ગુરૂવારનું વ્રત । Thursday fast

જુના જમાનાની વાત છે. કોઈ એક રાજ્યમાં ખુબ જ પ્રતાપી અને દાની રાજા રાજ્ય કરતો હતો. તે દરેક ગુરૂવારે વ્રત કરતો અને ભૂખ્યા તથા ગરીબોને દાન કરીને પુણ્ય કમાતો પણ આ વાત તેની પત્નીને બિલકુલ પસંદ પડતી નહીં, ના તો તે વ્રત કરતી કે ના તો તે એક પણ પૈસાનું દાન કરતી. અને રાજાને પણ આવું કરવાથી રોકતી.

       એક સમયની વાત છે. રાજા શિકાર ખેલવા વનમાં ગયા ને ઘર પર રાણી અને દાસી એકલા હતા. એ સમયે ગુરૂ બૃહસ્પતિદેવ સાધુરૂપે ભિક્ષા માંગવા રાજાના દરવાજે આવ્યા. સાધુએ જ્યારે રાણી પાસે ભિક્ષા માંગી તો તે કહેવા લાગી – હે સાધુ મહારાજ ! હુ આ દાનપુણ્યથી તંગ થઈ ગઈ છું. તમે કોઈ એવો ઉપાય બતાવો કે જેનાથી આ બધું ધન નષ્ટ થઈ જાય અને હું શાંતિથી રહી શકું.

       સાધુએ કહ્યું : હે દેવી ! તું ખુબ વિચિત્ર પ્રકારની છો. અને ધનથી ભલા કોઈ દુ:ખી થાય ખરૂં ?       

       જો વધારે ધન હોય તો તેને શુભ કાર્યોમાં લગાવવું. કુવારી કન્યાઓનાં લગ્ન કરાવો, બાગ-બગીચા, કુવા, વિદ્યાલય વિગેરે બંધાવો જેથી તારા બંને લોક સુધરે, પરંતુ સાધુની આ વાતથી રાણી ખુશ થઈ નહીં, અને કહ્યું – મને ધનની કોઈ આવશ્યકતા નથી જેને હું દાન કરૂ ને સાચવવા માટે મારો સમય બગાડું.     

       ત્યારે સાધુએ કહ્યું – જો તારી આ જ ઈચ્છા છે તો હું તને જેમ કહું તેમ કર, ગુરૂવારે ઘરમાં છાણથી ગાર કરજે, પીળી માટીથી વાળ ધોવા ધોતાં-ધોતાં સ્નાનક રી લેવું ને તારાં પતિને કહેજે. ગુરૂવારે હજામત કરાવે, ખાવામાં માંસ મદીરા લેય, કપડા ધોવા માટે ધોબીને આપવા આ રીતે સાત ગુરૂવાર કર. તારું સમસ્ત ધન નાશ પામશે. આટલું કહી સાધુરૂપી બૃહસ્પતિદેવ અંતરધ્યાન થઈ ગયા.

       સાધુનાં કહ્યાં મુજબ રાણીએ ફક્ત ત્રણ જ ગુરૂવાર કર્યા ત્યાં બધું જ ધન નષ્ટ થઈ ગયું. ઘરમાં ખાવાનાં પણ ફાંફાં પડી ગયાં. ત્યારે એક દિવસ રાજાએ રાણીને કહ્યું : રાણી તમે અહિ રહો, હું બીજા દેશમાં જાવ છું. કેમ કે, અહીં બધા મને ઓળખે છે. એટલે હું કોઈ નાનુંસુનુ કાર્ય નહીં કરી શકું- કહીને રાજા પરદેશ જતો રહ્યો. જ્યાં તે એક જંગલમાંથી લાકડાં કાપીને શહેરમાં વેચતો. આ બાજુ રાજાનાં પરદેશ જતાં જ રાણી અને દાસી દુ:ખી થઈ ગયાં. એકવાર જ્યારે રાણી અને દાસીનુ સાત દિવસ ભોજન કર્યા વગર રહેવું પડ્યું તો રાણીએ દાસીને કહ્યું – હે દાસી બાજુના નગરમાં મારી બહેન રહે છે, તે ખુબ જ ધનવાન છે, તું એની પાસે જા અને કંઈક લઈ આવ જેથી થોડું ઘણું ગુજરાન ચાલી શકે, દાસી રાણીની બહેન પાસે ગઈ. રાણીની બહેન એ સમયે ગુરૂવારનાં વ્રતની કથા સાંભળતી હતી ને દાસીએ રાણીની બહેનને રાણીએ કહેલો સંદેશ કહ્યો. પણ રાણીની બહેને કંઈ જવાબ આપ્યો નહી.

       જ્યારે દાસીને રાણીની બહેન પાસેથી કંઈ જવાબ ના મળ્યો તો તે દુ:ખી થઈ ને ગુસ્સો આવ્યો દાસીએ ઘર પર આવી રાણીને બધી વાત કહી. આ સાંભળી રાણીએ પોતાના ભાગ્યનો વાંક કાઢ્યો. જ્યારે રાણીની બહેને વિચાર્યું કે મારી બહેનની દાસી આવી હતી પણ, મેં એની સાથે વાત જ ના કરી તેથી તેનું દુ:ખ લાગ્યું હશે. કથા સાંભળી પુજન સમાપ્ત કરીને તે પોતાની બહેનના ઘેર ગઈ અને કહેવા લાગી. બે હું ગુરૂવારનું વ્રત કરતી હતી ને તારી દાસી ઘરે આવી હતી પણ, જ્યાં સુધી કથા ચાલતી હોય ત્યાં સુધી ના તો મારાથી ઉઠાય કે ના તો બોલાય એટલે મેં જવાબ આપ્યો ન હતો. દાસી શા માટે આવી હતી?

       રાણી બોલી – બહેન ! તારાથી શું છુપાવું અમારા ઘરમાં ખાવા માટે અનાજ ના હતું. એમ કહેતા જ આંખમાં આંસું આવી ગયાં. તેણે દાસી સહિત પોતે પણ છેલ્લાં સાત દિવસથી ભુખી છે. ત્યાં સુધીની સઘળી વાત વિસ્તારથી કહી દીધી.

       રાણીની બહેન બોલી- જો બેન ભગવાન બૃહસ્પતિદેવ દરેકની મનોકામના પૂર્ણ કરે છે. જો કદાચ તારા ઘરમાં અનાજ રાખ્યું હશે. પહેલાં તો રાણીને વિશ્વાસ ના થયો પણ, બહેનનો આગ્રહ હોવાથી પોતાની દાસીને અંદર મોકલી તો તેને સાચે જ અનાજ ભરેલો એક ઘડો મળ્યો. આ જોઈ દાસીને ખૂબ જ હેરાની થઈ દાસી રાણીને કહેવા લાગી – હે રાણી ! જ્યારે અમને ભોજન મળતું નતું ત્યારે વ્રત તો કરતાતા જ તો એ માટે વ્રતની વિધિ અને કથા પુછી લઈએ. તેથી આપણે પણ વ્રત કરીએ. ત્યારે રાણીએ પોતાની બહેનને ગુરૂવારના વ્રતની વિગત પુછી, રાણીની બહેને બતાવ્યું  ગુરૂવારે વ્રતમાં ચણાની દાળને પીળી કીસમીસથી વિષ્ણુ ભગવાન તથા કેળનાં મૂળનું પુજન કરવું. તથા દીવો પ્રગટાવવો. વ્રતની કથા સાંભળીને પીળું જ ભોજન કરવું. વ્રત અને પુજાવિધિ બતાવી રાણીની બહેન જતી રહી તેને ઘેર. સાત દિવસ પછી ગુરૂવાર આવ્યો તો દાસી અને રાણીએ નક્કી કર્યા મુજબ આ વ્રત રાખ્યું. જ્યાં ઘોડા બાંધ્યા હોય તે ઘોડારમાંથી થોડાંક ચણા અને ગોળ વીણી આવીને પછી એ દાળથી વિષ્ણું ભગવાન અને કેળના મૂળનું પુજન કર્યું. હવે પીળું ભોજન ક્યાંથી લાવવું એ વાતને લઈને બંન્ને મુંજાણી, પણ તેણે વ્રત રાખ્યું હતું. તેથી ગુરૂદેવ તેના પર પ્રસન્ન હતા. એટલે તે એક સાધારણ વ્યક્તિના રૂપમાં આવી  સુંદર પીળા ભોજનના બે થાળ દાસીને આપી ગયાં. ભોજન મેળવી દાસી ખુશ થઈ અને રાણી સાથે ભોજન કર્યું. તે પછી તે દરેક ગુરૂવારે વ્રત અને પુજા કરવા લાગી. બૃહસ્પતિની કૃપાથી તેની પાસે ફરીથી ધન સંપત્તિ આવી ગયાં. રાણી ફરીથી પેલાની જેમ આળસ કરવા માંડી. ત્યારે દાસી બોલી- જુઓ રાણી તમે પહેલાં પણ આ રીતે આળસ કરતાં’ તા. તમને ધન રાખવામાં તકલીફ થાતી ’તી એને કારણે બધું ધન નષ્ટ થયું હતું. અને હવે જ્યારે ગુરૂદેવની કૃપાથી પાછી ધન-સંપત્તિ મળી છે. તો ફરી પાછી આળસ થાય છે ?        ખુબ જ મુસીબત ઊઠાવ્યા પછી આપણે આ ધન મેળવ્યું છે, એટલે આપણે દાન-પૂણ્ય કરવું જોઈએ. ભુખ્યા માણસોને ભોજન કરાવવું જોઈએ, ધનને શુભ કાર્યોમાં ખર્ચ કરવું જોઈએ, જેનાથી તમારા કુળનો યશ વધે, સ્વર્ગની પ્રાપ્તિ થાય અને પિતૃ પ્રસન્ન થાય, દાસીની વાત માનીને રાણી પોતાનું ધન શુભ કાર્યોમાં વાપરવા માંડી, જેનાથી આખા નગરમાં રાણીનો યશ ફેલાવા લાગ્યો ને ફરી પાછી જાહોજલાલી આવી ગઈ. રાણીએ રાજાને બોલાવી ફરી પાછું રાજા તેનાં રાજ્યનો કાર ભાર સંભાળી રાજ્ય કરવા લાગ્યાં. રાજા, રાણી અને દાસી પણ ગુરૂવારનું વ્રત નિતિ-નિયમ મુજબ કરવા લાગ્યા, આ હતો ગુરૂવારના વ્રતનો મહિમા.

Leave a Comment

gu Gujarati
X