મંગળવારનું વ્રત । Tuesday fast

મંગળવારનું વ્રત કઈ રીતે કરવું અને તેનું મહત્વ સાથે મંગળવારનું માહાત્મ્ય દર્શાવતી વાર્તા પણ આજે આપણે જોઈશું. સૌ પ્રથમ જોઈશું મંગળવારનાં વ્રત નિયમ વિધિ ત્યારબાદ વ્રત કરવાથી શું ફળ મળે છે. તે તે પછી વ્રતની વાર્તા કરીશું.

       મંગળવારનું વ્રત કોઈપણ મહિનાનાં શુક્લપક્ષ એટલે કે સુદ અંજવાળીયાના પહેલાં મંગળવારથી શરૂ કરી શકાય છે. તે ૨૧ અથવા ૪૫ મંગળવાર સુધી કરી શકાય છે.

       મંગળવારના દિવસે સવારે વહેલાં ઊઠી નિત્યકર્મ પતાવી સ્નાન કરી, તેલનો દીવો ને લાલફુલની માળા લઈ હનુમાનજીના મંદિરે જઈ હનુમાનદાદાને અર્પણ કરવું, ત્યારબાદ હનુમાન મંદિરે બેસીને યથાશક્તિ આ બિજ મંત્રનો જાપ કરવો. જે આ પ્રમાણે છે.

‘‘ૐ ક્રાં ક્રીં ક્રૌં સ: ભોમાય નમ:’’

       આ દિવસે ભોજનમાં ઘઉંના લોટ અને ગોળ, ઘી નો શીરો બનાવવો ભોજન કરતા પહેલાં ખુંટ અથવા બળદને થોડોક શીરો ખવડાવવો. વ્રત કરનારે ભોજન કરવું પણ ભોજનમાં નિમકનો ઉપયોગ કરવો નહીં. છેલ્લાં મંગળવારે નાનકડો હવન કરવો તે પછી નાના બાળકોને મોદક, લાડવા કે શીરા સાથે ભોજન કરાવવું. દક્ષિણામાં લાલ વસ્ત્ર, ગોળ, નાળિયેર વિગેરે આપવું.

       વ્રતનાં દિવસે પાણી, દરેક જાતનાં ફળ, દુધ અથવા દુધની મિઠાઈ તેમજ કોઇ બિમારી હોય તો તેની દવા લઈ શકાય છે. પરંતુ વ્રતના દિવસે એકવાર પણ પાન, માવો, કે ધુમ્રપાન દારૂ જેવા નસીલા પદાર્થોનું સેવન કરવું નહી, તેમજ સ્ત્રી સાથે સંભોગ કરવો નહી તે દિવસે સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળવું જરૂરી છે. આ વ્રત કોઈપણ સ્ત્રી પુરૂષ કરી શકે છે. હવે આપણે જોઈએ મંગળવારનાં વ્રતની વાર્તા. પહેલાંના જમાનામાં ઋષિનગરમાં કેશવદત બ્રાહ્મણ તેની પત્ની અંજલી સાથે રહેતો હતો. કેશવદતને ધનસંપત્તિની કોઈ કમી હતી નહી.

       બધા લોકો કેશવદતનું સન્માન કરતા હતાં. પણ કેશવદતને કોઈ સંતાન ન હોવાને કારણે કેશવદત ચિંતિત રહેતો હતો. પુત્રપ્રાપ્તિ માટે બંને પતિ-પત્ની દરેક મંગળવારે હનુમાનજીનાં મંદિરે જઈ વિધિવત પુજા કરતા હતાં.

       આમને આમ વિધિવત પુજા કરતાં-કરતાં ઘણાં વર્ષો વીતી ગયા તો પણ કોઈ સંતાન પ્રાપ્તિ થઈ નહીં. તેથી કેશવદત નિરાશ થઈ થયો તો પણ તેણે વ્રત કરવાનું છોડ્યું નહીં. થોડાક દિવસો બાદ પવનપુત્ર હનુમાનજીની સેવા કરવા ઘરબાર છોડી જંગલમાં ચાલ્યો ગયો. અને અહીં ઘેર રહી પત્ની મંગળવારનું વ્રત કરતી રહી. આ રીતે બંન્ને પતિ-પત્ની પુત્રપ્રાપ્તિની ઈચ્છાથી મંગળવારનું વ્રત વિધિવત કરવા લાગ્યાં.

       એકવાર મંગળવારના દિવસે અંજલીએ વ્રત તો કર્યું પણ, કોઈક કારણોસર તે દિવસે ભગવાનને ભોગ લગાવી શકી નહીં અને સૂર્યાસ્ત બાદ તે ભુખી સુઈ ગઈ એટલે તેણે ત્યારે બીજા આવતા મંગળવારે ભોગ લગાવીને પછી જ ભોજન કરવું તેવો નિયમ લઈ લીધો. આ નિયમને કારણે અંજલી છ દિવસ સુધી ભુખી તરસી રહી. સાતમે દિવસે મંગળવારે ભોગ લગાવ્યો. પણ તે ના લગાવી શકીને બેહોશ થઈ ગઈ કેમ કે અંજલી સાત દિવસ ભુખી તરસી હતી.

       અંજલીની ભક્તિ જોઈ હનુમાનજી પ્રસન્ન થયા ને તેની બેહોશીમાં સપનામાં આવીને કહ્યું – ઊઠો પુત્રી હું તારી પુજાથી પ્રસન્ન થયો છું. અને તને સુંદર ને સુયોગ્ય પુત્ર થાય તેવું હું વરદાન આપું છું – આટલું કહી પવનપુત્ર હનુમાનજી અંતરધ્યાન થઈ ગયા. તરત જ અંજલીએ ઊઠીને હનુમાનજીને ભોગ લગાવ્યો અને પછી પોતે ભોજન કર્યું. હનુમાનજીનાં વરદાનને કારણે અંજલીને એક સુંદર બાળકને જન્મ આપ્યો. આ બાળકનો જન્મ મંગળવારે થયો એટલે તેનું નામ મંગલપ્રસાદ રાખ્યું. થોડાંક દિવસો પછી કેશવદત ફરી પાછો ઘેર આવ્યો. ઘેર આવ્યો આવીને જોયું તો મંગળપ્રસાદને જોયો એટલે તેણે અંજલીને પૂછ્યું – આ સુંદર બાળક કોનું છે ? અંજલીએ ખુશ થતાં હનુમાનજીનાં વ્રતથી હનુમાનજીના દર્શન તથા મળેલા વરદાનની વિગતવાર વાત કરી. પણ કેશવદતને તેની વાતનો વિશ્વાસ થયો નહીં. તેના મનમાં ખરાબ વિચાર આવવા માંડ્યા કે અંજલીએ મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે. અને પોતાના પાપને છુપાવવા માટે ખોટું બોલે છે.

       કેશવદતને એ બાળકને મારી નાંખવાનો વિચાર આવ્યો ને યોજના ઘડી કાઢી. એક દિવસ સ્નાન કરવા માટે કેશવદત કુવા પર ગયો. મંગળ પણ તેની સાથે ગયો. કેશવદતે મોકો જોઈ મંગળને કુવામાં ફેંકી દીધો અને ઘર પર આવીને બહાનું કર્યું કે – મંગળ તો મારી પાસે કુવા પર આવ્યો જ નથી – હજી કેશવદત આટલું બોલ્યો ત્યાં જ મંગળ તો દોડતો ઘરમાં આવ્યો.

       કેશવદત મંગળને જોઈને ખરેખરનો હેરાન થઈ ગયો. એ જ રાત્રે હનુમાનજીએ કેશવદતને સપનામાં દર્શન દીધાં ને કહ્યું – તમારાં બંન્નેના મંગળવારનાં વ્રત કરવાને કારણે પ્રસન્ન થઈને પુત્રજન્મનું વરદાન મેં આપ્યું હતુ તો પછી તું તારી પત્નીને કુલટા શા માટે સમજે છે ? – આટલું કહી હનુમાનજી અંતરધ્યાન થઈ ગયા ને કેશવદતની ઊંઘ ઉડી ગઈ ને એ જ સમયે પોતાની પત્ની અંજલીને જગાડીને સઘળી હકીકત કહી સંભળાવી. કેશવદતે પોતાના દિકરાને હ્રદય સરખો ચાંપીને વહાલ કરવા લાગ્યો. તે દિવસથી બધા આનંદથી રહેવા લાગ્યા.

       મંગળવારનું વ્રત કરવાથી કેશવદત અને તેનાં પરિવારના દરેક પ્રકારનાં કષ્ટ દુર થયાં. આ રીતે જે પણ સ્ત્રી પુરૂષ વિધિવત મંગળવારનું વ્રત કરે છે. અને વ્રત કથા સાંભળે છે. અંજનીપુત્ર હનુમાનજી એના દરેક પ્રકારનાં કષ્ટો દુર કરીને ધન-સંપત્તિનો ભંડાર ભરી દે છે. અને શરીરના દરેક પ્રકારનાં રોગોનો નાશ કરે છે. મંગળનો અશુભ પ્રભાવ પણ દુર થાય છે. મંગળવારનું વ્રત ખુબ જ ફળદાયી છે.

                     બોલો હનુમાન દાદાની જય

Leave a Comment

gu Gujarati
X