ગરૂડપુરાણ (અ.૧૬) । garud puran

અધ્યાય સોળમો

            ગરૂડ પુછે છે, હે ભગવાન ! માણસ કેવી રીતે મોક્ષ પામે છે તે કહો, ત્યારે ભગવાને કહ્યુ, હે ગરૂડ ! સકળ ઈન્દ્રિયોને વશ કરીને ત્ત્વાભ્યાસ કરવો. સંપતિ સ્વપ્ન સમાન છે. તારુણ્ય ફુલની પેઠે સુકુમાર છે. આયુષ્ય વીજળી ની પેઠે અતિ ચંચળ છે. વળી અર્ધુ આયુષ્ય નિંન્દ્રા તથા આળસમાં નાશ પામે છે, કેટલું આયુષ્ય બાલ્યાવસ્થા તથા રોગાદિથી નાશ પામે છે. અને જે બાકી રહ્યું તે વ્યર્થ વ્યવહારથી નાશ પામે છે માટે માણસો ધર્મરૂપી અર્થ સંપાદન કરવામાં એક ક્ષણ ગુમાવવી નહિ.

અસાર દ્રવ્ય પર અર્થ બુદ્ધકરી જીવનનો મહામુલો કાળ ગુમાવવો નહિ આ મારી સ્ત્રી મારૂ ધન, મારા બાંધવ આ માયામાં ફસાઈ સાચો મોક્ષ માર્ગ ભુલવો નહિ, અને જીવને કહેવું, હે જીવ ! જરા આયુષ્યરૂપી માર્ગને વિશે વ્યાધિરૂપ સૈન્યવાળા મૃત્યુરૂપ શત્રુથી તું ઘેરાવાનો છું. આ જાણ્યા છતાં તું પરમાત્માને દેખતો નથી ! તૃષ્ણારૂપી શોયામાં પરોવાઈ વિષયરૂપી ધૃતથી તળાઈ રાગદ્વેશરૂપી અગ્નિ પરિપક્વ થનાર મનુષ્યને મૃત્યુ ભક્ષણ કરે છે.

જન્મ્યો તે મરવાનો છે તો પછી દેહાદિક પરથી મમતાનો સર્વ પ્રકારે પરમહંસની પેઠે ત્યાગ કરવો અને સંતસમાગમ તથા વિવેકરુપી બે નિર્મલ નેત્ર છે, તેનો ઉપભોગ ન કરનારો યમપુરીમાં જ જાય છે. સ્વર્ગનું સુખ અતિ ઉત્તમ છે. એવું માત્ર સાંભળવાથી સંતુષ્ટ થઈને તે માટે મંત્રોનું ઉચ્ચારણ તથા હોમાદિ ક્રિયામાં જ આસક્ત થાય છે.

કેટલાક મુર્ખજન તથા મારી માયાથી મોહિત થઈને એક વખત ખાવું તથા ઉપવાસ વગેરે શોષણ કરનારા નિયમ ધારણ કરીને જ્ઞાન સિવાય જ મોક્ષના સુખની ઈચ્છા કરે છે. કેટલાક અવિચારી મસ્તક પર જટાનો ભાર ધારણ કરીને તથા અંગ પર કાળા હરણનું ચામડું ધારણ કરીને દાંભિક વેશથી લોકોને ફસાવીને પોતે પડવા છતાં બીજાને પણ સંસારમાં નાખે છે, હું બ્રહ્મ જાણનાર છું એવા પુરૂષનો અત્યંતજની જેમ ત્યાગ કરવો કેટલા લજ્જારહિત દિગંબરો પૃથ્વી પર ગદર્ભાદિ પશુઓની જેમ સંચાર કરે છે કેટલાક મૃતિકા તેમ જ ભસ્મમાં આળોટે છે. કેટલાક  ઘાસ-પાંદડા તથા જળ પર રહે છે. તેથી તેઓ કાંઈ મુક્ત થઈ શકતા નથી.

મોક્ષનું સાધન તો માત્ર તત્વજ્ઞાન છે, તત્વજ્ઞાનરૂપી અમૃત પાનથી જે જ્ઞાની થયો હોય તેને બીજો આહાર નિરૂપયોગી હે ગરૂડ ! વેદાધ્યયનથી મુક્તિ નથી, કેવળ શાસ્ત્ર પઠનથી પણ નથી, માત્ર જ્ઞાનથી જ મુક્તિ છે અને આ જ્ઞાન ગુરૂથી જ પ્રાપ્ત થાય છે, એ જ્ઞાનના પરોક્ષ અને અપરોક્ષ એવા બે પ્રકાર છે પરોક્ષ જ્ઞાન અધ્યયનથી અપરોક્ષ જ્ઞાન માત્ર વિચારથી જ પ્રાપ્ત થાય છે.

જ્યાં સુધી કરેલા કર્મના ફળ મેળવવાની ઈચ્છા હોય, જ્યાં સુધી સંસારને લગતી વાસનાઓ હોય, જ્યાં સુધી ઈન્દ્રિયો વિષે અસ્થિરતા હોય ત્યાં સુધી તત્વજ્ઞાની પ્રાપ્તિ થતી નથી, અધ્યાત્માદિ વિવિધ તપથી સંતપ્ત ઉપાસનારૂપ ધર્મ અને જ્ઞાન પુષ્પો સમાન સુખદ છે તેમજ જેના સ્પર્શ અને મોક્ષરૂપી વૃક્ષનો આશ્રય કરવો, હે ગરૂડ ! હવે હું તમને તત્વ પુરૂષનું છેવટનું જ્ઞાન કહું છું તે સાંભળો. જીવોને મોક્ષ પ્રાપ્ત થતા સુધી પ્રત્યેક જન્મમાં ભોગ્ય પદાર્થ પ્રાપ્ત થાય છે તથા અતિ સુક્ષ્મ લિગદેહ પણ ત્યાં સુધી રહે છે માટે મોક્ષાર્થીએ નરકરૂપી વ્યાધિની ચિકિત્સા કરી અંત સમીપ આવતા સકધ ભયનો ત્યાગ કરી અસંગરૂપી શાસ્ત્રના તથા દેહ પર પ્રીતિ રાખનારા પુત્રાદિકનો ત્યાગ કરવો જોઈએ. ધૈર્યવાન પુરૂષે તો ઘરનો ત્યાગ કરીને બહાર નીકળવું પછી પુણ્યકારક તીર્થો પુરીઓ અયોધ્યા, મથુરા, કાશી, કાંચી, અવંતિકા દ્વારિકા જેવામાં સ્નાન કરી પવિત્ર તથા એકાંત પ્રદેશમાં યથા વિધિ સ્નાન સ્થાપવું અને ઓમકાર બ્રહ્મબીજ નો જાપ કરતાં ત્યાં દેહ પડવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે.

આ મેં મોક્ષને લગતો ધર્મ કહ્યો. આ જે બધું કહ્યું તે સકળ શાસ્ત્રનો સાર છે, હવે બીજું શું  સાંભળવાની ઈચ્છા છે ? સુતપુરાણી કહે છે, ભગવાનની વાણી સાંભળી ગરૂડ નમસ્કાર કરી કહેવા લાગ્યા, હે ભગવાન આપે અમૃતરૂપી કથા સંભળાવી મારા સંશયોનો નાશ કર્યો છે કહેતા ગરૂડ ભગવાનનું ધ્યાન ધરવા લાગ્યા.

            ઈતિ શ્રી ગરૂડપુરાણે સારોદ્વારે ભગવતગરૂડ સંવાદે કર્મ નિરુપણોનામ ષોડશોધ્યાય.

Leave a Comment

gu Gujarati
X