંખી તણો તે, માળિયામાં કેમ પેઠો ? ૨. નિ:શંક થઈને છજે, બેઠાં, નિર્લજ નર નારી; હાસ્ય વિનોદ કરે ઘણો, લજ્જા ન આણે મારી. ૩.

ઓખાએ અપરાધ માંડ્યો; ધાઈ ધાઈ છે સોઈ; પ્રધાન કહે એ પુરૂષ મોટો, કારણ દીસે કોઈ. ૪. અંબુજ વરણી આંખલડીને ભ્રુકુટી રહી ખમ ખમી, રોમવાળી વાંકી, વળી વઢવા રહ્યો ટમટમી. ૫. માળ ધર્યો સુભટ સર્વે, બોલે છે આનંદ; અહો વ્યભિચારી ઉતર હેઠો, એમ કહે કૌભાંડ. અલ્પ આયુષ્યના ધણી, જમપુરીનો માર્ગ સત્ય; અસુર સરીખા રિપુ માથે, કેમ થઈ બેઠો સ્વસ્થ

૭. બાણાસુરની દીકરી તેને ઈંદ્રે ન થાય આળ; તે રાજકુંવરીની  સંગે તું ચઢીને બેઠો માળ. ૮. સાચું કહે જેમાં શીશ રહે; કોણ નાત કુળને ગામ; યથાર્થ તું ભાંખજે, કેમ સેવ્યું ઓખાનું ધામ ! ૯. અનિરૂદ્ધ વળતાં બોલિયાં સાંભળો સુભટ માત્ર; ક્ષત્રી નંદન હું ઈચ્છાએ આવ્યો, બાણનો જમાત્ર. ૧૦. મંત્રી કહે અલ્યા બોલ્ય વિચારી, ઉતરશે અભિમાન, જમાત્ર કોનો, બાળ કોનો, કોણે કીધું કન્યાદાન. ૧૧.

અપરાધી પૂરણ ઉતર હેઠો, તને બાણારાયની આણ, આ દાનવ તારો પ્રાણ લેશે, મરણ આવ્યું જાણ. ૧૨. વિચાર જાણ જીવ્યાનો, જો પડ્યો રણવાસે ચુપ; સિંહ હોય તો હાંકે ઊઠે, પણ દીસે છે જાંબુક. ૧૩. બેઉ જણાને જોઈને, પાછો ચાલ્યો કૌભાંડ, કૌભાંડનું વાક્ય સાંભળી, બોલ્યો બળીરાજાનો તન. ૧૪. સાંભળતામાં ચાર લાખ યોદ્ધા મોકલ્યા તત્કાળુ; તે ઓખાએ દીઠા આવતા પેટમાં પડી ફાળ. ૧૫.

                            કડવું -૫૫ મું.

       રાગ- પરજ – કામિનીએ જ્યારે કટક દીઠું, ઓખા થઈ નિરાશ, અરે દૈવ આ શું કીધું, મનમાં હતી મોટી આશ. વાલા કેમ વઢશો રે, મારા પાતળિયા ભરથાર; વાલા કેમ. ૧. ટેક. અરે પિયુ તમે એકલા, કરમાં નથી ધનુષ્યને બાણ, એ પાપી કોપિયો,તે લેશે તમારા પ્રાણ. વાલા. ૨. આછી પોળલ ધીએ ઝબોળી, માંહે આંબા રસ ઘોળી; તમે જમતાં હું પીરસતી, ભરી કનક કટોરી. વાલા. ૩.

આળોટે પાળોટે અવની પર, રૂદન કરે અપાર; બોલાવી બોલે નહિં, નયણે વરસે આંસુની ધાર. ૪. વળી બેસે ઊઠે ને વળી, થાય વદન વિકાસણ વીર : તીવ્ર બાણ જ્યારે છૂટશે, સહશે કેમ કોમળ શરીર. વાલા. ૫. મારા માતા પિતાને જાણ થયું, ને કટક મોકલ્યું પ્રૌઢ; પાપી બાપે કંઈ નવ જાણ્યું, બાણાસુર મહા મુઢ. વાલા. ૬.

                                કડવું- પ૬ મું.

       રાગ – ઢાળ – ઘેલી નારી કાલાવાલા, જે કરો તે ફોક; અમો એવું યુદ્ધ કરીએ, તે જાણે નગરના લોક. ૧. તું જાણે પિયું એકલા ને હાથે નહિ હથિયાર, તારા બાપે ચાર લાખ મોકલ્યા, તે મારે મન છે ચાર. ૨. તું જાણે પિયું એકલાને કર નહિ ધનુષ્યને બાણ; એક ગદા જ્યારે ફરશે ત્યારે લઇશ સર્વના પ્રાણ. ૩.

ચિત્રલેખા ચતુર નારી, વિધાત્રીનો અવતાર; ઓખાએ તે ધ્યાન ધરિયું, આવી માળિયા મોઝાર. ૪. એવું કહીને જોયું શય્યામાં, ગદા તો નવ દીઠી; ચમકીને પુછ્યું ચિત્રલેખાને, અંગ લાગી અંગિઠી. ૫. ચિત્રલેખા કહે મહારાજ, હું તો ચતુર થઈને ચૂકી; મેં જાણ્યું મુજને મારશે, ગદા દ્વારિકામાં મુકી. ૬. અનિરૂદ્ધ કહે શાને વઢું, મારે  હાથ નથી હથિયાર, ચિત્રલેખાએ નારદ સંભાર્યા, માળિયા મોઝાર.

૭. નારદ કહે મુજને કેમ સંભાર્યો, કૌભાંડ કેરી તન; મહારાજ જુદ્ધે ચઢે અનિરૂદ્ધ, દેજો આશીર્વાદ વચન. ૮. નારદે આશીર્વાદ દીધો, સૌભાગ્યવતી ઓખાબાઇ; ભલો ભલો પુત્ર પ્રદ્યુમનનો, ચીરંજીવી અનિરૂદ્ધભાઈ. ૯. ભલો ભલો તું પૂત્ર પ્રદ્યુમનનો વીર તણો વિકરાળ; અંતરિક્ષ ઊભો હું જોઉં છું, આણ સરવનો કાળ. ૧૦. અલ્યા ઘણીવાર તો બેસી રહ્યો, ને વાત તણું નહિ કામ; બૈરામાં બાકરી બાંધી બોળ્યું બાપનું નામ. ૧૧. અનિરૂદ્ધ કહે શાને વઢું, હથિયાર નથી કંઈ એક; જોદ્ધા ઝાઝા શોર કરે છે, ત્યાં તો શો કરવો વિવેક ?

૧૨. નારદ કહે છે ઓખાબાઈને તું આદ્ય જગતની માત; તારું સામર્થ્ય હોય જેટલું, જે આપ સ્વામિને હાથ. ૧૩. ઓખાએ એક ભોંગળ લઈને કાઢી આપી બહાર; સ્વામીના કરમાં આપી, તેમાં હજાર મણનો ભાર. ૧૪. વીર વિકાસી ભોંગળ લીધી, માળિયામાં ધાય; ચાર લાખ જોદ્ધા તરવરિયા તે સામા યુદ્ધે જાય. ૧૫

ફ ગેડી ગુપ્તી ફરસી તંબુર છુટે ઝાઝા બાણ; માળિયાને છાંકી દીધું, જેમ આભલિયાની ભાણ. ૧૬. આવતાં બાણ એકઠાં કરીને, પાછાં નાંખે બાળ; ઊંચેથી આવી પડે છે, આણે સરવનો કાળ. ૧૭. ભડાક લઇને ભોંગળ મારી, અનિરૂદ્ધે જેણીવાર; તે રણકારા કરતી આવી, તેણે કર્યો ઘણો સંહાર. ૧૮. અનિરૂદ્ધ કેરો માર, તે યોદ્ધાથી ન ખમાય; મારી કટક સર્વે કટકા કીધું, આપે નાઠા જાય. ૧૯. રહો રહો શા માટે નાસો, કાં થાઓ રાંક ? હું તમારા કાજ આવ્યો છું, મારો ન કાંઢો વાંક.

૨૦. અંગ ધ્રુજે કાંઇ ન સુજે, આવ્યા રાયની પાસ; બાણાસુર શું બેસી રહ્યો ને, કટક થયું સૌ નાશ. ૨૧. જોદ્ધા સહું નાશ થયા રે, હું ચોરીથી નાઠો સાર, તમને આવ્યો સંભળાવવા ઘણું કરી પોકાર. ૨૨. નાસ રાજા ભુંગળ આવી, પ્રાણ તારો જાય; બાણાસુર પડ્યો ગાભરો, દેવ આ તે શું કહેવાય ? ૨૩.

બીજા રાય છે લાખ મોકલ્યા, જઈ કરો સંગ્રામ; મારી  બાંધી લાવો કહું છું, એને તો ઠામ. ૨૪. જોદ્ધા આવ્યા જોરમાં તે, કરતા મારો માર; છ લાખ આવી ઊભા રહ્યા, તેના બળ તણો નહિ પાર. ૨૫. કોઈ એક ને બે જોજન, ઊંચા જ કહેવાય; કોને માથે શીંગડા લોચન ઉદર સમાય. ૨૬. ખડગ ખાંડા તુંબર ફરસી ગોળા હાથે નાળ; તોપ, કવચ, રણભાલા, બરછી, મુદગરને ભીંડીમાળ. ૨૭. સાંગ ગેડી ગુપ્તી, ગદાને, ઝળકતી તલવાર; બાણાસુરના યોદ્ધા તે કરતા મારો માર.

૨૮. કંઈક કચ્ચર ઘાણ થયા ને, કોઈકના કકડાય, કુંભસ્થળ ફાટી ગયા ને, પડ્યા તે પૃથ્વીમાંય. ૨૯. અનિરૂદ્ધે પછી વિચાર્યું. ગદા પડી છે ધર્ણ, જોદ્ધા આવ્યા જોરમાં તે કેમ પામશે મરણ ? ૩૦. પછી પડતું મુક્યું પૃ્થ્વી ઉપર, ગદા લીધી હાથ; કાળ ચક્રની પેઠે સેજે, સૌ સંહાર્યા સાથ. ૩૧. કોઈ જોદ્ધાને ઝીંકી નાખ્યા, ઝાલ્યા વળતી કેશ; કોઈને અડબોથ મુકીને, કોઈને પગની ઠેશ. ૩૨. કોઈના મોંઢા ભાંગી નાખ્યાં, ત્રાસ પાડ્યો બુમરાણ બહુ થાય; છ લાખ ચકચુર કરીને, ગયો માળિયા માંય. ૩૪.

નાઠા જોદ્ધા વેગે ગયા, જ્યાં છે બાણાસુર રાય; નાસ રાજા ભોંગળ આવી, પ્રાણ તારો જાય. ૩૫. ન હોય કંઈ નાનો કુંવર, દીસે છે કોઈ બળિયો; ઘણીવારનો યુદ્ધ કરે છે, કોઈનો ન જાય કળિયો. ૩૬. કૌભાંડને તેડાવી પુછ્યું, હવે શું કરવું કાજ; આટલે છોકરે નીચું જોવડાવ્યું, ધિક ધિક મારું રાજ. ૩૭.

       રાગ બિહાર -મતવાલો મહાલે માળમાં, જઈ જોદ્ધાએ સભામાં સંભળાવ્યું; કૌભાંડનેં ચડિયો કાળ, મતવાલો મહાલે માળમાં, ૧. જુગ જીત્યું પણ કોઇ નવ દીઠું, સ્વર્ગ મૃત્યુ પાતાળમાં, કહો કૌભાંડ હવે શું, મારો લાગ્યો ભારે ભુપાળમાં. મતવાલો. ૨. સહુ સૈન્યનું સામર્થ્ય ભાંગ્યું, બહુ બળ દીઠું છે બાળમાં રે; દસ લાખનો દાટ જ વાળ્યો, હજી છે વઢવાની ચાલમાં, મતવાલો. ૩.

કહો પ્રધાન હવે શી વલે થાશે, બાણ પડ્યો જંજાળમાં રે, રાતમાં જઈને રોકી રાખો, નાસે પ્રાત:કાળમાં મતવાલો. ૪. વિખિયા રે વળગ્યો તે નહિ થાય અળગો, જેમ માખી મધજાળમાં રે; બકરી શાને ધારો, જણાય સિંહની ફાળમાં. મતવાલો. ૫. બાળકને જે બાંધી લાવે, તેને વધાવું રતન ભરી થાળથી રે, સિંહપણું વેરાઈ ગયું ને, થયો સંગ્રામ શિયાળમાં રે. મતવાલો. ૬.

ઓખાહરણ જોવા કલીક કરો:- https://youtu.be/rFIZ_JLL_J0

Leave a Comment

gu Gujarati
X