પાપમોચની એકાદશી / papamochani ekadashi

                          

       આજે આપણે જોઈશું પાપમોચની એકાદશી વિષે યુધિષ્ઠિરે ભગવાનને પૂછ્યું: ‘‘ હે ભગવાન ! તમે મને અત્યાર સુધી દરેક એકાદશીનું મહાત્મ્ય કહેતા આવ્યા છો તો તમે આજે મને આ ફાગણ માસની કૃષ્ણપક્ષની એકાદશી વિષે કહો કે તેનું નામ શું છે, અને તેની વાર્તા શું છે ?’’ તે મને કહી સંભળાવો.

       ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને કહ્યું : તો સાંભળો હું આ વિષે એક ઉપાખ્યાન કહું છું. જેને ચક્રવર્તી રાજા માંધાતાના પૂછવાથી મહર્ષિ લોમેશે કહ્યું હતું.

મહર્ષિ લોમેશે કહ્યું : ‘‘ હે રાજાઓમાં શ્રેષ્ઠ ! આ એક પૂર્વકાળની વાત છે કે જ્યારે અપ્સરાઓ અને કિંકરો વાજાઓ વગાડતા અને નૃત્ય કરતા ચિત્રરથ નામના વનમાં આવતા હતા અને ત્યાં તેઓ મોજમસ્તી કરતા હતા. ’’ તેમાં મંજુઘોષા નામની અપ્સરા હતી તેને ખબર પડી કે, અહીં મુનિવર મેઘાવી બ્રહ્મચર્યનું પાલન કરતા કરતા તપ કરી રહ્યા છે. એટલે તે નાચતાં નાચતાં આશ્રમથી એક ગાઉ દૂર નૃત્ય કરતી હતી.

તે નાચ કરતી અને સાથે વીણા પણ વગાડતી હતી. ને મધુર ગીત ગાતી અપ્સરા જે જગ્યાએ હતી તે જગ્યાએ મુનિશ્રેષ્ઠ મેઘાવી ફરતાં-ફરતાં આવી પહોંચ્યા અને પેલી સુંદરી અપ્સરાને તે નાચગાન કરતી જોઈ સેના સહિત કામદેવથી પરાસ્ત થઈ બળપૂર્વક મોહને વશીભૂત થઈ ગયા.

મુનિને પોતાની તરફ આકર્ષાયેલા જોઈ મંજુઘોષા તેમની નજીક આવી વીણા નીચે રાખી તેને એક વેલાની માફક વીંટળાઈ પડી. મેઘાવી પણ મેઘાવી પણ તેની સાથે રમણ કરવા લાગ્યા. મેઘાવી ઋષિ એટલે સુધી કામવશ થઈ ગયા હતા કે તેમને મંજુઘોષા સાથે કામરમણ કરતા રહીને રાત અને દિવસ ક્યાં જતા રહ્યા તેનું પણ કશુ જ ભાન ન રહ્યું. હવે મુનિજનોને  લાયક સદાચારનો લોપ કરી અને અપ્સરાની સાથે રમણ કરતા તેમને ઘણાં દિવસો પસાર થઈ ગયા.

       મંજુઘોષા દેવલોકમાં જવા માટે તૈયાર થઈ જતી વેળાએ તેણે મુનિશ્રેષ્ઠ મેઘાવીને કહ્યું: ‘‘ હે મહર્ષિ ! હવે મને પોતાના દેશ જવાની આજ્ઞા આપશો ?’’ મેઘાવી બોલ્યા દેવી ! જ્યાં સુધી સવારની સંધ્યા ન થઈ જાય, ત્યાં સુધી મારી પાસે જ રોકાઈ જાવ ને. અપ્સરાએ કહ્યું: ‘‘ હે વિપ્રવર ! હજુ સુધી ન જાણે કેટલી સંધ્યા ચાલી ગઈ. મારા પર કૃપા કરી વીતેલા સમયનો વિચાર તો કરો.

       મહર્ષિ લોમેશે કહ્યું : હે રાજન ! અપ્સરાની આવી વાત સાંભળી મેઘાવીના નેત્ર આશ્ચર્યચકિત થઈ ગયા. અને તેને યાદ આવ્યું, અરે ! આ તે કેટલો સમય વીતી ગયો મારે આ અપ્સરા સાથે એનો કોઈ હિસાબ ખરો ?

જ્યારે તેણે હિસાબ કર્યો તો ખબર પડી અરે બાપ રે ! આ તો સતાવન વર્ષ જતા રહ્યાં કામવાસનાની પાછળ.

એટલે મેઘાવી ઋષિએ આ મંજુઘોષા અપ્સરાને પોતાની તપસ્યાને નષ્ટ કરનારી જાણી. ને મુનિએ તેના પર ઘણો ક્રોધ કર્યો. અને તેણે ક્રોધમાને ક્રોધમાં શાપ આપી દીધો. અને કહ્યું જા, પાપીણી તુ પિશાચી બની જા.

મુનિના શાપથી દિગ્મૂઢ થઈને વિનયથી નતમસ્તક થઈ બોલી : હે વિપ્રવર ! મારા શાપનો ઉદ્ધાર કરો. સાત વાક્ય બોલવા યા સાત પગલા સાથે-સાથે ચાલવા માત્રથી જ સત્પુરૂષો સાથે મૈત્રી થઈ જાય છે. હે બ્રહ્મન ! મે તો આપની સાથે એક વર્ષ નહી, સતાવન વર્ષ વિતાવ્યા છે.  એથી સ્વામી મારા પર કૃપા કરો.

મુનિ બોલ્યા : હે ભદ્રે ! તે મારી ઘણી મોટી તપસ્યા નષ્ટ કરી નાખી છે. ફાગણ કૃષ્ણપક્ષમાં જે શુભ એકાદશી આવે છે, તેનું નામ છે પાપમોચની એકાદશી તે બધા પાપોનો ક્ષય કરનારી છે. માટે હે સુંદરી ! તું તેનું વ્રત કરવાથી તારી પિશાચતા દૂર કરી શકીશ.

આટલું કહી મુનિવર મેઘાવી પોતાના પિતા મહર્ષિ ચ્યવનના આશ્રમે પહોંચી ગયા. તેમને આવેલો જોઈ ચ્યવને પૂછ્યું અરે દિકરા ! આ શું કર્યું ? તે તો પોતાના પુણ્યનો નાશ કરી નાખ્યો. મેઘાવી ઋષિ બોલ્યા : ‘‘ હે પિતાજી, મે મંજુઘોષા નામની અપ્સરા સાથે એટલું બધુ રમણ કર્યું કે કોઈ એવું પ્રાયાશ્ચીત બતાવો કે જેનાથી મેં કરેલા પાપનો નાશ થઈ જાય અને મારું જે પુણ્ય અને તપ હતું તે ફરી પાછું હતું એવું ને એવું થઈ જાય.

દિકરા ! ફાગણ કૃષ્ણપક્ષમાં જે પાપમોચની એકાદશી હોય છે ને ? તેનું વ્રત કરવાથી તારા જે પણ પ્રકારના પાપ હશે તે દરેક પ્રકારના પાપોનો નાશ થઈ જશે. પિતાનું આવું વચન સાંભળી મેઘાવીએ એ વ્રતનું અનુષ્ઠાન કર્યું. આનાથી તેનું પાપ નાશ પામી ગયું. ને તેઓ ફરીથી તપસ્યાથી પરિપૂર્ણ થઈ ગયા.

આ જ રીતે મંજુઘોષાએ પણ આ જ પાપમોચની એકાદશીનું ઉત્તમ પ્રકારનું વ્રત કર્યું અને આ પાપમોચની એકાદશીનું વ્રત કરવાને કારણે પિશાચ યોનિમાંથી મુક્ત થઈ દિવ્યરૂપ ધારિણી શ્રેષ્ઠ અપ્સરા બની સ્વર્ગલોકમાં પાછી ગઈ.

માટે હે રાજન ! જે શ્રેષ્ઠ પાપમોચની એકાદશીનું વ્રત કરે છે તેનું તમામ પાપ નષ્ટ થઈ જાય છે. અને વાંચવા અને સાંભળવાથી સહસ્ત્ર ગોદાનનું ફળ મળે છે. ભલે ને તેણે બ્રહ્મહત્યા કરી હોય કે, સોનાની ચોરી કરી હોય કે, સુરા મદિરાપાન કર્યું હોય કે પછી ગુરૂ પત્નિ પર ખરાબ નજર કરી તેમની સાથે સંભોગ કર્યો હોય તે આવા મહાપાપોથી પણ આ વ્રત કરવાથી મુક્ત થઈ જાય છે. કારણ કે આ વ્રતની જે એકાદશી છે આ એકાદશીનું નામ જ છે પાપમોચની એકાદશી એટલે કે પાપોનો નાશ કરનારી, પાપમુક્ત કરનારી આ એકાદશી છે.

       તો આ એકાદશી કરવી ખુબ જ આવશ્યક છે. કેમ કે આપણે જાણ્યે અજાણ્યે નાના-મોટા ઘણાં પ્રકારના પાપ કરતા હોઈએે છે. તો આ એકાદશી કે જે ફાગણ માસના કૃષ્ણપક્ષમાં આવે છે તે અવશ્ય કરશો અને કરેલા પાપોમાંથી મુક્તિ મેળવશો. તો આ એકાદશીનું વ્રત કરવાનું ભૂલશો નહિ.

આ વારતા નો વિડીયો જુવો:- https://youtu.be/lnk7mIu6HXI

                    જય શ્રીકૃષ્ણ.

Leave a Comment

gu Gujarati
X