બુધવારનું વ્રત । Wednesday fast

આપણે ઘણીવાર ઘરનાં વડીલો પાસેથી સાંભળતા હોઈએ છીએ કે બુધવારે દીકરીને વળાવાય નહિ કે વિદાય કરાય નહિ તો એવું શા માટે કહેવાય છે. તે આજે તમને આ રોચક કહાની દ્વારા જાણવા મળશે.

         એક સમયની વાત છે. કોઈ એક નગરમાં એક ધનવાન વેપારી રહેતો હતો તેનાં લગ્ન નગરની ગુણવાન અને શુશીલ ને સુંદર યુવતી સાથે થયા હતાં, એકવાર તે પોતાની પત્નીને તેડવા બુધવારે સાસરિયામાં ગયો અને પત્નીના માતા-પિતા એટલે કે સાસુ-સસરાને પત્નીને વિદાય કરવા કહ્યું પણ સાસુ-સસરાએ કહ્યું, -બેટા આજે બુધવાર છે. બુધવારે કોઈપણ શુભ કાર્ય માટે યાત્રા કરાય નહિ પણ તે માન્યો નહિ ને કહેવા લાગ્યો- છોડો આ બધુ, આ તો ખોટા વહેમની વાર્તા કહેવાય હું એવું બધુ કાંઈ માનતો નથી- આ યુવક હશે આધુનિક વિચારવાળો એટલે માન્યો નહિ.

       યુવક તેની પત્નીને લઈને બળદગાડું લઈ યાત્રા પ્રારંભ કરી. હજી બે કિલોમિટર ગાડું ચાલ્યું હશે ત્યાં ગાડાનું એક પૈડું તુટી ગયું, તો ત્યાંથી બંનેએ પગપાળા યાત્રા ચાલું કરી. ચાલતા-ચાલતા રસ્તામાં પત્નીને તરસ લાગી તો યુવક તેને એક ઝાડ નીચે બેઠાડીને પાણી લેવા ગયો.

       થોડીવાર પછી જ્યારે તે ક્યાંકથી પાણી ભરીને પાછો આવ્યો તો તે ખુબ જ ખરાબ રીતે હેરાન થઈ ગયો. કેમકે, એની પત્ની પાસે એના જેવી જ સકલસુરતનો એક બીજો યુવક બેઠોતો. બંને બદલ્યા બદલાઈ જાય તેમ હતાં. પત્ની પણ યુવકને જોઈ હેરાન થઈ ગઈ. એ બંનેમાંથી તેનો સાચો પતિ કોણ છે તે નક્કી કરી શકી નહિ. યુવકે બીજા હમશકલ યુવકને પૂછ્યું – તું કોણ છે. ને મારી પત્ની પાસે કેમ બેઠો છે. -યુવકની વાત સાંભળી હમશકલે કહ્યું – અરે ભાઈ ? આ મારી પત્ની છે. મારી પત્નીને સાસરેથી લઈને મારા ઘરે જાઉં છું. પણ તું કોણ છે ? મને આવો પ્રશ્ન કરવાવાળો ?

       પેલો યુવક બરાડા પાડીને કહેવા લાગ્યો. તુ જરૂર કોઈ ચોર ઠગ બહૂરૂપિયો લાગે છે. આ મારી પત્ની છે. હું એને આ ઝાડ નીચે બેસાડીને પાણી લેવા ગ્યો તો – તો ઓલા હમશકલે કહ્યું અરે ! ખોટું તો તું બોલે છે. મારી પત્નીને તરસ લાગતા પાણી ભરવા તો હું ગ્યો તો ને પાણી લાવી પાણી પણ મેં જ પીવડાવ્યું છે, હવે તું છે ને છાનોમાનો અહીંથી ચાલતો થા. ચાલ, નહીં તો કોઈ સિપાહીને બોલાવીને પકડાવી દઈશ.

       બંને આ રીતે એકબીજાથી લડવા માંડ્યા. આ જોઈ આસપાસમાંથી લોકોનું ટોળું જમાં થઈ ગયું. આમાં નગરના સિપાહી પણ આવી ગયા હતાં. સિપાહી આ બંને યુવકોને રાજા પાસે લઈ ગયા તેની પત્ની સાથે રાજાએ આખી હકીકત સાંભળી પણ રાજા કોઈ નિર્ણય લઇ શક્યા નહી, પત્ની પણ પોતાના વાસ્તવિક પતિને ઓળખી શકી નહીં, રાજાએ  આ બંને યુવકને જેલમાં નાખવાં કહ્યું આ સાંભળી અસલી યુવક ડરી ગયો. ત્યારે આકાશવાણી થઈ કે હે યુવક ! તે તારા સાસુ-સસરાની વાત માની નહી, અને બુધવારનાં દિવસે સાસરેથી નીકળ્યો તેથી આ બધો પ્રકોપ તારા પર ભગવાન બુદ્ધદેવનો ઉતર્યો છે. તેથી તારી સાથે આ ઘટના બની છે.

       યુવકે ભગવાન બુદ્ધદેવને પ્રાર્થના કરી કે હે ભગવાન બુદ્ધદેવ ! મને ક્ષમા કરી દ્યો. મારાથી ખરેખર બહુ મોટી ભૂલ થઇ ગઈ છે. ભવિષ્યમાં હું કોઈ દિવસ બુધવારે આ પ્રકારની યાત્રા નહી કરું અને દર બુધવારે તમારું વ્રત કરીશ. – યુવકની પ્રાર્થના સાંભળી ભગવાન બુદ્ધદેવ પ્રસન્ન થયા ને ક્ષમા આપી દીધી ત્યારે બીજો યુવક રાજા પાસેથી ગાયબ થઈ ગયો. રાજા અને બીજા લોકો આ ચમત્કાર જોઈ આશ્ચર્ય પામ્યા. ભગવાન બુદ્ધદેવની કૃપાથી રાજાએ યુવકને તેની પત્ની સહિત સમ્માનપૂર્વક વિદાય આપી.

       થોડેક દૂર ગયા તો ત્યાં તેની બડદગાડી મળી ગઈ. તેનું પૈડું પણ તુટેલું હતું તે જોડાયેલું હતું. બંને તેમાં બેઠી પોતાના નગર તરફ રવાના થયાં. યુવક તેની પત્ની સાથે બુધવારનું વ્રત કરતા આનંદ પ્રમોદથી જીવવા લાગ્યાં. ભગવાન બુદ્ધદેવની કૃપાથી એના ઘરમાં ધન સંપત્તિનો વરસાદ થવા લાગ્યો ને એના જીવનમાં ખુશી ખુશી પથરાઈ ગઈ. બુધવારનું વ્રત કરવાથી સ્ત્રી પુરૂષના જીવનમાં દરેક મંગલકામના પૂરી થાય છે.

આ વ્રત કથા ની વિડિઓ જોવા અહીં ક્લિક કરો:- https://youtu.be/m72WDZ5bYeA

Leave a Comment

gu Gujarati
X