ગરૂડપુરાણ (અ.૭) । garud puran

અધ્યાય સાતમો

       સુત કહે છે, હે શૌનકાદિ ઋષિયો, ભગવાને કરેલું વર્ણન સાંભળી ગરૂડ કંપતા કંપતા કહેવા લાગ્યા. હે પ્રભુ ! કેટલાક જાણી જોઈને અને કેટલાક અજાણે પાપ કરે છે. તો તેમનો ઉદ્ધાર કેવી રીતે થાય તે કહો. એટલે ભગવાને કહ્યું, હે ગરૂડ ! તમે જન હિતાર્થે છે જે પુછ્યું તે વિશે હું કહુ; છુ. પુત્રવાન તેમજ ધાર્મિક પુરૂષ કદીયે નરકમાં જતો નથી. જો કોઈ ને પુર્વ જન્મના પાપે પુત્ર ન થાય તો, હરીવંશ સાંભળવો. સપ્તસતીના પાઠ કરવા. શિવનું શુદ્ધ હ્રદયથી આરાધન કરવું. એટલે તેને ત્યાં પુત્ર થવાનો જ, નરકમાંથી પિતાને ઉદ્ધારે તેને પુત્ર કહેવાય એવો અર્થ બ્રહ્મદેવે કરેલો છે. જો એક જ ધર્મિષ્ઠ પુત્ર હોય તો તે આખાયે કુળનો ઉદ્ધાર કરે છે. વેદમાં કહ્યું છે કે પુત્રના મુખને જોતાં પિતા પિતૃઋણમાંથી મુક્ત થાય છે. અને આ લોક, દેવલોક જાને પિતૃલોકના કરજમાંથી પુત્રના પુત્રનું મુખ જોવાથી મુક્ત થાય છે, અને સપરિવાર ઉત્તમ પદને પામે છે, સ્વજ્ઞાતિના સ્ત્રી સાથે લગ્ન કરી તેનાથી થયેલો પુત્ર ઉત્તમ ગતિને પમાડે છે. જ્યારે લગ્ન કર્યા વિનાની સ્ત્રીથી થયેલો પુત્ર નરકમાં લઇ જાય છે. પર જાતિ સ્ત્રીથી ઉત્પન્ન થયેલો પુત્ર ઔરસ પુત્ર કહેવાય છે અને તે શ્રાદ્ધાદિ કર્મ કરે, દાન, પુણ્ય કરે તેથી માબાપ સ્વર્ગ પામે છે. જો મરનાર પાછળ બીજો કોઈ શ્રાદ્ધાદિ કર્મ કરે, તો પિશાચ પણ સ્વર્ગે જાય છે. એ સંબંધમાં ભૂતકાળમાં બનેલા બનાવ કહું છું. તે સાંભળો.

પુર્વ મહાદેવ પુરમાં બબ્રુવાહન નામનો રાજા થઈ ગયો છે, તે પ્રજાપાલક, ધર્મિષ્ટ ઉદાર અને એક પત્નીવ્રતધારી હતો. તે એક દિવસ પોતાની સેના સાથે મૃગયા રમવા અનેક મૃગોથી પરિપુર્ણ જુદા જુદા પક્ષીઓના અવાજથી ગાજી રહેલ વનમાં આવ્યો. ત્યાં એની દ્રષ્ટિએ મૃગ પડ્યો. બબ્રુવાહને બાણ છોડ્યું. પણ મૃગ તો બાણ સાથે અદશ્ય થઈ થયો. રાજા તેને શોધતો આગળ વધ્યો. તેની દ્રષ્ટિએ મૃગનું લોહી જણાયું એ રસ્તે મૃગયાના ધ્યાનમાં આગળ જતાં બીજા વનમાં આવી ચડ્યો ત્યારે તેને ક્ષુધા-તૃષા લાગી હતી. શ્રમ અને સુર્યના તાપથી ગભરાતો હતો. પાણી માટે ફાંફાં મારતો હતો, તેવામાં તેની દ્રષ્ટિએ કમળની સુગંધવાળું તળાવ પડ્યું. તેમાંથી પાસે ઊગેલા મોટી શાખાવાળા વડલાની છાંય હેઠળ આરામ લેવા બેઠાં, તેવામાં ભયંકર માંસ વિનાના પિશાચો જોયા. પિશાચો જોતાં તે આશ્ચર્ય પામ્યો. ત્યાં એક પિશાચ આગળ આવી બોલ્યો, આપના દર્શનથી ખચીત મારૂં પિશાચપણું જઈ મોક્ષ પ્રાપ્ત થશે.

પિશાચના આ શબ્દો સાંભળી રાજાએ પુછ્યું હે પિશાચ ક્યા દુષ્કૃત્યથી તને પિશાચપણું પ્રાપ્ત થયું અને શું કરવાથી તું સદ્દગતિ પામે તેમ જ તારી અથઈતિ બધી કથા કહે રાજાને જવાબ આપતાં પિશાચે કહ્યું જે ધનધાન્યથી ભરપુર વેદમંત્રોથી ગાજતું અને જ્યાંથી હવનની ધુણી આકાશમાં હંમેશ જતી એવા વૈદેશનગરમાં હું વૈશ્ય જાતિનો હોવા છતાં સુદેવ નામથી ઓળખાતો હતો. મારી વૃતિઓ ધર્મ તરફ વળેલી હતી, હું દાનપુણ્ય સદાય કરતો પરંતુ મારે સંતતિ તેમજ કોઈપણ બાંધવ નહિ હોવાથી તેમજ મારા મરણ પછી શ્રાદ્ધ વગેરે ક્રિયા કરનાર કોઈ ન હોવાથી પિશાચપણાને પામ્યો છું. મરનાર પાછળ સોળ માસિયાવાળું શ્રાદ્ધ કરવામા ન આવે તો બીજા  કરવામાં આવતા શ્રાદ્ધ વ્યર્થ જાય છે, માટે હે રાજા મારી પાછળ ઉર્ધ્વ દેહાધિક કર્મ કરીને મારો ઉદ્ધાર કરો.

રાજા તો ચારે વર્ણનો પિતા છે. હું તમને મારો ઉદ્ધાર કરવા રત્નાદિ આપું છું. હે રાજા, નેષ્ટમાં નેષ્ટ યોનિ પિશાચની છે, જ્યાં જીવને શાંતિ નથી. માટે મારું પિશાચપણું જાય એટલા માટે પ્રથમ નારાયણ બલિ કરજો ને પછી બીજા કર્મ કરજો પ્રેતપણું વિષ્ણુ પુજાથી પણ નાશ  પામે છે, આ પુજા પ્રામાણિકપણે મેળવેલા પાગદિયાણો અને ચાર રતિ સોનાની લક્ષ્મી પારાયણની પ્રતિમાં કરાવી એ પ્રતિમાને અનેક પ્રકારનાં સુવાસિત જળથી સ્નાન કરાવી પીળાં વસ્ત્રો તેમજ આભુષણો પહેરાવી સ્થાપના કરી પુજા કરવી, એ મુર્તિના પુર્વે શ્રીધર, દક્ષિણે મધુસુદન, પશ્ચિમે વામન, ઉત્તરે ગદાદર વચ્ચોવચ્ચ પિતામહ અને મહેશ્વર સ્થાપી ગંધ, પુષ્પ વગેરે વસ્તુઓથી જુદીજુદી પુજા કરવી, પછી પ્રદક્ષિણા કરી, અગ્નિમાં હોમ કરી સર્વ દેવોને તૃપ્ત કરવા. દૂધ, દહીં, ઘી, વગેરે પદાર્થોની આહૂતિ વિશ્વદેવને આપી તર્પણ કરવું. પછી કર્મ કરનારે શુદ્ધ હ્રદયથી સ્નાન કરી નારાયણ આગળ ઉર્ધ્વદેહાદિક ક્રિયા કરવી.

શ્રાદ્ધો તથા વૃષોત્સર્ગ કરી વાસણોનું દાન, ત્રયોદસ દાન તેમજ શૈયાદાન આપીને ઉદક કુંભદાન કરવો. પિશાચની વાણી સાંભળી રાજાએ પુછ્યું, હે પ્રેત ! કુંભનું દાન કેવી રીતે કરવું તે મને સમજાવો.

રાજાનો પ્રશ્ન સાંભળી પિશાચ બોલ્યો, હે રાજા ! ઉદકુંભના દાનથી અશુભો અને દુર્ગતિ નાશ પામે છે. સોનાનો એક કળશ કરીને તેમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ તથા લોકપાલોનું મંત્રોથી આહવાહન કરી મુકવો એ ઘડાને દુધ-ઘી થી ભરી ભગવાનની પ્રાર્થના સાથે બ્રાહ્મણને દાન કરવો, આ રીતે કુંભદાન કરનારને બીજા દાન આપ્યાનું ફળ મળે છે અને આથી પિશાચપણું ટળે છે. આમ પિશાચ સાથે રાજા વાત કરે છે તેવામાં પિશાચે તેની સેના આવતી જોઈ એટલે રાજાને રત્નો આપી નમસ્કાર કરી અદ્રશ્ય થઈ ગયો.

રાજા પણ પોતાની સેના સામે નગર આવી પિશાચના કહેવા પ્રમાણે ઉર્ધ્વદેહાદિક કર્મ કર્યું ને પિશાચમુક્તિ પામ્યો વળી રસ્તે જનાર મરનારનું જો શ્રાદ્ધ કરે તો પણ મરનાર મુક્તિ પામે છે હે ગરૂડ ! આ પુણ્યકથા જે કોઈ સાંભળે અથવા સંભળાવશે તો પાતકી હશે તો પણ મુક્તિ પામશે.

       ઈતિશ્રી ગરૂડપુરાણે સારોદ્વાર બબ્રુવાહનેન પ્રેત સંસ્કારો નામ સપ્તમોધ્યાય સંપુર્ણ.

Leave a Comment

gu Gujarati
X