ગરૂડપુરાણ (અ.૧૩) । garud puran

અધ્યાય તેરમો

            ગરૂડ પુછે છે, હે ભગવાન ! આપ મને સપિંડી વિધિ તેમજ સુતક નિર્ણય કહો ત્યારે ભગવાને કહ્યું, હે ગરૂડ ! બ્રાહ્મણ દસ દિવસે ક્ષત્રિય બારમે દિવસે, વૈશ્ય પંદર દિવસે, અને શુદ્ર એકમાસે શુદ્ધ થાય છે.

મૃત્યુનું સુતક પિતરાઈઓ સુધાંને દશ દિવસ લાગે છે. ચોથી પેઢીએ દશ રાત્રિ, પાંચમીએ છ રાત્રિ, સાતમીએ ત્રણ રાત્રી સુતક જાણવું ને દૂરનો ગોત્રિ મર્યો હોય તો સ્નાન કરવું, વિદેશમાં મર્યો હોય તો ખબર સાંભળ્યા સુધીના દિવસો બાદ કરી બાકીના દિવસોનું સુતક પાળવું. અને દસ દિવસ થઈ ગયા હોય તો એક વરસમાં ત્રણ રાત્રિ સુતક પાળવું, ને વરસ થઈ ગયું હોય તો સ્નાન કરવું પહેલાં સુતકના છ દિવસ પછી બીજું સુતક આવે તો પહેલું સુતક દસ દિવસે કાઢતા બે સુતકો નીકળી જાય છે. દાંત ઉગ્યા પહેલા મરે તો સ્નાન કરવું, દાંત ઉગ્યા પછી ને ચૌલ કર્મ કર્યા પહેલા મરે તો એક રાત, ચૌલ કર્મ કર્યા પછીથી ને જનોઈ દિધા પહેલા મરે તો ત્રણ રાત અને મોટી ઉંમર હોય તો દસ રાતે સુતક જાણવું. પુત્રીને સત્યાવીસ માસ પહેલાં મરે તો સ્નાન કરવું. સગાઈ થાય ત્યાં સુધીમાં મરે તો અને એથી મોટી વયે મરે તો ત્રણ રાત સગાઈ થયેલી હોય તો બંને પક્ષ ત્રણ રાત સુતક  પાળવું વિવાહ થયા પછી પુત્રીનાં સાસરિયાને દસ રાત સુતક રાખવું પડે. ગર્ભ રહ્યા પછી જેટલે મહિને ગર્ભશ્રાવ થાય તેટલા દિવસ સુતક પાળવું. આ સુતક પિતરાઈઓને લાગતું નથી. સુતકના સમય દરમિયાન કોઈને અડકવું નહિ. ખાટલા પર સુવું નહિ, દેવ પુજા વગેરે કરવાં નહિ, સુતક બ્રહ્મચારી, અગ્નિહોત્રિ, યતિ, રાજા વગેરેને લાગતું નથી.

વિવાહ, ઉત્સવ અને યજ્ઞ આરંભ્યા પછી તો સુતકના જાણવા અગાઉ રાંધેલું અન્ન રાખવાથી અડચણ નથી.સુતક થયા પછી બ્રાહ્મણને ભિક્ષા આપવી નહિ, અને સુતકી માણસ બ્રાહ્મણોને ભિક્ષા વગેરે આપે તો તો આપનાર દોષિત થાય છે. અજાણે જો યાચક ભિક્ષા લે તો તેને દોષ લાગતો નથી.

સુતકની નિવૃત્તિ માટે સપિંડ શ્રાદ્ધ બારમાના દિવસે કરવું. ગૃહસ્થી મર્યો હોય તો જ્યાં સુધી સપિંડશ્રાદ્ધ થાય ત્યાં સુધી કોઈપણ ધાર્મિક કાર્ય થઈ શકતું નથી બારમે દિવસે મૃતસ્થાનને ગાયના છાણથી લીંપી, શાસ્ત્રોક્ત રીતે સપિંડ શ્રાદ્ધ કરવું. પુજન અર્ચન કરી વીકીરનો પિંડ મુકી હાથપગ ધોવા પછી વસુ રૂદ્ર અને સુર્યરૂપ ધારણ કરનાર પિતામહના ત્રણ પિંડ આપી ચોથો પિંડ મરનારનો આપવો આ પિંડોનું પુજન કરવું પછી જે પિંડ મુક્યો હોય તેના સોનાના વાળથી ત્રણ ભાગ કરવા ત્રણમાંનો એક પિતામહના પિંડમાં મેળવવો. પિતામહની સાથે માતાનો પિંડ મેળવવો તેમજ પિતાનો પિંડ મેળવવો. પ્રપિતા જીવીત હોય ને પિતા મૃત્યું પામ્યા હોય તો ત્રણ પિંડ આપવાં. બાપની મા હયાત હોય ને માનું મૃત્યુ હોય તો પિતૃશ્રાદ્ધ પ્રમાણે માતૃશ્રાદ્ધ કરવું, માતાનું પિંડત્રીમેલન કરવું, માતા-પિતા એક જ ચિતામા બળ્યા હોય તો વ્યવધાયક મુકીને માતા-પિતાનું સપિંડિકરણ કરવું, જો પતિ મર્યા પછી સ્ત્રી દસ દિવસમાં અગ્નિપ્રવેશ કરે તો એક જ દિવસે સપીંડિકરણ કરવું, સપિંડીકરણ થયા પછી પિતૃઓનું તર્પણ કરી વેદ મંત્રો સહિત સ્વધા શબ્દોચ્ચાર કરી હંત શબ્દોચ્ચાર સાથે અતિથિને ભોજન કરાવવું. આથી પિતૃઓ સાથે તૃપ્ત થાય છે. પછી યથાશક્તિ બ્રાહ્મણને દાન આપવું. ત્યાર પછી ગ્રહ દેવી તેમજ વિનાયકનું પુણ્યાહનવાચન વેદમંત્ર સહિત કુમકુમ, અક્ષત તથા નૈવેદ્યાદિથી કરવું.

ગોરે યજમાનને અભિષેક કરી તેના હાથે સમંત્રણ રક્ષાસુત્ર બાંધી મંત્રેલા ચોખા આપવા. પછી બ્રહ્મભોજન કરાવી, દક્ષિણા આપવી, અન્નજળ ભરેલા ચાર કુંભ આપવા, બ્રહ્મભોજન કરાવ્યા પછી ચાર વર્ષે જલ, આયુધ, ચાબુક અને દંડને સ્પર્શ કરવો. આમ કર્યા પછી વસ્ત્રોને ત્યાગ કરી ધોળા વસ્ત્રો પહેરી શૈયાદાન કરવું. સુંદર શૈયાને સજાવી તેની પાસે છત્ર દીપ રૂપાનું આસન ચામર પાત્રશૃંગારના સાધનો, મુખવાસનો સામાન મુકવો તેમજ લક્ષ્મીનારાયણની અલંકાર અને આયુધવાળી પ્રતિમા મુકવી પછી સૌભાગ્યવતીઓની પાસે બેસાડી વસ્ત્રાલંકાર આપવા, ત્યારબાદ સપત્નીક બ્રાહ્મણની પુજા કરી, સોનાના કુંડલ, વીંટી, કંઠી, અંગરખુ, ધોતી જોટો અને પાઘડી આપવા પછી લક્ષ્મીનારાયણ, નવગ્રહો દેવી, પિતામહનું પુજન કરી હાથમાં પુષ્પાંજલી લઈ ઉત્તર તરફ મોઢું કરી કહેવુ, હે ભગવાન ! આપની ક્ષીરસમુદ્રમાં જેમ શૈયા છે, તેવી મને મારા પિતૃઓને નિદ્રા કરવા શૈયા પ્રાપ્ત થજો કહી પુષ્પાંજલિ પ્રતિમા અને બ્રાહ્મણ પર નાખી શૈયા સંકલ્પપૂર્વશ વિદ્વાન બ્રાહ્મણને આપવી. જો લક્ષ્મીવંત હોય તો શૈયા સાથેનું પણ દાન કરવું શૈયાદાનનું અપાત્રે દાન કરવામાં આવે તો આપનાર નરકે જાય છે. અને સત્પાત્રને આપવાથી અત્યુત્તમ ફલને પામે છે.

હે ગરૂડ ! શૈયાદાન કર્યા પછી પદદાન કરવું પદદાનમાં છત્રી, જોડા, વસ્ત્ર, વીંટી, કમંડલ અને આસન તેમજ દંડ અને તામ્રપત્ર હોવું જોઈએ, આવા તેર પદદાન બારમા દિવસે તથા યથાશક્તિ તેર બ્રાહ્મણને આપવાં છત્રી આપવાથી ભયંકર કાંટાળા યમમાર્ગે બેસવા ઘોડો મળે છે. ટાઢ, ઉષ્ણતાના નિવારણાર્થે વસ્ત્રદાન કરવું, ભયંકર લુથી બચવા વીંટીનું દાન કરવું, અને કમંડલ આપવાથી મરનાર જલપાન કરી શકે છે. વળી જે કોઈ જલદી ભરેલી ત્રાંબનું પાત્ર આપે છે. તેને હજારો પરબો મંડાવ્યાનું પુણ્ય મળે છે. વળી બ્રાહ્મણને ભોજન તેમજ આસન આપે તેને યમલોકે જતા હોવા છતાં સુખ પ્રાપ્ત થાય છે. બારમાંના દિવસે બ્રાહ્મણથી માંડી ચાંડાલ સુધીનો કોઈપણ આવે તેને અન્નદાન આપવું.

સપિંડી થઈ ગયા પછી એક વરસ સુધી તેની પુણ્યતિથિએ પિંડ સાથે જલકુંભ આપવો, હે ગરૂડ! પુનમે મરનારની શ્રાદ્ધતિથિ ચોથ જાણવી ચોથે મરનારની નોમે, નોમે મરનારની ચૌદશે જાણવી. જો તિથિ અધિક માસમાં આવે તો અધિક માસમાં બ્રાહ્મણ ભોજન કરાવવું અને બીજા માસમાં સપિંડ શ્રાદ્ધ કરવું. બધાં શ્રાદ્ધ પુરા કર્યા પછી વાર્ષિક શ્રાદ્ધ કરવું આશ્રમમાં બ્રહ્મભોજન કરાવવું, જરૂર હોય તો શ્રાદ્ધપિંડયુક્ત શ્રાદ્ધ કરવું. વાર્ષિક શ્રાદ્ધ કર્યા પછી જ ગયા જેવું કરવું, જેથી પિતૃઓ પરમ ગતિને પામે છે. તુલસીની માંજરો વડે વિષ્ણુચરણનું પુજન કરવું અને પિંડ આપવા ગયાસુરના મસ્તક પર સમીના પાંદડા જેટલો પિંડ મુકવામાં આવે તો ઈકોતેર સતકુલનો ઉદ્ધાર થાય છે. આ પ્રમાણે ઔર્ધ્વદેહિક કૃત્ય કરવાથી પિતૃઓ મુક્તિ પામે છે. અને પુત્રાદિકોને સદ્દવાસના ઉત્પન્ન થાય છે, નિર્ધન હોવા છતાં જે કોઈ આ કથા સાંભળશે તે સર્વ પાપોથી મુક્ત થઈ દાનના ફળને પામશે. જે પુરૂષ યથાવિધિ શ્રાદ્ધ કરી મારૂ ગરૂડપુરાણ સાંભળશે તેની પ્રત્યુક આશાઓ પિતૃઓ તૃપ્ત કરશે અને ધર્મરાજાના મંદિરમાં આદરથી બેશસે. સુતમુનિ શૌનકાદિ ઋષિઓને કહે છે. એ પ્રકારના વિષ્ણુએ જે ઔર્ધ્વદેહિક દાનના ફળ કહ્યા તે સાંભળીને ગરૂડ અતિ આનંદ પામ્યા.

            ઈતિ શ્રી ગરૂડપુરાણે સારોદ્વારે સપિંડનાદી સર્વ કર્મનીરૂપણો નામ ત્રયોદશોધ્યાન.

Leave a Comment

gu Gujarati
X