ભીમ અગિયારસ / નિર્જળા એકાદશી

એક વર્ષની ચોવીસ અગીયારસમાં જે ખૂબ જ પૂણ્યકારક અને શ્રેષ્ઠ એકાદશી હોય તો તે છે નિર્જળા એકાદશી જેઠ સુદ ૧૧. આ એકાદશી માતા કુંતાજી પોતાના પાંચે પુત્રોને નિર્જળા એટલે કે જળ પણ નહીં પીવાનું તેવી કરાવતા હતા. પરંતુ ભીમસેન આ એકાદશી કરી શકતા નહીં. પરંતુ  યેન કેન પ્રકારે માતા કુંતાજી ભીમ પાસે આ એકાદશી આવતી હોવાથી ભીમસેનને કહ્યુ જાવ આજે અગિયારસ છે યમુનાજીમાં સ્નાન કરી આવ. અમે તો વહેલા સ્નાન કરી આવ્યા છીએ અને પ્રભુભજન કરી લીધું છે. ભીમસેને કહ્યું મા પહેલા ખીચડી ખાશુ, જમુના નાશુ ખીચડી ખાશુ, જપતો જપતો જમુનાજીમાં સ્નાન કરવા માટે નીકળી ગયો. પરંતુ ખાવાની ધુનમાં ને ધુનમાં જમુનાજીનો રસ્તો ભૂલી ગયો. અને અવળે રસ્તે ચડી ગયો. રસ્તામાં એક નાની તલાવડી આવી અને એક શિવમંદિર આવ્યું.

       મધ્યાહનનો સમય હતો. ભીમે જાણ્યું આ જમુનાજી જ છે. એમ સ્મરણ કરીને ઝંપલાવ્યુ તલાવડીનું બધું જ પાણી શિવ મંદિરમાં ભરાયું. આથી માતા પાર્વતીજી શિવને પૂછે છે, પ્રભુ.. ! આપણા મંદિરમાં આટલું બધું પાણી કેમ ભરાયુ, ત્યારે શિવજી કહે છે ‘દેવી! મારો એક ભક્ત તલાવડીમાં નહાવા પડ્યો છે તેથી આ પાણી આપણા મંદિરમાં આવ્યું છે, હવે આનો એક જ ઉપાય છે. હું સિંહ બનું છુ અને તમે ગાય બનો. તમને મારવા માટે હું દોડીશ એટલે ભીમસેન ને થશે આજે અગિયારસને દિવસે ગાયને મરવા ન દેવાય. આથી તે ઉભો થશે મને પકડવા અને તુરત જ પાણી બધું મંદિરમાંથી ઉતરી જશે.’

       આમ કહીને સિંહરૂપી શિવ પાર્વતીરૂપી ગાયને મારવા દોડ્યા. તેથી ભીમસેને ઉઠીને સિંહને પકડી લીધો. પરંતુ સિંહના નખથી ભીમનું ડાબું પડખું આખું ચીરાઈ ગયું તેથી ભીમસેન પૂંછડી પકડીને સિંહને મારવા જાય કે તુરત જ મહાદેવજી  પ્રસન્ન થયા. ભીમને દર્શન આપી ડાબા પડખા ઉપર હાથ ફેરવીને વજ્ર જેવું લોખંડી બનાવી દીધું.

       શિવ કહે છે, હે ભીમસેન..! બીજું જે જોઈએ તે વરદાન માંગો. ભીમ કહે છે. ‘ વરદાન આપો મુજને હું ઝાઝો જોરાવર થાઉં, મ્હારી નજરે જેટલું દેખું તેટલું અન્ન ખાઉં. મહાદેવજીએ કહ્યું તથાસ્તુ. બીજું વરદાન માગ.

       ભીમે બીજું વરદાન માંગ્યું,‘કાચું ખાઉં, રોગ જરા નવ થાય, મ્હારાવતીનો શકુની મામો, ઝાડે ફરવા જાય, મહાદેવજી બોલ્યા અલ્યા ભોજન તું કરીશ અને દિશાએ જવા મામા જાય ? ભીમ કહે મારો શકુનિ મામો એને જ લાયક છે.

       આમ શિવ દર્શન કરી વરદાન મેળવી ભીમસેન ઘરે આવે છે. માતા કુંતાજીને બધી વાત કરે છે મા કહે છે, શિવે આજે મને એકાદશી કરવાની કહી છે. આમ ભીમસેન જ્યારથી આ એકાદશી કરી ત્યારથી તેને ભીમ અગિયારસ કહેવામાં આવે છે. તાત્વિક રીતે તે નિર્જળા એકાદશી કહેવાય છે.

આ વિડીયો જોવા અહીં કલીક કરો:- https://youtu.be/5CgYWqoHkCA

Leave a Comment

gu Gujarati
X