વૈભવલક્ષ્મી વ્રતકથા । Vaibhav Laxmi Vrat Katha

મોહમયી મુંબઈ નગરી. ચોમેર પૈસાની રેલમછેલ. ધમાલિયું જીવન. જ્યાંના લોકોની નજર આકાશમાં ઝળહળતા તારલા સુધી તો જતી હતી પરંતુ પાડોશમાં રહેતા કોઈ દુ:ખીયાના આંસુ તરફ મંડાતી નહોતી. લોકો પોતપોતાના મોજશોખમાં ગુલતાન હતાં. બદીઓનો પાર નહોતો. દારૂ, જુગાર, સટ્ટો, વ્યભિચાર, ચોરી અને ભોગવિલાસ જેવી કેટલી કુટેવો અહીં પાંગરેલી હતી. આવા વાતાવરણમાં ધાર્મિક વૃત્તિવાળા જૂજ રહી જવા પામ્યા હતાં. આવા જૂજ માનવોમાં એક દંપત્તિ હતું. રાધા અને તેનો પતિ યશોધર.

       રાધા નાનપણથી જ ધાર્મિક વૃત્તિવાળી હતી. ગામડામાં ઉછરેલી એટલે શુશીલ અને સંસ્કારી પણ હતી. નાની હતી ત્યારથી જ તે નિત્ય ગામમાં આવેલા લક્ષ્મીજીના મંદિરે દર્શને જતી અને તેની ભક્તિના પ્રતાપે જ મા લક્ષ્મીએ તેને એવો વર આપ્યો હતો જે લાખોમાં એક હતો. સુશીલ, સંસ્કારી અને ધનવાન. યશોધર એના પિતાનો એક માત્ર દિકરો હતો. લાખોની મિલકત હતી. ધંધો-રોજગાર ધમધોકાર ચાલતો હતો.

       યશોધરા રાધાને પરણીને મુંબઈ લઇ આવ્યો. રાધા અહીં પણ નિત્ય લક્ષ્મીજીના મંદિરે જતી. પોતાના તથા પોતાના પતિ માટે સુખ-સાહ્યબીની પ્રાર્થનાઓ કરતી. યશોધર પણ રાધા જેવી ગુણવાન પત્નિ મેળવી પ્રસન્ન હતો.

       થોડાક દિવસો પછી રાધાના સસરાનું દુ:ખદ અવસાન થયું. ફેક્ટરી અને ધંધાની સમગ્ર જવાબદારી યશોધર પર આવી પડી. એણેય સહેજે ગભરાયા વિના નિપુણતાથી પોતાની ઉપર આવેલી જવાબદારી ઉપાડી લીધી.

       હવે તેને ધંધાર્થે નવા નવા લોકો સાથે મળવાનું થયું. નવી મિત્રતા, નવા સંબંધો બંધાયા અને તે દિવસોથી જ રાધાના ઉલ્લાસમય જીવનમાં દારૂ, જુગાર રૂપી વાવાઝોડું ફૂંકાયું !   

       યશોધર ધીમે ધીમે ઘરે મોડો આવવા લાગ્યો અને જ્યારે આવતો ત્યારે નશામાં ધૂત બનીને આવતો. અને સંસ્કારી રાધાને અપશબ્દો બોલી તેનું અપમાન કરતો. રાધા મુંગા મોંએ સહન કરી મનોમન રડી લેતી. હવે યશોધર બે-બે ,ત્રણ-ત્રણ, દિવસ બાદ ઘરે આવવા લાગ્યો. જુગાર અને રેસમાં હારીને આવતો અને તેનો ગુસ્સો બિચારી રાધા ઉપર ઠાલવતો. વિના વાંકે ઝૂડી નાખતો. યશોધરને મિત્રો પણ  એવા જ મળ્યા હતા તેઓ તેના પૈસે તાગડધીન્ના કરતા હતાં. એ લોકોની ભ્રામક વાતોમાં સપડાઈ પાણીની જેમ પૈસા વહેવડાવતો હતો.

       છેવટે આ બધાનું પરિણામ એ આવ્યું કે યશોધર દેવાદાર બની ગયો. દેવું ભરપાઈ કરવા તેણે ફેક્ટરી વેચી દીધી. આટલું થયું હોવા લતાંય તેણે ન તો પોતાન દુષ્ટ મિત્રોને છોડ્યા કે ન તો દારૂ, જુગારની લત છોડી !

       બિચારી રાધા ફ્લેટમાં રૂંધાતી અને એકલી અટુલી અઠવાડિયા સુધી બેસી રહેતી હતી. અને યશોધરના આવવાની ચાતક નયને રાહ જોયા કરતી હતી. પરંતુ શોધર તો દારૂના ઘેનમાં મસ્ત બની દાવ ઉપર દાવ લગાડ્યે જતો હતો અને પોતાના પિતાનું સખત પરિશ્રમથી એકઠું કરેલ ધન છુટા હાથે લુંટાવ્યે જતો હતો. અને ધીમે ધીમે પૈસા ખલાસ થઈ ગયાં. બીજી તરફ લેણદારોનું દબાણ દિન-પ્રતિદિન વધવા લાગ્યું. એટલે યશોધરે એના પિતાની નિશાનીરૂપ એ ફ્લેટ પણ વેચી માર્યો. જ્યાં તેઓ હસતાં, કિલ્લોલ કરતા હતાં. હવે બંને રખડવા લાગ્યાં. યશોધરના મિત્રો પણ દેખાતા નહોતા કારણ કે તે હવે લુખ્ખો બની ગયો હતો. એમને એક ઝૂંપડી રહેવા મળી ગઈ. યશોધર કોઈ જ હુન્નર જાણતો ન હતો. એેટલે રાધાને હુકમ કર્યો કે, લોકોનું વાસીંદુ કાઢવા, પાણી ભરવા અને કપડા ધોવા જા. પતિના મારથી બચવા તેણે મુંગા મોંએ બે-ત્રણ જગ્યાએ આ કામ પણ શોધી લીધું. ત્યાંથી ખાવાનું લાવી યશોધરનું પેટ ભરતી, યશોધરની દારૂની લત હજી પણ છૂટી નહોતી. મોંઘા શરાબને બદલે હવે દેશી લઠ્ઠો પીતો. સાંજ પડ્યે રાધા પાસે પીવા માટે પૈસા માંગતો અને તે આનાકાની કરતી એટલે ઢોરની જેમ મારતો.

       એક દિવસ રાધા પોતાના કામકાજથી પરવારી થાકીને ઘરમાં સૂતી હતી. યશોધર બહાર ગયો હતો. એટલે રાધાએ બહારથી લાવેલ ભોજન એક બાજુ મુકી દીધું હતું. તેણે વિચાર્યું હતું કે યશોધર ખાઈ લેશે પછી જે વધશે એ પોતે ખાઈ લેશે. આમ વિચારતી હતી. ત્યાં જ  ઘરનું બારણું કોઈએ ખવડાવ્યું. તે ઊભી થઈ અને બારણું ખોલ્યું અને તે સાથે જ અચંબો પામી ગઈ.

       સામે ભગવા વસ્ત્રો ધારણ કરેલ અતિ પ્રભાવશાળી એક સ્ત્રી ઊભી હતી. તેના ચહેરા પર જાણે પ્રકાશ પુંજ રેલાતો હતો. આંખોમાંથી અપાર પ્રેમનું અમૃત ઝરતું હતું. મુખમુદ્રા એટલી તો તેજસ્વી હતી જાણે સૌમ્યતાની મૂર્તિ હોય. રાધાને લાગ્યું કે, આ સ્ત્રીને પોતે ઓળખે છે. તેને ક્યાંક જોઈ છે પણ ક્યાં એ યાદ આવતું નહોતું.

       ‘મને અંદર આવવાનું નહિ કહે ? એ સ્ત્રીએ મધુર સ્મિત રેલાવી મૃદુ સ્વરે કહ્યું.’

       રાધાએ તુરંત જ તે અજાણી સ્ત્રીને અંદર બોલાવી અને કંતાનના એક ટુકડા ઉપર બેસાડી.

       ‘મારી ઓળખાણ પડે છે ?’ તે ફરી બોલી.

       ‘ના. પરંતુ એવું લાગે છે જાણે મેં તમને ક્યાંક જોયા છે ખરા !’

       ‘બહેન ! તારી યાદ શક્તિ ઘણી જ નબળી છે. તુ દર શુક્રવારે લક્ષ્મીજીના મંદિરે આવતી હતી અને મારા ભિક્ષાપાત્રમાં એક રૂપિયો નાખતી હતી. ઘણાં દિવસોથી તને જોઈ નહિ એટલે તારી સાથે જે સ્ત્રી આવતી હતી તેને મેં પુછ્યું. એટલે તેણે આખીયે તારી હકીકત મને જણાવી એટલે તને મળવા આવી છું.’

       સ્ત્રીના મુખે સ્નેહલ વાણી સાંભળી રાધાની આંખોમાં આંસું છલકાઈ આવ્યા અને પછી ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડી. પેલી સ્ત્રીએ રાધાને સાંત્વન આપ્યું. પ્રેમથી હાથ ફેરવ્યો અને કહ્યું.

       ‘બહેન ! આમ વિલાપ કરવાથી કશું જ વળવાનું નથી. દિવસ-રાતની જેમ સુખ અને દુ:ખ તો આવતા જ રહે છે. હિંમત રાખ. ભગવાન બધું સારું કરશે.’ 

       ત્યારબાદ રાધાએ પોતાના સંસારની આખીયે વાત શરૂથી અંત સુધી કહી. આખીય કથની સાંભળ્યા પછી પેલી સ્ત્રીએ કહ્યું ‘બસ ! આટલેથી જ ગભરાઈ ગઈ ? અરે ગાંડી ભગવાન પોતાના ભક્તોની અગ્નિપરિક્ષા કરવા આવા સંકટો તો આપે જ છે. આ પ્રકારના દુ:ખોથી હતાશ થવાને બદલે બમણી શ્રદ્ધાથી ભગવાનની ભક્તિ કરવી જોઈએ. તમારી આ દશામાં કદાચ તમારા કર્મો પણ જવાબદાર હોઈ શકે. તું તો લક્ષ્મીમાતાજીની ભક્ત છે. મા લક્ષ્મી દયાવાન છે. એ કદીયે પોતાના ભક્તોને વિસરી જતા નથી. બહેન ! દુ:ખ ખંખેરી નાખ અને માતા વૈભવ લક્ષ્મીનું વ્રત કર. તારું કાર્ય ફતેહ થશે જ.’

       ‘મા વૈભવ લક્ષ્મીનું વ્રત ? આ કેવુ હોય છે ? રાધાએ જિજ્ઞાસાપૂર્વક પૂછ્યું : મને સમજાવો ને ?’

       ‘ આ વ્રત સાવ સાદુ અને ખર્ચ વિનાનું હોય છે. આને ‘‘ વૈભવ લક્ષ્મી વ્રત ’’ કહેવાય છે. આ વ્રત કરનારના પ્રત્યેક મનોરથો મા લક્ષ્મીજી પાર પાડે છે. આ વ્રત દર શુક્રવારે કરવામાં આવે છે. જેને વ્રત કરવાની ઈચ્છા હોય તેણે સ્નાન કરી, સ્વચ્છ વસ્ત્રો પહેરવા અને મનમાં જ ‘જય મા વૈભવ લક્ષ્મીજી જય મા વૈભવ લક્ષ્મીજી’ એવો જાપ કરવો. સાંજે દીવાબત્તીના સમયે હાથ-પગ ધોઈ પૂર્વ દિશા તરફ એક પાટલો ઢાળી તેની ઉપર લાલ કપડું પાથરવું. લાલ કપડુ; ન હોય તો સ્વચ્છ કપડું પાથરવું. પાટલા ઉપર નાની સરખી ચોખાની ઢગલી કરી તેની ઉપર પાણી ભરેલો કળશીયો કે લોટો મુકવો. એની ઉપર એક નાની વાટકીમાં સોનાનું ઘરેણું મુકવું. સોનાનું ઘરેણું ન હોય તો ચાંદીનું મુકવું. એ પણ ન હોય તો રોકડો રૂપિયો મુકવો. ત્યારબાદ અગરબત્તી સળગાવવી. શક્ય હોય તો ઘીનો દિવો પણ કરવો. માતા વૈભવ લક્ષ્મી ‘શ્રીયંત્ર’ પ્રસન્ન થાય છે. તેના દર્શન કરવા અને આશકા લેવી. ત્યારબાદ ‘લક્ષ્મી સ્તવન શ્લોક’ નો પાઠ કરવો, આટલું કર્યા બાદ વાટકીમાં મુકેલ ઘરેણાં કે રૂપિયાને કંકુ, હળદર, ચોખા અને લાલ ફૂલ ચઢાવી પૂજા કરવી. પ્રસાદ માટે મિષ્ટાન બનાવવું. શક્ય ન હોય તો પ્રસાદ તરીકે સાકર કે ગોળ પણ મુકી શકાય. ત્યારબાદ માતાજીની આરતી ઉતારવી અને ભક્તિભાવથી અગિયાર કે એકવીસ વાર ‘જય મા વૈભવ લક્ષ્મી’ બોલવું અને પ્રસાદ વહેંચવો.

       પ્રસાદ વહેંચ્યા બાદ લોટામાનું પાણી જો ઘરમાં તુલસીનો ક્યારો હોય તો તેમાં રેડવું અથવા નદીમાં વહાવી દેવું. ચોખા પક્ષીઓના ચણ માટે નાંખી દેવા, પરંતુ આ બંને વસ્તુઓ ગમે ત્યાં ફેંકી દેવી નહિં. બસ વ્રત પુરૂં બહેન ! આ વ્રતની જે રીત મેં  તને બતાવી તે સંપુર્ણ પણે શાસ્ત્રીય છે. આ રીતે વ્રત કરવાથી મા લક્ષ્મી અચુક પ્રસન્ન થાય છે, દુ:ખ, દર્દ, ગરીબાઈ દૂર થાય છે.’ ધનની વર્ષા થાય છે. બહેન ! આ વૈભવ લક્ષ્મી વ્રત અગિયાર કે એકવીસ શુક્રવાર સુધી કરવામાં આવે છે. તેમ છતાંય ભક્તોની મરજી ઉપર નિર્ભર છે કે કેટલા શુક્રવાર વ્રત કરવું. ! અને છેલ્લા શુક્રવારે પણ  બધા શુક્રવારે કરી હોય એ રીતે વ્રતની પુજન વિધિ કરવી.અને ‘શ્રીફળ’ વધેરવું. તે દિવસે ખીરનો જ પ્રસાદ કરવો. તે પછી સાત સૌભાગ્યવતીઓ કે કુંવારી બહેનોને કંકુનો ચાંદલો કરી ‘વૈભવ લક્ષ્મી ’ વ્રતની એક એક પુસ્તિકા ભેટ આપવી. પછી મા લક્ષ્મીના ‘ધન લક્ષ્મી ’ સ્વરૂપ માતાજીની છબીને નમન કરી પ્રાર્થના કરવી કે ‘હે મા ધનલક્ષ્મી ! મેં સાચા દિલથી તારું વૈભવ લક્ષ્મી વ્રત કર્યું છે તો હે માતા અમારૂં કલ્યાણ કર. નિર્ધનોને ધન આપ. સંતાન વગરનાને સંતાન આપ. સૌભાગ્યવતીનું સૌભાગ્ય અખંડ રાખ. કુંવારિકાઓના કોડ પૂરા કર અને સૌને લક્ષ્મી અને વૈભવ આપજે. આટલી પ્રાર્થના પછી માતા વૈભવ લક્ષ્મીને વંદન કરવું અને આશાકા લેવી.’

       પેલી અજાણ સ્ત્રી પાસેથી ‘વૈભવ લક્ષ્મી વ્રત ’ ની વિધિ સાંભળ્યા પછી રાધાએ આંખો બંધ કરી સંકલ્પ કર્યો કે હું આ પ્રમાણે એકવીસ શુક્રવાર સુધી શ્રદ્ધાપૂર્વક ‘વૈભવ લક્ષ્મી વ્રત’ કરીશ તેમ જ શાસ્ત્રીય વિધિ પ્રમાણે ઉજવણી કરીશ. અને તેણે આંખો ખોલી તો સ્ત્રી ગાયબ હતી. માત્ર કંકુના પગલાં હતાં. રાધા અવાક બની ગઈ. પણ તે તુરત જ સમજી ગઈ આવનાર સ્ત્રી સ્વયં મા લક્ષ્મી જ હતાં. તે આનંદવિભોર બની ગઈ. અને તેના હૈયામાં ભક્તિ ભાવનું ઝરણું ફુટી નીકળ્યું.

       બીજે જ દિવસે શુક્રવાર હતો. રાધાએ સવારે સ્નાન કરી ‘જય મા વૈભવ લક્ષ્મી જય મા વૈભવ લક્ષ્મી’ નું રટણ શરૂ કર્યું. મીઠી રોટલીનો પ્રસાદ બનાવ્યો. સાંજે દીવા ટાણે હાથ-પગ ધોઈ પૂર્વ દિશા તરફ પાટલો મુક્યો. એ જ દિશા તરફ મોં કરી બેસી ગઈ. ઘરના ઘરેણાં વેચાઈ ગયા હતા એટલે એક પેટીમાંમ સાચવી રાખેલ તુટલ નથ કાઢી. તેને ધોઈ વાટકી ઉપર મુકી. પાટલા ઉપર રૂમાલ બીછાવી મુઠી ચોખાની ઢગલી કરી. તાંબાનો પાણી ભરેલો લોટો તેની ઉપર મુક્યો. તેના ઉપર નથવાળી વાટકી મુકી અને લક્ષ્મીજીએ બતાવેલ વિધિ અનુસાર ‘વૈભવ લક્ષ્મી વ્રત’ શરું કર્યું. પૂજા કરી મીઠી રોટલીઓનો પ્રસાદ ચઢાવ્યો.

       રાતના યશોધર ઘરે આવ્યો ત્યારે રાધાએ તેને પ્રસાદ ખવડાવ્યો. પ્રસાદ ખાતા જ તેનો સ્વભાવ બદલાયેલો લાગ્યો. એ દિવસે તેણે રાધાને ન તો મારઝૂડ કરી કે ન તો ધમકાવી. રાધા સમજી ગઈ કે પ્રથમ દિવસે જ માતાએ પોતાનો પરચો બતાવ્યો છે.

       રાધાએ પતિને પુછ્યું ‘આજે તમે દારૂ પીધા વિના જ આવ્યા ? પાપનો પ્રવાહ ક્યાં વાળી આવ્યા ?’

       પતિએ કહ્યું : ‘હવે મને એની જરૂર પણ નથી. મને એક બિહામણું સ્વપ્ન આવ્યું હતું. મેં જોયું કે એક શેષનાગ ક્યાંકથી મારી સામે ધરી આવ્યો, પછી તેણે મારા શરીર ફરતે ભરડો લીધો. હું ચીસો પાડવા લાગ્યો. અચાનક શેષનાગને માથે એક વૈભવશાળી સ્ત્રી પ્રગટ થઈ. એણે કોપાયમાન થઈ મને કહ્યું ‘ આ તારા કુકર્મો છે. હજી પણ સમય છે. બુરી લતો ત્યજી દે. સુધરી જા. નહિતર જે રીતે બદીની આગ ઈમાનદારીની મૂડીને ભસ્મીભૂત કરી નાખે છે તેમ હું પણ તને નર્કની સળગતી ભઠ્ઠીમાં હોમી દઈશ.’ આટલું બોલી એ કોપાયમાન દેવી અદ્રશ્ય થઈ ગયા. તે સાથે શેષનાગ પણ ગાયબ થઈ ગયો. બસ ! તે પછી મારી આંખ ઉઘડી ગઈ. મને તુરત સમજાયું કે હું વ્યસનોના પછડાટ પાછળ ગાંડો-ઘેલો બની ગયો હતો. એ આનંદ સાચો આનંદ નહોતો. પરંતુ એ આનંદ કેવળ નકલી, છેતરનારો. અને નુકશાનકારક હતો. રાધા ! મને ક્ષમા કરજે આજથી, અરે અબઘડીથી હું નવીન ઉત્સાહ, ધગશ અને પ્રમાણિકતાથી જીવન જીવવા સંકલ્પ કરુ છું.’

       પતિની આ વાત સાંભળી રાધાના ચહેરા ઉપર પૂજાની થાળીમાં મુકેલ આરતીના દીવા જેવો પ્રકાશ રેલાઈ ગયો. તે પુલકિત બની ગઈ કે મા વૈભવ લક્ષ્મીનો જ આ પ્રતાપ છે અને યશોધરે સાચોસાચ સખત પરિશ્રમ કરવા માંડ્યો. અચાનક એક ધનાઢ્ય વેપારીની નાણાંકીય સહાય મળતાં નવેસરથી ધંધો શરૂ કર્યો અને દિનપ્રતિદીન પ્રગતિના પંથે પૈસાની રેલમછેલ થવાં લાગી. તેણ ફ્લેટ લીધો. તેમા સજાવટ કરી નવા ઘરેણા બનાવ્યાં. થોડાંક દિવસો પછી રાધાને રૂપાળો ખોળાનો ખુંદનાર પણ મળી ગયો. પાછલા દિવસોમાં અજંપાની યાતનાથી પીડાતા બે હ્રદયોને અંતરની ઔષધિ મળી ગઈ અને તે ઔષધી હતી મા વૈભવ લક્ષ્મીની અસીમ કૃપા. શ્રદ્ધાનો પમરાટ અને પ્રેરણાનું પ્રતિબિંબ !

       રાધાએ ભક્તિભાવથી એકવીસ શુક્રવાર સુધી ‘વૈભવ લક્ષ્મી વ્રત’ કર્યું. છેલ્લાં શુક્રવારે ઉજવણી કરી ! હાજર રહેલ સ્ત્રીઓને ‘વૈભવ લક્ષ્મી વ્રત’ ની એક એક પુસ્તિકા ભેટરૂપે આપી. ત્યારબાદ માતાજીના સ્વરૂપે ‘ધન લક્ષ્મી મા ’ ની છબીને વંદન કરી પ્રાર્થના કરી કે, ‘હે મા ધન લક્ષ્મી ! મેં શાસ્ત્રીય વિધિ પ્રમાણે તમારું વ્રત પુરું કર્યું છે. મા મારું કલ્યાણ કરજો. અમારી  પર અમી નજર રાખજો. કૃપા વરસાવજો. નિર્ધનને ત્યાં નિવાસ કરી એમની ગરીબાઇ ટાળજો. સંતાન વિનાને સંતાન આપજો. એમને જનેતાનું બિરૂદ પ્રદાન કરજો. અને હે દયાળું મા ! સૌભાગ્યવતીઓને સૌભાગ્ય અખંડ રાખજો અને કુવાંરીકાઓના કોડ પુરા કરજો. આ વ્રત કરનારનું કલ્યાણ કરી એમને સુખી કરજો.’ આટલું કરી અને આશકા લીધી.

       રાધાની સુખદ સ્થિતિ જોઈ પાડોશી બહેનોએ પણ શાસ્ત્રીય વિધિ અનુસાર ‘વૈભવ લક્ષ્મી વ્રત ’ કરવા સંકલ્પ કર્યો અને રાધાએ દરેક ને વ્રત કેવી રીતે કરવું તેની સાચી દોરવણી આપી.

       હે મા વૈભવ લક્ષ્મી ! સૌના મનમા મનોરથ પૂરા કરજો. જે રીતે રાધાના ઘરે પધારી તેની ઉપર કૃપાદ્રષ્ટિ કરી, તે રીતે બધાને ઘરે પધારી સુખ-શાંતિ અર્પજો.

                     જય મા વૈભવ લક્ષ્મી-જય મા વૈભવ લક્ષ્મી

Leave a Comment

gu Gujarati
X