પરિવર્તિની એકાદશી । parivartini ekadashi

       નમસ્કાર. આપણે દરમહિનાની અંદર આવતી એકાદશીના વ્રત વિશેની વાર્તા, વિધિ મહત્વ વગેરે જોઈએ છીએ. તો આજે આપણે જોઈશું. પરિવર્તિની એકાદશી વિશે કે જેમાં ભગવાન વિષ્ણું સમુદ્રમાં નાગશૈયા પર પોઢી જાય છે. અષાઢમાસની સુદ એકાદશીના દિવસે જેને આપણે દેવપોઢી  કે દેવશયની એકાદશી તરીકે પણ ઓળખીએ છીએ. ભગવાન વિષ્ણું અષાઢ સુદ – ૧૧ ના રોજ પોઢી જાય છે. ત્યારેથી લઇ આજ સુધી એટલે કે ભાદરવા સુદ-૧૧ સુધી એક જ પડખે સુતા હોય છે. અને આ ભાદરવા સુદ-૧૧ ના દિવસે ભગવાન પડખું ફેરવે છે. જેને પરિવર્તિની એકાદશી કહે છે. આ એકાદશીને જલજીલણી એકાદશી પણ કહેવાય છે. જે ભગવાન સ્વામીનારાયણ સંપ્રદાયમાં ઉજવવામાં આવે છે. એ જ રીતે આ ભાદરવા સુદ-૧૧ ને વામન એકાદશી પણ કહેવાય છે. આ વામન એકાદશી શા માટે કહેવાય છે. તેના પાછળ પણ એક વાર્તા છે  તે આપણે જોઈએ.

       એકવાર ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુન વાર્તાલાપ કરી રહ્યા હતા. ત્યારે અર્જુને ભગવાનને પુછ્યું હે પ્રભુ ! મને એ જણાવશો કે ભાદરવા સુદ- ૧૧ ને વામન એકાદશી શા માટે કહેવાય છે ? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું.

       ત્રેતાયુગમાં બલી નામનો એક અસુર રાજા હતો. તે અત્યંત ભક્ત, દાની, સત્યવાદી તથા બ્રાહ્મણોની સેવા કરવાવાળો હતો. તે નિત્ય તપ-યજ્ઞ વગેરે કર્યા કરતો હતો. આ ભક્તિના બળથી સ્વર્ગમાં દેવેન્દ્રની જગ્યાએ રાજ્ય કરવા લાગ્યો. દેવરાજ ઈન્દ્ર તથા બીજા અન્ય દેવતાઓથી આ વાત સહન થઈ નહી. એટલે તેઓ ભગવાન શ્રી હરી પાસે પહોંચી પ્રાર્થના કરવા લાગ્યા. આ પ્રાર્થના સાંભળી શ્રી હરી એટલે કે મેં વામનરૂપ ધારણ કરી અને તેજસ્વી બાલસ્વરૂપ બ્રાહ્મણના રૂપમાં રાજા બલિ પર વિજય પ્રાપ્ત કર્યો.

       આ શાંભળી અર્જુને કહ્યું હે કેશવ ! તમે બાલ સ્વરૂપ વામનરૂપ લઈ કઈ કઈ રીતે બલી રાજા પર જીત મેળવી તે મને વિસ્તારપુર્વક કહી સંભળાવો.

       તો હે પાર્થ ! સાંભળ, ભગવાન શ્રીએ કહ્યું: મે વામનરૂપ લઈ રાજા બલી પાસે યાચના કરી કે હે રાજન ! જો તું મને ત્રણ પગલાં ભૂમિનું દાન કરીશ તો તને ત્રણલોકના દાનનાં ફળ પ્રાપ્ત થશે.

       રાજા બલિએ આ નાનકડી યાચનાને સ્વીકાર કરી અને ભૂમિ દેવા માટે તૈયાર થઈ થયો પરંતુ જ્યારે તેણે મને વચન આપી દીધું ત્યારે જ મે મારો આકાર વધારી દીધો અને ભુલોકમાં પગ, ભુવનલોકમાં જાંઘ, સ્વર્ગલોકમાં કમર, મહલોકમાં મુખ રાખી મારા માથાને ઊંચુ; ઉઠાવી લીધું.

       એ સમયે સુર્ય, નક્ષત્ર, ઈન્દ્ર તથા અન્ય દેવતાઓ મારી સ્તુતિ કરવા લાગ્યાં.

       ત્યારે મેં બલીરાજાને પુછ્યું હવે હું મારું ત્રીજું પગલું ક્યાં મુકું ? આ સાંભળી રાજા બલિએ પોતાનું માથુ; નીચું કરી દીધું. ત્યારે મેં મારું ત્રીજું પગલું તેના માથા પર રાખી દીધું અને આ રીતે દેવતાઓના હિત માટે મેં મારા તે અસુર ભક્તને પાતાળલોકમાં મોકલી આપ્યો. ત્યારે તે મને વિનંતી કરવા લાગ્યો. મેં તેને કહ્યું હે બલી ! હું સદાય તારી સાથે રહીશ. ભાદરવા સુદ પરિવર્તિની -૧૧ ના રોજ મારી એક મુર્તિ રાજા બલિ પાસે રહે છે. અને એક મૂર્તિ ક્ષીરસાગરના શેષનાગ પર શયન કરતી રહે છે.  આ એકાદશીએ વિષ્ણું ભગવાન નિંદ્રામાં પડખું ફેરવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પુજા કરવામાં આવે છે. આ દિવસે ચોખા અને દહીં સાથે ચાંદીનું દાન દેવામાં આવે છે. ને રાત્રે જાગરણ કરવાનું હોય છે.

       આ રીતે ઉપવાસ કરવાથી મનુષ્ય દરેક પ્રકારના પાપોથી મુક્ત થઈ સ્વર્ગલોકમાં જાય છે. અને જો મનુષ્ય આ પાપોને નષ્ટ કરનારી એકાદશી વ્રતની કથા સાંભળે છે. તો તેને અશ્વમેઘ યજ્ઞનાં ફળની પ્રાપ્તિ થાય છે.

       તો મિત્રો, આ ભાદરવા સુદ-૧૧ નું વ્રત કરવાનું ભુલતા નહિ. જો ભુલશો તો અશ્વમેઘના યજ્ઞનું ફળ નહી મેળવી શકો. પાપોથી મુક્તી પણ નહિ મેળવી મળે. જય માતાજી, જય શ્રીકૃષ્ણ.

Leave a Comment

gu Gujarati
X