પુજામાં મહત્વનું શું છે મુર્તિ કે શ્રધ્ધા?

જય માતાજી વાચક મિત્રો, દેવી દેવતાઓ પરની આપણી જે શ્રદ્ધા છે, તે તો કેટલે અંશે હોવી જોઈએ તેમજ આપણે જાણ્યે અજાણ્યે અંધશ્રદ્ધા તરફ દોરવાઈ જતા હોઈએ છીએ.

       આપણે જ્યારે જ્યારે પુજા પાઠ કરતા હોઈએ છીએ ત્યારે આપણા ઘરમાં જે પુજાસ્થળ હોય છે. ત્યાં આપણે આપણા કુળદેવી, ઈષ્ટદેવ, તેમજ આપણને શ્રદ્ધા હોય તેવા દેવી દેવતાઓના ફોટા કે મૂર્તિ રાખીએ છીએ. બરાબર, પણ તે શા માટે રાખીએ છીએ ?

આપણી અંદર રહેલી ભગવાન પ્રત્યેની શ્રદ્ધાને કારણે. આ શ્રદ્ધા ઉત્પન્ન ક્યાંથી થાય છે ? આપણા મન અને આત્માથી. અને મન શું છે ? મન એક વિચારશીલ પ્રકૃતિ ધરાવતું ચંચળ મન છે, તે આપણને જ્યાં ત્યાં ભટકાવ્યા કરે છે. મન વિશે હું તમને ભવિષ્યમાં ક્યારેક જણાવીશ.

       આત્મા શું છે ? આત્મા આપણા સમગ્ર શરીરને તેમજ આપણને વ્યવસ્થિત માર્ગદર્શન આપતું નિરાકાર તત્વ છે. જેમ કોઈ પણ વસ્તુને ઓપરેટ કરવા માટે ઓપરેટર હોય તેમ આત્માએ આપણા શરીરનો ઓપરેટર છે. અને આ ઓપરેટરની ભરતી આપણા શરીરમાં કોણે કરી ?

       પરમકૃપાળુ પરમાત્માએ. હવે આ પરમાત્માને કોઈએ પણ જોયા નથી એવી જ રીતે તેનાં ઓપરેટરો જે આપણા શરીરને ઓપરેટ કરે છે. તેણે પણ નથી જોઈ શકતા.

       એ જ રીતે આપણે આત્માને આત્મા સો પરમાત્મા કહીએ છીએ. શા માટે ?

       જીવમાત્રમાં પરમાત્માએ પુરેલા પોતાના સુક્ષ્મ અને નિરાકાર અંશ સમા આત્મા દ્વારા સંચાલન કરવામાં આવે છે, આત્મારૂપે ભગવાન આપણી સાથે છે. તો સૌ પહેલા આપણા ભરોસે સોંપેલા પરમાત્માના અંશ સમા આપણા આત્મા પર ભરોસો રાખવો અને આપેલી જીંદગીનાં દિવસોમાં જે ૨૪ કલાકનો દિવસ છે. તેમાં જાજો સમય નહીં, પણ ફક્ત રોજ સવારે કે સાંજે ફક્ત ને ફક્ત ૨૪ મિનિટ પરમાત્માના મુકેલા આપણા શરીરનાં ઓપરેટરની હાજરી પુરાવવી આવશ્યક છે.

જે હાજરી પુરવાનું સ્થળ છે. ઘરમાં બનાવેલું પુજાસ્થળ અને બહારની દુનિયામાં છે. મંદિર.

       મારો કહેવાનો મતલબ છે. જો આપણે પોતાના આત્મા પર શ્રદ્ધા રાખીને જીવનમાં આગળ વધીશું. તથા આત્મારૂપી પરમાત્મા મારી સાથે છે. એવું જો સતત વિચારશું. તો આપણું મન પણ આપણા પોતાના આત્મા સાથે એકરૂપ થઈ જાશે. ને જીવનમાં કોઈ દિવસ અંધશ્રદ્ધામાં નહી ફશાયે.

       તમે જોશો તો જેટલા પણ મહાત્મા થઈ ગયા છે તે દરેકે પોતાના આત્મા સાથે મનને એકરૂપ કરી નિરંજન નિરાકાર પરમાત્માના ખાસ એવા આત્મા પર જ શ્રદ્ધા રાખી હતી, તેથી મન પણ ચંચળ ન બનતા સ્થિર રહે.     

       અંધશ્રદ્ધામાં આપણે ત્યારે જ ફસાયે છે. જ્યારે આત્મા પર શ્રદ્ધા રાખવાને બદલે મન પર રાખીએ છીએ. કારણ કે આપણા શરીરનો એક ભાગ છે. જે સતત વિચાર કર્યા કરે છે. અને તે વિચારોના વમળમાં આપણે આવી જવાથી અંધશ્રદ્ધા તરફ દોરવાઈ જઈએ છે.

       ભગવાનના પુજાસ્થળમાં કેવા પ્રકારની મુર્તિ રાખવી કેવા ફોટા રાખવા આ બધું મનની ઉપજ છે. જે આપણને અંધશ્રદ્ધા તરફ લઈ જઈ પરમાત્માનાં સાચા રસ્તાથી વિમુખ કરી શકે છે.

       આપણે જે મુર્તિ કે ફોટા કે નિશાની રાખીએ છીએ. તે ફક્ત ને ફક્ત તે દેવી દેવતા પરની એક શ્રદ્ધાના ભાગરૂપે છે. તે રાખ્યા પછી જ્યારે પુજાપાઠ કરીએ ત્યારે મનમાં કોઈપણ પ્રકારનો સંકોચ ન રાખવો જોઈએ.

કેમ કે આપણે તે મુર્તિ કે ફોટો પરમાત્માની યાદરૂપે રાખીએ છીએ અને યાદરૂપે રાખેલી કોઈપણ વસ્તુની અંદર કોઈ ખામી નથી જોવાતી તો ભગવાનની યાદરૂપે રાખેલી મુર્તિ કે ફોટા કે અન્ય કોઈ વસ્તુની શા માટે ખામી શોધીએ છીએ ?

       જો આપણે ભગવાન પાસે હાજરી પુરાવવા આત્માને રાખશું તો કોઈ ખામી નહીં મળે. પણ જો મનને જ હાજર રાખીશું તો ઘણી બધી ખામીઓ દેખાશે.

       એકંદરે જોઈએ તો આ દુનિયામાં પરમાત્માએ જેટલા પણ જીવ મોકલ્યા છે. તે દરેકમાં આત્મારૂપી પરમાત્મા તેની સાથે છે જ. તો શા માટે મનમાં શંકા કુશંકા રાખવી ?

       પરમાત્માની ભક્તિ કરવા માટે ફક્ત તેના પરની શ્રદ્ધા આત્મા દ્વારા હોવી જરૂરી છે. કેમ કે એક જ્ઞાતિબંધુ બીજા જ્ઞાતિબંધુની વધારે ઓળખાણ રાખતો હોય છે, તેમ આત્મા આત્માને વધારે ઓળખતો હોવાથી પરમાત્મા જ આત્માને રસ્તો બતાવે છે.

       જ્યારે પણ આપણે કોઈ અસમંજસમાં ફસાયા હોઈએ છે ત્યારે વધારે પડતાં મનને જ પ્રાધાન્ય આપીએ છીએ. છતાં વચ્ચે આત્મા દ્વારા પરમાત્મા દખલગીરી કરીને સાચો રસ્તો ચીંધે છે. તે પણ ફક્ત એકાદ બે વાર એવું શા માટે થાય છે ? એવું એટલે થાય છે કે આપણે આપણા આત્મા કરતા આપણા મન પર વધુ શ્રદ્ધા રાખીએ છીએ. છતાં, પણ આત્મા આપણને વચ્ચે પડીને માર્ગદર્શન કરે છે.

       જે કોઈ પણ દેવી દેવતાની આરાધના કરવી હોય તેમાં તેની મુર્તિ, ફોટા કે નિશાનીનું મહત્વ જેટલું રાખો છો તેના કરતા તેના મંત્રોચ્ચાર અને તેના પરની શ્રદ્ધાને આત્માથી માણો તેનું ફળ અવશ્ય મળશે જ. શરૂઆતમાં તકલીફ પડશે. કેમ કે આપણને ચંચળ મનની વિચારવાની તાકાતને કંટ્રોલ થવામાં અને આત્મા સાથે મનને એકરૂપ કરવામાં સમય લાગી શકે છે. પરંતુ કોશિશ કરવાથી થઈ શકે છે.

       કોઈ પણ સાધના, આરાધના, કે જપ કરવામાં સૌથી વધારે મહત્વ છે. તેમા બોલાતા મંત્રોચ્ચારનું. મંત્રોચ્ચાર પુરી શ્રદ્ધાથી અને સ્પષ્ટ ઉચ્ચારથી કરવામાં આવે તો તે જરૂર ફળ આપે છે. ઘણાં ખરા સાધુ, સંત મહાત્માઓ એ શું મુર્તિ કે ફોટા નિયમોથી ખરીદ્યા હોય છે ?

ઘણાં ખરા મહાત્માઓ તો ફક્ત પોતાના આત્મબળથી જ પુજાય છે. તેને ત્યાં પણ મુર્તિ, ફોટા ભગવાનનાં જોવા મળે છે. પણ ફક્ત યાદરૂપી હોય છે. પણ વધુ મહત્વ હોય છે. પરમાત્મા પ્રત્યેની આત્મા અને મનની, શ્રદ્ધા અને સતત પરમાત્મામય બની રહેવું.

       સંસારમાં રહી સંસાર ચલાવતા પુરી રીતે તો પરમાત્મામય ના બની શકીએ. પણ, ફક્ત જો ૨૪ કલાકમાંથી ૨૪ મિનિટ પણ ભગવાનનું ધ્યાન, પુજા-પાઠ માટે કાઢીએ ને તો પણ પરમાત્મા આપણા આત્માની હાજરી પુરીને એક હોંશિયાર વિદ્યાર્થી તરીકે તૈયાર કરી દેશે.

       તો આવો આજથી જ ભગવાનના સ્થાન કે મંદિરરૂપી ક્લાસમાં ૨૪ મિનિટ હાજરી પુરાવવાનું શરૂ કરીએ ને પરમાત્માનાં નંબર વન વિદ્યાર્થી બની જીવન સુધારીએ.

આ લેખનો વિડીયો જુવો:-https://youtu.be/Ih6n94VbYOQ

       અસ્તુ.

Leave a Comment

gu Gujarati
X