વિજયા એકાદશી । Vijya Ekadashi

એકવાર યુધિષ્ઠિરે પૂછ્યું, વાસુદેવ ! મહા માસના કૃષ્ણપક્ષમાં ક્યા નામની એકાદશી હોય છે ? કૃપા કરીને જણાવશો.

        ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા – બોલ્યા એકવાર નારદજીએ કમળના આસન પર બિરાજમાન થનારા બ્રહ્માજીને પ્રશ્ન કર્યો – ‘સુરશ્રેષ્ઠ ! મહાના કૃષ્ણપક્ષમાં જે ‘વિજયા’ નામની એકાદશી હોય છે, કૃપયા તેના પુણ્યનું વર્ણન કરશો. ’

        બ્રહ્માજીએ કહ્યું – નારદ ! સાંભળો – ‘ હું એક ઉત્તમ કથા સંભળાવું છું, જે પાપોને દૂર કરનારી છે. આ વ્રત ઘણું જ પ્રાચીન, પવિત્ર અને પાપનાશક છે. આ ‘વિજયા’ નામની એકાદશી રાજાઓને વિજય પ્રદાન કરે છે, ભગવાન શ્રીરામચંદ્રજી ચૌદ વર્ષને માટે વનમાં ગયા અને ત્યાં પંચવટીમાં સીતા તથા લક્ષમણની સાથે રહેવા લાગ્યાં. ત્યાં રહેવાના સમયે રાવણે ચપળતાપુર્વક વિજયાત્મા શ્રીરામની તપસ્વીની પત્ની સીતાનું હરણ કરી લીધું. એ દુ:ખથી શ્રીરામ વ્યાકુળ થઈ ગયા. એ સમયે સીતાની શોધ કરતા રહીને તેઓ વનમાં ફરવા લાગ્યા. થોડે દૂર જવાથી તેમને જટાયુ મળ્યા, જેમનું આયુષ્ય પૂરૂં થઈ ચુક્યું હતું. ત્યાર બાદ તેમણે વનમાં કબન્ધ નામના રાક્ષસનો વધ કર્યો. પછી સુગ્રીવ સાથે તેમની મિત્રતા થઈ. તે પછી શ્રીરામને માટે વાનરોની સેના એકઠી થઈ.

હનુમાનજીએ લંકાના ઉદ્યાનમાં જઈને સીતાજીના દર્શન કર્યા અને તેમને રામની ચિહ્નસ્વરૂપ મુદ્રિકા આપી. આ તેમણે મહાન પુરૂષાર્થનું કામ કર્યું હતું. ત્યાંથી પાછા ફરીને તેઓ શ્રીરામચંદ્રજીને મળ્યા અને લંકાના બધા સમાચાર આપ્યાં. હનુમાનજીની વાત સાંભળીને શ્રીરામે સુગ્રીવની અનુમતિ લઈ લંકા તરફ જવાનો વિચાર કર્યો અને સમુદ્રને કિનારે પહોંચીને તેમણે લક્ષ્મણને કહ્યું – ‘સુમિત્રાનંદન ! ક્યા પુણ્યથી આ સમુદ્રને પાર કરી શકાય છે ? આ અત્યંત અગાધ અને ભયંકર જળતંતુઓથી ભર્યો છે. મને એવો કોઈ ઉપાય નથી દેખાતો, જેનાથી આને સહેલાઈથી પાર કરી શકાય.’

        લક્ષ્મણ બોલ્યા – મહારાજ ! આપ જ આદિદેવ અને પુરાણપુરૂષ પુરૂષોત્તમ છો. આપનાથી શું છુપું છે ? અહીંયા દ્વીપની અંદ બક્દાલ્ભ્ય નામના મુનિ રહે છે. અહીંયાથી અડધા યોજન દૂર તેમનો આશ્રમ છે. રઘુનંદન ! એ પ્રાચીન મુનીશ્વરની પાસે જઈ તેમને જ આનો ઉપાય પૂછશો.

        લક્ષ્મણની આ ઘણી સુંદર વાત સાંભળીને શ્રીરામચંદ્રજી મહામુનિ બક્દાલ્ભ્યને મળવાને માટે ગયા. ત્યાં પહોંચીને તેમણે મસ્તક નમાવીને મુનિને પ્રણામ કર્યા. મુનિ તેમને જોતાં જ ઓળખી ગયા કે આ પુરાણ પુરૂષોત્તમ શ્રીરામ છે, જેઓ કોઈ કારણવશ માનવ-શરીરમાં અવતાર લીધો છે. તેમના આવવાથી મહર્ષિને ઘણી પ્રસન્નતા થઈ. તેમણે પૂછ્યું – ‘શ્રીરામ ! આપનું કેવી રીતે અહીંયાં આગમન થયું ?’

        શ્રીરામ બોલ્યા – બ્રહ્મન ! આપની કૃપાથી રાક્ષસો સહિત લંકાને જીતવાને માટે સેનાની સાથે સમુદ્રના કિનારે આવ્યો છું. મુને ! હવે જેવી રીતે સમુદ્ર પાસ કરી શકાય તે ઉપાય બતાવો. મારા પર કૃપા કરો.

        બક્દાલ્ભ્યએ કહ્યું – શ્રીરામ ! મહાના કૃષ્ણપક્ષમાં જે ‘વિજયા’ નામની એકાદશી હોય છે, તેનું વ્રત કરવાથી આપનો વિજય થશે નક્કી જ આપ પોતાની વાનરસેનાની સાથે સમુદ્રને પાર કરી લેશો. રાજન ! આ વ્રતની ફળદાયક વિધિ સાંભળો, દશમીનો દિવસ આવવાથી એક કળશ સ્થાપિત કરવો. તે સોના, ચાંદી, તાંબા અથવા માટીનો પણ હોઇ શકે છે. તે કળશને પાણીથી ભરીને તેમાં પલ્લવ નાંખી દેવા. તેના ઉપર ભગવાન નારાયણના સુવર્ણમય વિગ્રહની સ્થાપના કરવી. પછી એકાદશીના દિવસે સવારે સ્નાન કરવું. કળશને ફરીથી સ્થિરતાપૂર્વક સ્થાપિત કરવો. માળા, ચંદન, સોપારી તથા નાળિયેર વગેરે દ્વારા વિશેષરૂપે તેનું પૂજન કરવું. કળશની ઉપર સપ્તધાન્ય અને જવ રાખવાં. ગંધ, ધૂપ, દીપ અને જાતજાતનાં નૈવેદ્યથી પૂજન કરવું. કળશની સામે બેસીને તે આખો દિવસ ઉત્તમ કથા -વાર્તા વગેરે દ્વારા પસાર કરવો અને રાત્રે પણ ત્યાં જાગરણ કરવું. અખંડ વ્રતની સિદ્ધિને માટે ઘીનો દીપક સળગાવવો. પછી દ્વાદશીના દિવસે સૂર્યોદય થવાથી એ કળશને કોઈ જળાશયની નજીક નદી, ઝરણું કે તળાવના કિનારે લઈ જઈ સ્થાપિત કરવો અને તેની વિધિવત પૂજા કરીને દેવપ્રતિમા સહિત એ કળશને વેદવેત્તા બ્રાહ્મણને માટે દાન કરી દેવો. મહારાજ ! કળશની સાથે બીજા પણ મોટાં દાન આપવા જોઈએ. શ્રીરામ ! આપ પોતાના યૂથપતિઓની સાથે આ જ વિધિથી પ્રયત્નપૂર્વક ‘વિજયા’ નું વ્રત કરજો. આનાથી આપનો વિજય થશે.

        બ્રહ્માજી કહે છે – નારદ ! આ સાંભળી શ્રીરામચંદ્રજીએ મુનિના કહ્યા મુજબ એ સમયે ‘વિજયા’ એકાદશીનું વ્રત કર્યું. એ વ્રત કરવાથી શ્રીરામચંદ્રજી વિજયી થયાં. તેમણે સંગ્રામમાં રાવણને માર્યો, લંકા પર વિજય મેળવ્યો અને સીતાને પ્રાપ્ત કર્યાં. દીકરા ! જે મનુષ્ય આ વિધિથી વ્રત કરે છે, તેમને આ લોકમાં વિજય મળે છે અને તેમનો પરલોક પણ અક્ષય બની રહે છે.

        ભગવાન શ્રીકૃષ્ણ કહે છે – યુધિષ્ઠિર ! આ કારણે ‘વિજયા’ નુ વ્રત કરવું જોઈએ. આ પ્રસંગને વાંચવા અને સાંભળવાથી વાજપેય – યજ્ઞનું ફળ મળે છે.

આ વ્રત કથા ની વિડિઓ જોવા અહીં ક્લિક કરો:- https://youtu.be/KSQetsEVyOA

Leave a Comment

gu Gujarati
X