ગુરુવારની કથા । ભગવાન દતાત્રેય નું વ્રત

‘બોલો ભગવાન દતાત્રેયની જય’

ગુરૂવારના વ્રતની વિધિ

        આ વ્રત કરનાર કરનાર વ્યક્તિએ ભગવાન દતાત્રેયનું ધ્યાન ધરવું. તથા પીળાં ફૂલ, પીળું ચંદન કે હરદરથી તેમની પૂજા કરવી. ત્યારબાદ આરતી કરી પ્રસાદ વહેંચવો. પ્રસાદમાં પણ પીળાં ફળ અથવા તો ચણાની દાળનો પ્રસાદ કરવો. તથા પીળાં વસ્ત્રોનું દાન કરવું.

        આ વ્રત કરનાર વ્યક્તિએ દિવસે એકટાણું કરવું અથવા જો બની શકે તો ઉપવાસ કરવો. આ વ્રત પુરૂષ અને સ્ત્રી બંનેની થઈ શકે છે. પરંતુ પુરૂષોએ ગુરૂવારના દિવસે હજામત કરાવવી નહીં. વ્રત કરનાર દરેક વ્યક્તિએ ભગવાન દતાત્રેયની કથા વાર્તા સાંભળવી અને બાકીના સમય ભજન કીર્તન કરવું. આ વ્રત કરવાથી ભગવાન દતાત્રેય પ્રસન્ન થાય છે અને આપણી સઘળી મનોકામનાઓ પરિપૂર્ણ કરે છે.

એક નગરમાં સુખી અને સમૃદ્ધ એવો એક વણીક વેપારી રહેતો હતો. તેને ત્યાં અઢળક સંપત્તિ હતી; પણ ખાનાર કોઈ ન હતું. અર્થાત તેને ત્યાં શેર માટીની ખોટ હતી. નગરમાં તેની બોલબાલા હતી, જાહોજલાલી હતી. શેઠ વનેચંદના નામની હુંડીઓ પરદેશમાં પણ સ્વીકારાતી હતી. તેઓ વેપારના કામમાં એટલા ગળાડૂબ રહેતા હતા, કે તેમને પ્રભુનું સ્મરણ કરવાનો પણ સમય ન રહેતો હતો. શેઠાણી પણ પોતાના રાચરચીલા અને વૈભવમાં રચીપચી રહેતી હતી. બંનેમાંથી કોઈને પણ પ્રભુનું નામ લેવાની ફૂરસત રહેતી ન હતી. અથવા એમ કહો કે એમને જરા પણ ઈચ્છા થતી ન હતી. શેઠ વનેચંદ અને જીવકોર શેઠાણી મહેલ જેવા ભવ્ય મકાનમાં સુખચેનથી પોતપોતાની રીતે જીવન વીતાવતા હતાં. બંને જણને પુત્રની ખોટ સાલતી હતી, પણ તે માટે જપ, તપ, વ્રત ઉપવાસ એવું કંઈ કરવાની એમને ઈચ્છા થતી ન હતી.

        આજે ગુરૂવારનો દિવસ હતો. શેઠ-શેઠાણી બપોરના સમયે જમી પરવારી આરામ કરી રહ્યા હતાં. એટલામાં તેમના આંગણે એક સાધુ મહારાજ આવ્યા અને અલખ નિરંજન’ની આહલેક જગાવી ચીપીઓ ખખડાવતા ઉભા રહ્યાં. પોતાના આંગણે સાધુ આવ્યો છે જાણી શેઠ તિરસ્કારથી પડખું ફેરવી ગયાં. શેઠાણીએ ઊભા થવાની જરાય તસ્દી ન લીધી, બલ્કે પલંગમાં પડ્યા પડ્યા જ સાધને સંભળાવી દીધું, ‘મહારાજ ! જોતાં નથી, અત્યારે અમે આરામમાં છીએ. જાવ, અત્યારે તમને ભિક્ષા આપવા કોઈ નવરૂં નથી.’ એમ કહી શેઠાણીએ નોકર બાઈને બારણું વાસી દેવા કહ્યું. શેઠ વનેચંદના આંગણે જે સાધુ મહારાજ પધારેલા તે બીજા કોઈ નહિં, પણ ખુદ ભગવાન દતાત્રેય હતા, તેઓ શેઠ-શેઠાણી પર નારાજ થઈ, ભિક્ષા લીધા વિના જ ત્યાંથી પાછા ફર્યા.

        બસ એ જ દિવસથી શેઠ વનેચંદના વળતાં પાણી થવા માંડ્યા. ધીરે ધીરે તેમના વેપારમાં ખોટ આવવા લાગી. પરદેશમાં જે હૂંડીઓ સ્વીકારાતી હતી, તે પાછી આવવા લાગી, તેમના માથે ઘણું દેવું થઈ ગયું. મહેલ જેવું ભવ્ય મકાન વહેંચી દેવું પડ્યું અને એના બદલે સામાન્ય મકાનમાં તેઓ રહેવા લાગ્યા. શેઠાણીને જે રાચરચીલા પર મોહ હતો અને તેમાં તેઓ રચ્યા પચ્યા રહેતા હતા, તે રાચરચીલું લેણદારો લઈ ગયા. શેઠ અને શેઠાણીની હાલત એવી ખરાબ થઈ ગઈ કે અન્ન અને દાંતને વેર થઈ ગયાં.

        આ વાતને ઘણાં દિવસ પસાર થઈ ગયા. એક દિવસ અચાનક ફરીવાર એ જ સાધું શેઠના આંગણે પધાર્યા, જે પહેલા આવ્યા હતાં, તેમણે ‘અલખ નિરંજન’ આહલેક જગાવી. શેઠાણીને આ અવાજ કંઈક પરિચિત લાગ્યો. છતાં તેમણે એ અવાજને આળખવા કોશિક ન કરી અને ઉપરથી બબડવા લાગ્યા, ‘ મહારાજ ! જ્યારે મારા ઘરમાં અન્નના ભંડાર ભરેલા હતા ત્યારે તમે નહોતા આવ્યા અને આજે હવે ઘરમાં અન્નનો એક દાણો પણ નથી ત્યારે તમે હેંડ્યા આવ્યા !’

        શેઠાણીની વાત સાંભળી સાધુ મહારાજ હસ્યા અને પછી બોલ્યા, ‘દીકરી! એ વખતે તને સાધુને ભિક્ષા આપવાની નવરાશ નહોતી હવે તો તારી પાસે નવરાશ જ નવરાશ છે.’

        સાધુના મર્મ વચન સાંભળી શેઠાણીને પહેલાની વાત યાદ આવી ગઈ અને શરમથી તેનું માથું ઝૂકી ગયું. તેની આંખોમાં આંસુ આવી ગયા. તે સાધુના ચરણોમાં પડી કલ્પાત કરવા લાગી. ત્યારબાદ તે ઘરમાં જઈ ચણાની દાળ થોડી પડી હતી તે લાવીને સાધુને ભિક્ષામાં આપી દીધી. સાધુ વેશે પધારેલા ભગવાન દતાત્રેયને શેઠાણી પર દયા આવી. આથી તેમણે આશીર્વાદ આપતા કહ્યું : ‘દીકરી જા, આજથી તું ગુરૂવારનું વ્રત કરજે અને ઉપવાસ કરજે; તારી મનોકામના પૂર્ણ થશે તારા પતિનું ગયેલું ધન પાછું આવશે, સુખ સમૃદ્ધિ ફરી પાછી આવશે. અને હા તારા ઘેર પારણું બંધાશે ! પણ જોજે તું ફરી આવી ભૂલ ન કરતી. આંગણે આવેલા મારા જેવા સાધુ સંતોને જરૂર ભિક્ષા આપજે. હું તારા પર પ્રસન્ન થયો છું.’ આમ શેઠાણીને આશીર્વાદ આપી સાધું ત્યાંથી ચાલ્યા ગયાં.

        ત્યારબાદ શેઠાણીએ સાધુના આશીર્વાદની વાત શેઠને કહી સંભળાવી. શેઠ પણ હવે ધર્મપરાયણ જીવન જીવવા લાગ્યા હતાં. તેથી તેમણે પણ ગુરૂવારનું વ્રત કરવાનું નક્કી કર્યું.

        શેઠ-શેઠાણી બંને જાણ ગુરૂવારનું વ્રત આદરી બેઠા. એ દિવસે ભગવાન દતાત્રેયની પૂજા કરી, ઉપવાસ કરવા લાગ્યાં. આ રીતે એક, બે, અને ત્રણ ગુરૂવાર કર્યા ત્યાં જ તેમના લેણદારો શેઠની પાસે આવીને લેણાની રકમ આપી ગયા. એ રકમમાંથી તેમણે નવેશરથી વેપાર ધંધો શરૂ કર્યો. ભગવાન દતાત્રેયની કૃપાથી થોડા વખતમાં જ શેઠની પાસે સુખ સાહ્યબી પહેલા જેવી થઈ ગઈ. તેમનું ભવ્ય મકાન પણ ફરી પાછું લઈ લીધું.

        ત્યારબાદ થોડા વખત પછી શેઠાણીને દેવ જેવો દિકરો જન્મ્યો. આથી શેઠ-શેઠાણીના આનંદનો પાર ન રહ્યો. તેમણે ધામધૂમથી ગુરૂવારનું વ્રત ઉજવ્યું. સાધુ-સંતોને તથા ગરીબ ગુરબાને પોતાના આંગણે બોલાવી જમાડવા. તેમને પીળા વસ્ત્રોના દાન દીધા. પીળા રંગના ફળો આપ્યા તથા પીળા અનાજનું ભોજન કરાવ્યું. આમ, શેઠ-શેઠાણી ફરી સુખ સંપત્તિ અને સંતતિવાળા બન્યા. પ્રભુ દતાત્રેય પર અખુટ શ્રદ્ધાના ફળરૂપે તેમણે નગરમાં દતાત્રેયનું મંદિર પણ બંધાવ્યું.

        હે દયાના સાગર દતાત્રેયજી, આપ જેવા શેઠ-શેઠાણીને ફળ્યા એવા આ વ્રત કરનાર, કથા કહેનાર તથા સાંભળનાર ને ફળજો અને એ સૌની મનોકામના પૂર્ણ કરજો બસ એ જ અભ્યર્થના.

‘બોલો ભગવાન દતાત્રેયની જય’

Leave a Comment

gu Gujarati
X