મોબાઈલ શાપ કે અભિશાપ / Mobile shap ke abhishap

આજકાલ મોબાઈલનું જેટલું પ્રચલન વધી રહ્યું છે. એટલું જ માણસ માત્રના મન પર માનસીક બિમારીઓ વધવા માંડી છે. માણસોને જેમ તમાકુ, દારૂ, બીડી વિગેરેનું જેમ વ્યસન હોય છે તેમ મોબાઈલનું વ્યસન પણ થઈ ગયું છે.

       પણ આ વ્યસન તો નાના-મોટા દરેકને થઈ ગયું છે. જ્યારે દારૂ બીડી વિગેરેનું વ્યસન તો અમુકને હોતુ નથી પણ આ મોબાઈલ, મોબાઈલનું વ્યસન તો બાળક જન્મે ત્યાંથી લઈ માણસ વૃદ્ધ થતાં સુધી દરેકને હોય છે. એ પણ કેવું ? કે જો મોબાઈલ સાથે ના હોય તો કંઈક ખાલીપો મહેસુસ થાય. જાણે જીવનમાં કાંઈક ઘટી રહ્યું છે. જાણે જીવનસંગાથીથી દૂર થઈ જવાયું હોય.

       મોબાઈલનું આવું વ્યસન થવા પાછળનાં અમુક કારણો છે. જે હું તમને આજે જણાવું છું.

       સૌ પ્રથમ નાના બાળકોમાં મોબાઈલનું વ્યસન જોયે તો બાળક જન્મે ત્યારથી તે મોબાઈલથી રમે છે. પણ જો મોબાઈલ તેની પાસેથી લઈ લેવામાં આવે તો તે એવું રડે છે. જાણેે બાળક મા થી વિખુટુ પડી ગયું હોય.

       પહેલાંના સમયમાં એેટલે કે આજના નજીકનાં દશ પંદર વર્ષ પહેલાં પણ માતા બાળકને સુવાડતી તો હાલરડા ગાઈને સુવાડતી, જેમ કે તમે શિવાજીનું હાલરડું સાંભળ્યું હશે એ હાલરડું જીજાબાઈ ગાઈને શિવાજીને સુવાડતા ને વિરતાનું સિંચન કરતાં જેથી શિવાજી એક મહાન રાજપુત રાજા બની શક્યા હતાં. ત્યારપછીના જે હાલરડા હતા તે બહુ જ મીઠાં અને બાળકના મનને પ્રફુલ્લિત કરે તેવા હતાં. પણ, હમણાં જો આપણે જોઈએ તો લગભગ માતાઓ બાળકોને હાલરડા ગાઈને સુવાડતી જ નથી કારણ કે, તેને આવડતા જ નથી તે ગાય, તેઓ એ આઈડિયા લગાવીને મોબાઈલમાં પોતાની મન પસંદગીનું સોંગ લગાવી બાળકનાં  ઘોડિયામાં મુકીને બે ચાર હિંચકા નાખે એટલે તે બાળક સુઈ જાય અને માતા પોતાનું કામ કરી લે.

       આમ થવા પાછળનું કારણ જોઈએ ને તો આપણાં શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે, ‘‘ અન્ન એવો ઓડકાર.’’

       પહેલા જ્યારે સ્ત્રી ગર્ભવતી થતી ત્યારે તેને ધાર્મિક ગ્રંથો વંચાવતા અથવા ધાર્મિક સત્સંગ કરતા કે કરાવતા. જ્યારે અત્યારે સ્ત્રી કુંવારી હોય કે સમજણી થઈ હોય ત્યારથી સતત તે મોબાઈલ પાછળ જ પાગલ હોય છે. હવે જ્યારે તે સગર્ભા થાય ત્યારે શું થાય ? આદતથી મજબુર. મોબાઈલ છુટતો નથી અને એ મોબાઈલની લતના કારણે ગર્ભમાં રહેલ બાળક પર અસર પડે છે. ને તે બાળકનો જન્મ થાય એટલે તે મોબાઈલના અવાજથી સૂઈ શકે અને મોબાઈલને જ ઓળખે. તેમ બાળકને માતાનાં ગર્ભમાંથી જ આ વ્યસન લોહીમાં ભળી જતું હોય છે.

       આપણે ઘણીવાર અનુભવ કરતાં હોઇએ છે. કે જે કામ મોબાઈલમાં આપણે મોટા નથી કરી શકતા એ કામ નાના બાળકો ફટાકે કરી આપે છે. આ ઝડપી જમાનામાં જે બાળકો જન્મે છે. તે પણ દર બાળકે એક નવી જ જનરેશન અપડેટ થઈને જન્મતી હોય તેવું દ્રશ્યમાન થાય છે.

       બાળક જેમ-જેમ મોટુ થતું જાય તેમ-તેમ મોબાઈલ પર નિર્ભર થતું જાય છે. અરે ત્યાં સુધી નિર્ભર થઈ ગયું છે. અત્યારનું બાળક કે પહેલાં જેમ ગીલીદંડો, કેરમ, ક્રીકેટ વિગેરે જેે જાતે રમતા તે મોબાઈલમાં રમતા થયા છે. ને પોતાનું સ્વાસ્થ્ય બગાડી રહ્યા છે. એની પાછળ ખુદ મા-બાપ જવાબદાર છે.

       ખરેખર તો મા-બાપે બાળકના જન્મથી પંદર વર્ષનું થાય ત્યાં સુધી મોબાઈલ આપવો જ ના જોઈએ.

       બાળક જ્યારે યુવાન થાય ત્યારે તે સોશિયલ મિડિયા પર પોતાનું સ્થાન બનાવવા તત્પર થાય છે. તે એટલે સુધી તત્પર હોય છે કે, પોતાની જાતને સોશિયલ મિડીયા પર અવ્વલ નંબર પર જોવા માંગતા હોય છે. જે આગળ જતા માનસિક બિમારીનું રૂપ ધારણ કરે છે. મોબાઈલ વગર ના ચાલવું એ પણ એક માનસિક બિમારી જ કહેવામાં આવે છે.

       આજના સમયમાં દરેક કામ ઓનલાઈન થવા માંડ્યા છે. ત્યારે નોકરિયાત વર્ગ માટે ઘણું ખરું કાર્ય ઓનલાઈન થવાને લીધે તેને મોબાઈલ વગર જરાય ચાલતું નથી. એ જ રીતે ધંધાદારી લોકોમાંં પણ મોબાઈલ એક આગવું મહત્વ ધરાવે છે, જેમ કે, ઓનલાઈન વસ્તુનો ભાવ જાણવો, પોતાની વસ્તુઓ ઓનલાઈન સ્ટોર પર વેંચવી વગેરે. અરે, ત્યાં સુધી કે સારા ખરાબ દરેક પ્રકારના ધંધામાં મોબાઈલ મહત્વનો ભાગ ભજવે છે.

       મોબાઈલ ખુબ જ સારૂ સાધન છે. પણ તમે કદી એ વિચાર્યું કે આ સાધને માનવજાતને કેટલી આળસું અને સ્થૂળ બનાવી મુકી છે. કેમ કે, કંઈ પણ કામ હોય, મનોરંજન હોય, ગેમ્સ હોય, સમાજના મેળાવડા હોય કે મિટીંગ હોય કોઈ કોઈ જગ્યાએ તો સગાઈ પણ મોબાઈલ દ્વારા ઓનલાઈન થવા માંડી છે. તે બધું આળસને આમંત્રણ આપવા બરાબર જ છે. ને શરીરને કષ્ટ આપતા નથી એટલે શરીર સ્થૂળતા પકડે છે. માનવશરીરને બેડોળ દેખાવ આપે છે. જે આપણે જોઈએ જ છીએ.

       એકંદરે જોઈએ તો મોબાઈલ આવવાથી લોકોના કાર્ય ઘણાં જ સરળ થઈ ગયા છે. એમ તેની સામે લોકો આળસભર્યુ જીવન જીવતા થઈ ગયા છે.

       ક્યારેક તમે એક મહિનો મોબાઈલ વગર જીવી ને જુવો એવું લાગશે કે જાણે કોઈ જ પ્રકારનું ટેન્શન જીવનમાં ના હોય. ખરેખર મજા આવશે. એકવાર ટ્રાય કરો પછી મને નીચે કોમેન્ટમાં જણાવશો. મેં ટ્રાય કરી છે.

       મારા માનવા મુજબ મોબાઈલનો ઉપયોગ જરૂર પુરતો જ કરો, જે કામ પોતાની જાતે થઈ શકતું હોય તે જાતે કરો. શારીરિક રમતો જાતે જ ખેલો જેનાથી શરીર પણ તંદુરસ્ત અને સુડોળ બનશે. જીમ જવાની જરૂર નહી પડે. મેળાવડા પણ પહેલાની જેમ જ યોજવા જોઈએ. જે હજુ પણ ઘણી જગ્યાએ જોવા મળે છે. જે બહુ સારુ કહેવાય.       

ટૂંકમાં કહું તો મોબાઈલને ફક્ત અગત્યની જરૂરિયાત પુરતો જ વાપરવાની કોશિશ કરો, નહિ કે બેફામ વાપરવો.

ને એક મોબાઈલ મેનિયા ની બિમારીના શિકાર થઈ શારિરીક, માનસિક સમતુલા ગુમાવી બેસીએ…….

વિડીયો જુવો:- https://youtu.be/Ih6n94VbYOQ

Leave a Comment

gu Gujarati
X