ઓખાહરણ, કડવું -૭૬ થી કડવું- ૮૧ મું. / okhaharan

                                      કડવું-૭૬ મું.

       રાગ ગુર્જરી- શુકદેવ કહે છે વાત, વેવાણ આવિયાં રે, જેની  જોવા સરખી જાત, વેવાણ આવીયાં રે, માથે કેશ વાંસની જાળ. ૧. જેનું નેત્ર સરોવર પાળ, ૨. જેના સુપડા જેવા કાન, જેનું મસ્તક ગિરિ સમાન; ૩. એની આંખ અંધારા કૂપ, જેનું મુખ દીસે કદરૂપ. ૪. હળદાંડી જેવાં દંત, દીઠે જાએ ન એનો અંત, ૫. એના સ્તન ડુંગર શા ડોઝાં, કાને ઘાલ્યા છે હાથીનાં હોજાં. ૬. કોટે ખજુરાના તનમનિઆ; કાને ઊંટના ઓગનિયા, ૭. પગે રીંછ કલ્લાં વિકરાળ, કહેડે પાડાની ઘુઘરમાળ, ૮. વાંકડા સરપ એના હાથે, બળતી સઘડી મુકી માથે, ૯.જેની પીઠ ડુંગરશાં ડોઝાં એના મસ્તકમાં ફરે રોઝાં,૧૦. કોટડા આવી જ્યાં મોરાર, કુંવરે સાસુ ખોળી સાર,૧૧.

                                         કડવું- ૭૭ મું.

       રાગ – મારૂ ચાલ કોટરા કહે છે કરગરી, બાપને ચાંપ્યો પાતાળ; હવે તો હદ થાય છે, પ્રભુ એ છે તમારો બાળ. ૧. કરૂણાસાગર કૃપાનિધિ, ક્ષમા કરો આ વાંક; દીન જાણી દયા કરો, એ છે તમારો રાંક. ૨. ચક્ર ચતુર્ભુજે પાછું તેડ્યું, કરુણા કરી જગન્નાથ; નવસો છન્નુ કર છેદી નાંખ્યા, રાખિયા ચાર હાથ. ૩. રૂધિર ભર્યો આંસુ ગાળતો, આવિયો શિવની પાસ; એમ કહીને પાયે લાગ્યો, સાંભળો પતિ કૈલાશ. ૪ એક મારી વિનંતી, તમે સાંભળો જુગદીશ; સાંભળ કોપે ભરાયા, પોતા ઉમિયાઈશ. ૫. વલણ – મનમાં રીસ ચઢી ઘણી, તમે સાંભળો રાજકુમાર રે; સદાશિવ યુદ્ધે ચઢ્યા તેણે ધ્રુજી ધરા અપાર રે. ૬.

                               કડવું- ૭૮ મું.

       રાગ સાગર – એ ભરવાડો, એ પીંઢારો, ગોકુળમાં ચારી ગાય; મારા આપ્યા હાથને, તે છેદીને ક્યાં જાય ? ૧. બડબડતાં ગણેશ ચાલ્યા, ઉંદરડે અસવાર. ૨.  મોર ઉપર સ્વામિ કારતિક, ચાલ્યા શંકરના કુમાર. સિંહ ઉપર વીરભદ્ર ચાલ્યા, વૃષભ ઉપર શિવરાય, સેના બહુ ભેળી કરી, કહું તેનો મહિમાય. ૩.ડાકણ, શાકણ, ભૂત, પિશાચ, વંતર, માત્ર દડુક ચાલે ભુતડાં; જેના હાંલ્લાં સરખા ગાત્ર. ૪. હરી જઈ કૃતવર્માને કહે છે; મહાદેવને સમજાવો, આ શુ ઉપરાણું કરી; જોગીડો વઢ્વા આવ્યો. ૫. શંકર મુખથી બોલ્યા; આવી લાગી મનમાં ઝાળ, સનમુખ આવી ઊભા રહી, માંહે ભાંડે ગાળ.

૬. હે કાળા અર્જુનના સાળા, ભર્યા ઉચાળા જેહ; મધ્ય રાતે મથુરાથી નાઠો, ગયો વિસરી તેહ. ૭. મારી માસી પૂતનાને, દહીંના લીધા દામ; મોસાળનું છેદન કરીને, થઈને બેઠો રાજન. ૮. તું આહીરડામાં અવતર્યો, નથી વાત મારી અજાણી; ત્યારે શંકર પ્રત્યુ કોપ કરીને, બોલ્યા સારંગપાણી. ૯. મડે મસાણે ફરતો હીંડે; રાખ ચોળે અંગ, આક ભાંગ ધતુરો ચાવે, નફ્ફટ તારા ઢંગ. ૧૦. ડાકણ શાકણ, ભૂત પ્રેત ને નીચ સંગ રહેતો, બળદ ઉપર ભાર મુક્યો; તારા ઘરમાં ન મળે ઘોડો.

૧૧. રાત દહાડો બાવો થઈને ફરતો, તારા ઘરમાં રોતી નારી; કૃષ્ણ પ્રત્યે કોપ કરીને બોલ્યા છે ત્રિપુરારી. ૧૨. અલ્યા છોકરીઓમાં છાશ પીતો, મરદ મટી થયો મહિયારી; જગતમાં એવું કહેવાયું, જે કાનુડે કાંચળી પહેરી. ૧૩. પરનારી શું ક્રીડા કરતો, કહેવાતો વ્યભિચારી, ત્યારે શંકર પ્રત્યે કોપ કરીને. બોલ્યા દેવ મોરારી. ૧૪. ભગવાન કહે હું વ્યભિચારી, મુને બધા વિશ્વે જોયો; તું એવો સાધુ હતો, ત્યારે ભીલડી શું કેમ મોહ્યો ? ૧૫. વચન એવું સાંભળીને, કોપિયા શિવરાય; કડાક લઈને ત્રિશુળ માર્યું, થનાર હોય તે થાય.

૧૬. ત્યારે શ્રીકૃષ્ણે મુક્યું સુદર્શન, આવ્યા સામસામાં ધાય; માંહે માંહે યુદ્ધ કરે છે, બળ કહ્યું નવ જાય. ગણપતિને કુંવર પ્રદ્યુમન વઢતા બન્ને કુમાર; વસુમાન ને બટુક ભેરવ, કરતા મારામાર. ૧૮. વીરભદ્રને બળરામ સામા, યુદ્ધ કરે માંહે માંહે; શિવને શામળિયો વઢે, ત્યાં જોવા સરખું થાયે. ૧૯. કાળ ભૈરવ કપાળ ભૈરવ, તૈક્ષણ ભૈરવ, સાર; સંહાર ભૈરવ, ક્રોધ ભૈરવ, દંભ ભૈરવનો સાથ. ૨૦. ઉગ્રસેન ને વીરસેન; બે જોદ્ધા કહેવાય; આપ આપના ભીરું લઈને, યુદ્ધ કરે રણમાંય. ૨૧. ભૂત પ્રેત પિશાચ વંતર, ડાકણ વગેરે ચુસે; અવળા પગે જેને ચુડેલ કહીએ, રૂધિર સહુનું ચુસે.

૨૨. કૃષ્ણ કેરા મારના ભાલા, વાગે ભચોભચ; તલવારોની ધારોએ, કોનાં નાક વાઢ્યા ટચ. ૨૩. કોઈને અધમુઆ કીધા, હાથ તણી લપડાકે, કોઈને માર્યા પાટું પાની; ભોંગળને ભડાકે. ૨૪. જાદવ કેરા મારથી, બહુ ઝોળિયે ઘાલ્યા જાય; કોઈને રણમાં રોળિયા, કોઈની થરથર ધ્રુજે કાય. ૨૫. પરીધ ત્રિશુળ તંબુર ફરસી, નાળ છુટે સરરાટ; ગડગડતા ગોળા પડે, થાય બહુ ખડખડાટ. ૨૬. અસ્થિ ચર્મને માંસની, બે પાળ બંધ ન થઈ; સાગર શું સંગમ મળ્યો, એમ રક્ત જ કેરી સરીતા વહી. ૨૭. પાંડુરોગને હૈયે હોળી, ભગંદર કેરી જાત, હરસ નારું ને પાઠું કહીએ, કરુણ તુલ્ય સનેપાત.

૨૮. રોગ તણો માર બહુ દેખી, જાદવ નાસી જાય. રોગના વરસાદથી કોઈથી, ઊભું ન રહેવાય. ૨૯. રોગના વરસાદથી, ચઢી હરીને રીસ; તાવની ટોળી બાંધીને છેદવા માંડ્યા શીશ. ૩૦. તાવ વાણી બોલિયો, રહેવાને આપો ઠામ; તેમ અમને પેદા કરીને, ક્યાં મારો ભગવાન ? ૩૧. પાપી તમે મૃત્યુ લોકના માનવીના લ્યો પ્રાણ; તાવ વાણી કહે કથા સાંભળે, હરીહર કેરું જ્ઞાન. ૩૨. મહારાજ ત્યાં અમે નહિ જઈએ, સાંભળો અશરણા શરણ; ચૈતર માસમાં સાંભળે જે ઓખાહરણ. ૩૩. તેના સ્વપ્નાંતરમાં જાશો; તો છેદી નાખીશ શીશ; તાવની વાણી સાંભળીને, બોલ્યા શ્રી જગદીશ.

૩૪. ઓખાહરણ સાંભળે; મનભાવ કરીને જેહ; તેને પીડો તો મારી નાંખું, એમાં નહિં સંદેહ. ૩૫. તાવ કહે એક વાર સાંભળે, તે વરસમાં ન જાવું; બે વાર સાંભળે તેને દીઠેથી નાસી જાંઉં. ૩૬. ક્ષણવાર જે સાંભળે, તમારું જે જ્ઞાન; તેને જનમ માંહે નવ પીડું, તમે સાંભળો ભગવાન. ૩૭. ઓખાહરણ જે સાંભળે, તેનું ન લઈએ નામ; કોલ લઈને સંચર્યા, ગયા કૈલાશ ધામ. ૩૮. શુકદેવ કહે પરીક્ષિતને તમે  સાંભળો કહું રાય; વળતાં ભાથા ભીડિઆ, કૈલાશ કેરે રાય. ૩૯. શસ્ત્ર એવાં કહાડિયાં; તેનો ન પામે પાર; ઈશને જગદીશ વઢતા, કોઈ ન પામે હાર. ૪૦. વજસ્ત્ર ત્યાં મેલિયું, પોતે શ્રી ત્રિપુરારી; ત્યારે મોહાસ્ત્ર મેલિયું, સામા રહી દેવ મોરારી.

૪૧. નાગાસ્ત્ર ત્યાં મેલિયું, સામા રહી ઉમિયા ઈશ; ગરૂડાસ્ર ત્યાં મેલિયું, પોતે શ્રી જગદીશ. ૪૨. પર્વતાસ્ત્ર ત્યાં મેલિયું, સામા રહી શિવરાય; વાવાસ્ત્ર ત્યાં મેલિયું, તેને જોર કહ્યુ નવ જાય.

૪૩. સુદર્શન ત્યાં કહાડિયું, ક્રોધ કરી જગદીશ; ત્યારે ત્રિશુળને લઈ રહ્યો પોતે ઉમિયા ઇશ. ૪૪. એકે લીધો પોઠિયો ને, એકે લીધો ગરુડ; ત્રિશુળને સુદર્શન વળગ્યા, તે આવ્યાં કડાઝુડ. ૪૫. તેમાંથી અગ્નિ વરસે, બ્રહ્માંડ પ્રલય થાય; શેષ નાગ સળકવા લાગ્યો, ભાર ન ખમે ધરાય, ૪૬. બ્રહ્માણી કહે છે બ્રહ્માજીને, તમે સાંભળો મારા નાથ; શિવ ને શામળિયો વઢે, નારદે કીધો ઉતપાત. ૪૭. રાડ જઈને ચુકવો, તેમાંથી થાય કલ્યાણ; હંસે ચઢીને બ્રહ્માજી આવ્યા, વિચારીને જ્ઞાન.

                                કડવું -૭૯ મું.

       રાગ ધનાશ્રી – આ બેમાં કોને નિંદુ તે સાંભળો શિવ રણછોડજી; વિરોધને વેગડો મુકીને, પૂરો ભગતના કોડ. ૧. શંકર કહે છે કૃષ્ણને, તમે ક્યારે આવ્યા ભગવાનજી, હરિહર બે કોટે વળગ્યાં; દીધું ઝાઝું માનજી. ૨. શિવે કૃષ્ણને તાળી મારી બોલ્યાને વિવેકજી; વઢનારાં તો કોઈ હશે પણ આપણ એકના એકજી. ૩. કૃષ્ણ ચક્રને પાછું લીધું, શિવે લીધું ત્રિશુળજી; બ્રહ્માએ આવી સમાધાન કીધું, થયું પૃથ્વીમાં શુભ જી. ૪. શિવે લઈને પાસે તેડ્યો, શોણિતપુરનો નાથજી, અલ્યા તુજને ભુજ આપ્યા માટે, વાઢવા આવ્યો મુજ સાથજી.

૫. વળી હોંશ હોય તો યુદ્ધ કરો, શામળિયાની સાથ જી. મદ મત્સર અહંકારથી તેં ખોયા હજાર હાથજી. ૬. બાણાસુર કહે હવે વઢું તો છેદે મારૂં શીશજી, બાણાસુર શરણે ચાલ્યો, સાંભળો ઉમિયા ઈશ જી. ૭. વલણ-મેં ખોયા હાથ હજાર ને, હવે શિર છેદાવું રે, તેમ કરીને જાન તેડાવો, પછી કન્યા પરણાવું રે. ૮.

                               કડવું-૮૦ મું

       રાગ સોહીણી – હરિહર બ્રહ્મા ત્રણે મળ્યા. દુ:ખ ભાગીયાં રે, ત્યાં દાનવનું શું જોર, મળ્યા વન માનીઆરે. ૧. બ્રહ્મા વિષ્ણુ શિવ ત્રણ એક છે, દુ:ખ ભાગીયાં રે; તેમાં તે શી વઢવાડ. મળ્યા. ૨. શિવ બાણ કૃષ્ણને નમાવીઓ, શરીરે કૃષ્ણે  ફેરવ્યો હાથ. ૩. કાપ્યા હાથની પીડા મટી દુ:ખ; જ્યારે. પ્રસન્ન થયા જદુનાથ મળ્યા. ૪. હવે ગરૂડને દ્વારકા મોકલો. દુ:ખ તેડાવો. સઘળો પરિવાર, ૫. સોળ સહસ્ત્ર એકસો આઠ પટરાણીઓ, તેડાવો જાદવની નાર. ૬. તેડી છપ્પન કોટિને, વળી તેડો સહુ પરિવાર. ૭. તે ગરૂડ ઉપર સહુએ ચઢ્યાં, ત્યારે ગરૂડની પાંખ ભરાય, તેડી શોણિતપુરમાં આવીયાં, આવી જાદવન સરવે નાર, ૯. જાનીવાસા આપ્યા મનગમતાં, ૧૦. તેમાં ઊતર્યા છપ્પન કરોડ; મળ્યા મન માનીયા રે.

                                   કડવું-૮૧ મું.

       રાગ ધોળ- પાર્વતીને પિયરના નોતરડાં રે, બેસવા તો રૂડા લાવજો પાથરણાં રે; તેડાવો ઉદિયા ચળ અસ્તાચળ રે; તેડાવોને વિંધ્યાચળ પીના ચળ રે, વરરાયને નાવણ વેળા થાય રે, વરરાયને પીઠી ત્યાં ચોળાય રે.

ઓખાહરણ જોવા કલીક કરો:- https://youtu.be/WpyjJktlR2Q

Leave a Comment

gu Gujarati
X