કામદા એકાદશી / kamdaa ekadasi

શ્રી કૃષ્ણ બોલ્યાં : ‘ રાજન ! એકાગ્ર થઈને આ પ્રાચીન કથા સાંભળો કે જેને રાજા દિલીપના પુછવાથી વશિષ્ઠજીએ કહી હતી.’

        રાજા દિલીપે પુછ્યું : ‘ હે મુનિશ્રેષ્ઠ ! હું એક વાત સાંભળવા ઈચ્છું છું. ચૈત્રમાસના શુક્લપક્ષમાં કઈ એકાદશી આવે છે ?

        વશિષ્ઠજી બોલ્યાં :‘રાજન ! ચૈત્રમાસના શુક્લપક્ષમાં ‘‘ કામદા ’’ નામની એકાદશી આવે છે. એ પરમ પૂણ્યમય છે. પાપરૂપી બળતણ માટે તો એ દાવાનળ જ છે.  

        પ્રાચીન કાળની એક વાત છે. નાગપુર નામનું એક સુંદર નગર હતું. કે જ્યાં સોનાના મહેલો બનેલા હતાં. એ નગરમાં પુંડરિક વગેરે મહાભયંકર નાગ જાતિના લોકો રહેતા હતાં. પુંડરિક નામનો રાજા એ દિવસોમાં ત્યાં રાજ્ય કરતો હતો. ગંધર્વ કિન્નર અને અપ્સરાઓ પણ એ નગરમાં વાસ કરતી હતી. ત્યાં એક શ્રેષ્ઠ અપ્સરા હતી. જેનું નામ લલિતા હતું. એની સાથે લલિત નામનો ગંધર્વ પણ રહેતો હતો. તેઓ બંને પતિ-પત્નિના રૂપમાં રહેતા હતાં. બંને પરસ્પર કામથી ગ્રસ્ત રહેતાં. લલિતાના હ્રદયમાં સદાય પતિની મૂર્તિ જ વસેલી રહેતી હતી. અને લલિતના દિલમાં સુંદરી લલિતાનો જ નિત્ય નિવાસ રહેતો હતો.

        એક દિવસની વાત છે. નાગરાજ પુંડરિક રાજ્યસભામાં બેસીને મનોરંજન માણી રહ્યા હતાં. એ વખતે લલિત ગીત ગાઈ રહ્યો હતો. પરંતુ એની સાથે એની વહાલી લલિતા ન હતી. આથી પગની ગતિ રોકાઈ ગઈ અને જીભ થોથવાવા લાગી.

        નાગજાતિના શ્રેષ્ઠ કર્કોટકને લલિતના મનમાં ચાલતાં સંતાપની જાણ થઈ ગઈ. આથી એણે રાજા પુંડરિકને એના પગની ગતિ રોકાઈ જવાની અને ગાવામાં અશુદ્ધિ હોવાની વાત કરી. કર્કોટકની વાત સાંભળીને નાગરાજ પુંડરિકની આંખો ક્રોધથી લાલ થઈ ગઈ. એણે ગાતાં કામાતુર લલિતને શ્રાપ આપ્યો.

        દુષ્ટ ! તું મારી સમક્ષ ગાતી વખતે પણ પત્નિને વશીભૂત થઈ ગયો. માટે રાક્ષસ બની જા. મહારાજ પુંડરિકના શ્રાપથી એ ગંધર્વ રાક્ષસ બની ગયો. ભયંકર મુખ, વિકરાળ આંખો અને જોવામાત્રથી જ ભય ઉત્પન્ન થઈ જાય એવું રૂપ, આવો રાક્ષસ બનીને એ કર્મનું ફળ ભોગવવા લાગ્યો.

        લલિતા પોતાના પતિની વિકરાળ આકૃતિ જોઈને મનમાં ઘણી જ ચિંતિત થઈ. ઘણાં જ દુ:ખથી એ કષ્ટ પામવા લાગી. શું કરું ? ક્યાં જાઉં ? મારા પતિ શ્રાપથી કષ્ટ પામી રહ્યા છે.

        એ રડતી –રડતી ઘોર જંગલમાં પતિની પાછળ-પાછળ ફરવા લાગી. અને એક સુંદર આશ્રમ દેખાયો કે જ્યાં એક મુનિ શાંત બેઠા હતાં. કોઈપણ પ્રાણી સાથે એમનો વેર કે વિરોધ ન હતો. લલિતા તરત ત્યાં અને મુનિને પ્રણામ કરીને એમની સમક્ષ ઊભી રહી. મુનિ ઘણાં દયાળું હતાં. એ દુ:ખી નારીને જોઈને તેઓ બોલ્યાં : ‘ હે કન્યા ! તું કોણ છે ? ક્યાંથી આવી છે ? મને સત્ય કહે ! ’

        લલિતાએ કહ્યું : ‘ હે મહામુનિ ! વિરધન્વા નામના એક  ગંધર્વ છે. હું એ જ મહાત્માની પુત્રી છું. મારૂ નામ લલિતા છે. મારા પતિ એમના પાપદોષના કારણે રાક્ષસ બની ગયા છે. એમની આ અવસ્થા જોઈને મને શાંતિ નથી, મહારાજ ! અત્યારે મારું જે કર્તવ્ય હોય એ મને કહો. વિપ્રવર ! જે પુણ્ય દ્વારા મારા પતિ રાક્ષસ યોનિમાંથી મુક્તિ મેળવે એવો મને ઉપદેશ આપો !

        ઋષિ બોલ્યા: ભદ્રે ! આ વખતે ચૈત્રમાસની શુક્લપક્ષની ‘‘કામદા એકાદશી’’ તિથિ છે કે જે બધા જ પાપોનું હરણ કરનારી અને ઉત્તમ છે. તું એનું જ વિધિપૂર્વક વ્રત કર. અને આ વ્રતનું જે પુણ્ય થાય એ તારા પતિને અર્પણ કર ! પૂણ્ય અર્પણ કરવાથી ક્ષણભરમાં જ એના શ્રાપનો દોષ દૂર થઈ જશે.

        રાજન ! મુનિનાં આ વચનો સાંભળીને લલિતાને ઘણો આનંદ થયો. એણે એકાદશીના દિવસે ઉપવાસ કરીને બારસના દિવસે એ બ્રહ્મર્ષિ સમક્ષ ભગવાન વાસુદેવના શ્રી વિગ્રહ આગળ પોતાના પતિના ઉદ્ધાર માટે આમ કહ્યું : ‘‘ મેં જે આ કામદા એકાદશીના ઉપવાસ અને વ્રત કરેલ છે એના પુણ્યના પ્રભાવે મારા પતિનો રાક્ષસભાવ દૂર થાય !’’

        વશિષ્ઠજી કહે છે ‘લલિતાના આમ કહેવા માત્રથી એ જ  ક્ષણે લલિતના પાપો દૂર થઈ ગયાં. એણે દિવ્ય દેહ ધારણ કરી લીધો. એનો રાક્ષસભાવ દૂર થઈ ગયો અને ફરીથી ગંધર્વત્વની પ્રાપ્તિ થઈ ’’

        નૃપશ્રેષ્ઠ ! એ બંને પતિ-પત્ની કામદા એકાદશીના પ્રભાવથી પહેલાં કરતાં પણ વધારે સુંદર રૂપ ધારણ કરીને વિમાન પર આરૂઢ થઈને અત્યંત શોભાયમાન થવા લાગ્યાં. આ જાણીને એકાદશીનું વ્રત પ્રયત્નપૂર્વક કરવું જોઈએ.

        મેં લોકોના હિત માટે તમારી સમક્ષ આ વ્રતનું વર્ણન કર્યું છે. રાજન ! આને વાંચવાથી અને સાંભળવાથી વાજપેય યજ્ઞનું ફળ મળે છે.

        વાંચકમિત્રો, આ હતી કામદા એકાદશીની વાર્તા અને મહત્વ. જો તમારે આ વિડિયો સ્વરૂપે જોવી હોય તો અહીં આપેલી લીંકને ક્લિક કરીને જોઈ શકો છો. :- https://youtu.be/KcA1l6teZEE

        અસ્તુ.

Leave a Comment

gu Gujarati
X