શનિવારની વ્રતકથા / shanivarni vratkatha

એક સમયે સ્વર્ગલોકમાં સૌથી મોટુ કોણ એ પ્રશ્ન ઉપર નવ ગ્રહોમાં વાદ-વિવાદ થઈ ગયો. આ વિવાદ એટલો વધ્યો કે અંદરોઅંદર ભયંકર યુદ્ધની સ્થિતિ બની ગઈ. નિર્ણય માટે દરેક દેવતા દેવરાજ ઈન્દ્રની પાસે પહોંચ્યા અને કહ્યું હે દેવરાજ ! તમારે નિર્ણય કરવો પડશે કે અમારામાથી સૌથી મોટું કોણ છે.

       દેવતાઓનો પ્રશ્ન સાંભળી ઈન્દ્ર મુંઝવણમાં પડી ગયા. પછી દેવરાજ ઈન્દ્રે દરેકને પૃથ્વીલોકમાં ઉજ્જયિની નગરીમાં રાજા વિક્રમાદિત્ય પાસે પોતાની સાથે જવાનું કહ્યુ.

       ઉજ્જયિની પહોંચીને જ્યારે દેવતાઓએ પોતાનો પ્રશ્ન રાજા વિક્રમાદિત્યને પુછ્યો તો તે પણ થોડીવાર થોડાક પરેશાન થયા. કેમ કે દરેક દેવતા પોતપોતાની શક્તિઓને કારણે મહાન હતાં. કોઈને પણ નાનો અને મોટો કહેવાથી તેમના ક્રોધ પ્રકોપને કારણે ભયંકર હાનિ પહોંચી શકે એમ હતી.

       અચાનક રાજા વિક્રમાદિત્યને એક ઉપાય સુઝ્યો અને તેણે નોખનોખા પ્રકારની ધાતુઓ જેમ કે સોનુ, ચાંદી, કાંસુ, તાંબુ, શીશુ, જસત, અભરખ જેવા નવ ધાતુઓના આસન બનાવડાવ્યા. ધાતુઓના ગુણો મુજબ દરેક આસનોને એકબીજાની પાછળ રખાવ્યા. પછી તેમણે દરેક દેવતાઓને પોતપોતાના સિંહાસન પર બેસવાનું કહ્યું.

       દેવતાઓના બેઠ્યા પછી રાજા વિક્રમાદિત્યે કહ્યું ‘‘ તમારો નિર્ણય તો પોતાની રીતે જ થઈ ગયો. જે સૌથી પહેલા સિંહાસન પર બેસેલા છે તે સૌથી મોટા છે. ’’ રાજા વિક્રમાદિત્યનો નિર્ણય સાંભળી શનિદેવે પોતે સૌની પાછળ બેઠેલા હોવાને કારણે પોતાને નાના સમજી ક્રોધીત થઈને કહ્યું – હે રાજા ! તમે મને સૌથી પાછળ બેસાડીને મારું અપમાન કર્યુ છે. તમે મારી શક્તિઓથી પરિચિત નથી. હું તમારો સર્વનાશ કરી નાખીશ.

       શનિદેવે કહ્યું સૂર્ય એક રાશિ ઉપર એક મહિનો, ચંદ્રમા સવા બે દિવસ, મંગળ દોઢ મહિનો, બુધ અને શુક્ર એક મહિનો, ગુરુ તેર મહિના રહે છે પણ હું કોઈપણ રાશિ ઉપર સાડા સાત વર્ષ સુધી રહું છું. મોટા-મોટા દેવતાઓને પણ મેં મારા પ્રકોપથી દુ:ખી કર્યા છે. હવે તું પણ મારા પ્રકોપથી નહિં બચી શકે. આ પછી અન્ય ગ્રહોના દેવતાઓ ખુશ થઈને જતા રહ્યા. પણ,  શનિદેવ ખુબ જ ક્રોધિત થઈ ત્યાંથી ગયા.

       વિક્રમાદિત્યથી બદલો લેવા માટે એક દિવસ શનિદેવે ઘોડાના વેપારીનું રૂપ ધારણ કર્યુ અને જાજા બધા ઘોડા સાથે ઉજ્જયિની નગરી પહોંચ્યા. રાજા વિક્રમાદિત્યને રાજ્યમાં કોઈ ઘોડાનો વેપારી આવ્યાના સમાચાર મળ્યા તો પોતાના અશ્વપાલને થોડાંક ઘોડા ખરીદવા મોકલ્યાં.

       ઘોડા ખુબ જ કિંમતી હતાં. અશ્વપાલે જ્યારે પાછો આવીને આ બાબતે રાજા વિક્રમાદિત્યને બતાવ્યું તો તે પોતે આવીને એક સુંદર અને શક્તિશાળી ઘોડાને પસંદ કર્યો.

       ઘોડાની ચાલ જોવા માટે રાજા જેવા તે ઘોડા ઉપર સવાર થયા તો તે તેજ વિજળીની ગતિથી દોડવા લાગ્યો. તેજીથી દોડતો આ ઘોડો રાજાને દૂર એક જંગલમાં લઈ ગયો. ને પછી તે રાજાને ત્યાં પછાડી ગાયબ થઈ ગયો. રાજા પોતાના નગરમાં પાછો આવવા માટે જંગલમાં આમતેમ ભટકવા લાગ્યો પણ તેને કોઈ રસ્તો મળ્યો નહીં. રાજાને ખુબ જ ભુખ અને તરસ લાગી. ખુબ જ રખડ્યા પછી એને એક ગોવાળ મળ્યો. રાજાએ એની પાસે પાણી માંગ્યું. પાણી પીને રાજાએ તે ગોવાળને પોતાની વીંટીં આપી દીધી. અને તેને રસ્તો પુછીને જંગલમાંથી નીકળીને બાજુના નગરમાં જતા રહ્યાં.

       નગરમાં પહોંચીને રાજા એક શેઠની દુકાને જઈને બેઠા અને થોડીવાર આરામ કર્યો. રાજાના થોડીવાર બેસવાથી શેઠજીને દુકાનમાં ઘણો ધંધો થયો. શેઠે રાજ્યને ભાગ્યશાળી સમજ્યો. અને પોતાને ઘેર ભોજન માટે લઈ ગયા. શેઠની ઘેરે સોનાનો એક હાર ખીલ્લા પર લટકતો હતો. રાજાને તે ઓરડામાં બેસાડી શેઠ થોડીવાર માટે બહાર જતા રહ્યા. ત્યારે એક આશ્ચર્યજનક ઘટના બની.

       રાજાની નજર સામે જોતજોતાંમાં એ સોનાનો હાર એ ખીલો ગળી ગયો. શેઠે જ્યારે હાર ગાયબ થયેલો જોયો તો ચોરીનો આરોપ રાજા પર નાંખ્યો. અને પોતાના નોકરોને કહ્યું. આ પરદેશીને દોરડાઓથી બાંધી નગરના રાજા પાસે લઈ ચાલો. નગરના રાજાએ જ્યારે વિક્રમાદિત્યને હાર વિશે પુછ્યું તો તેણે કહ્યું કે ખીલો હારને ગળી ગયો છે. આવા જવાબ પર રાજાએ ક્રોધિત થઈ ચોરી કરવાના અપરાધમાં વિક્રમાદિત્યના હાથ-પગ કાપી નાખવાનો આદેશ દીધો. સૈનિકોએ રાજા વિક્રમાદિત્યના હાથ-પગ કાપી તેને સડક પર છોડી દીધો.

       થોડાંક દિવસો પછી એક ઘાંચી તેને પોતાને ઘેર લઈ આવ્યો. અને તેણે ઘાણી પર બેઠાડ્યો. રાજા હાંકલ પાડીને બળદને હાંકતા રહેતા. આ રીતે ઘાંચીનો બળદ ચાલતો રહેતો. અને રાજાને ભોજન મળ્યા કરતું. શનિના પ્રકોપની સાડા સાતી થવાના સમયે વર્ષાઋતુની શરૂઆત થઈ.

       એક રાત્રે વિક્રમાદિત્ય મેઘ મલ્હાર ગાઈ રહ્યા હતાં. ત્યારે નગરની રાજકુમારી મોહિની રથ ઉપર સવાર એ ઘર પાસેથી નીકળી. તેણે મલ્હાર સાંભળ્યો તો તેને સારું લાગ્યું. અને દાસીને મોકલી ગાવાવાળાને બોલાવી લાવવા કહ્યું.

       દાસીએ પાછુ આવીને રાજકુમારીને અપંગ રાજાની બાબતમાં સંપૂર્ણ માહિતિ આપી દીધી. રાજકુમારી એના મેઘ મલ્હારથી ખુબ જ મોહિત થઈ અને બધું જાણવા છતા તેણ અપંગ રાજા સાથે વિવાહ કરવાનો નિશ્ચય કર્યો.

       રાજકુમારીએ પોતાના માતા-પિતાને જ્યારે આ વાત કહી તો તેઓ હેરાન થઈ ગયા. તેઓએ તેને ખુબ જ સમજાવી પણ રાજકુમારીએ પોતાની જીદ છોડી નહી. અને પ્રાણ ત્યાગ કરવાનો નિશ્ચય કર્યો. છેવટે રાજા-રાણીએ વિવસ થઈને અપંગ વિક્રમાદિત્ય સાથે રાજકુમારીના વિવાહ કરવા પડ્યાં. વિવાહ પછી રાજા વિક્રમાદિત્યને રાજકુમારી ઘાંચીના ઘરમાં રહેવા લાગ્યાં. તે રાતે સપનામાં શનિદેવે રાજાને કહ્યું – રાજા તેં મારો પ્રકોપ જોઈ લીધો. મેં તને મારા અપમાનનો દંડ આપ્યો છે.

       રાજાએ શનિદેવને ક્ષમા કરવા કહ્યું અને પ્રાર્થના કરી- હે શનિદેવ ! તમે મને જેટલું દુ:ખ દીધું છે. એટલું બીજા કોઈને ન આપતા.

       શનિદેવે કહ્યું – રાજન ! હું તમારી પ્રાર્થના સ્વીકારું છું. જે કોઈ સ્ત્રી પૂરુષ મારી પૂજા કરશે, શનિવારનું વ્રત કરશે, મારી વ્રતકથા સાંભળશે તેના ઉપર મારી કૃપા બની રહેશે.

       સવારે જ્યારે વિક્રમાદિત્યની નીંદર ઉડી પોતાન હાથ-પગ જોઈ રાજા ખુબ ખુશ થયો. તેણે મનોમન શનિદેવને પ્રણામ કર્યા. રાજકુમારી પણ રાજાના હાથ-પગ સલામત જોઈ આશ્ચર્યમાં પડી ગઈ. ત્યારે રાજા વિક્રમાદિત્યએ પોતાનો પરિચય આપતા  કહ્યું કે આ બધું શનિદેવના પ્રકોપને કારણે થયું હતું. તે વિશેની આખી વાત કહી સંભળાવી.

       અહીં શેઠને જ્યારે આ વાતની ખબર પડી તો દોડતાં દોડતાં ઘાંચીને ઘેર પહોંચ્યા અને રાજાના ચરણોમાં પડી ક્ષમા માંગવા લાગ્યાં. રાજાએ તેને માફ કરી દીધો કેમ કે આ બધું તો શનિદેવના પ્રકોપને કારણે થયું હતું શેઠ રાજાને પોતાને ઘેર લઈ ગયા. અને તેને ભોજન કરાવ્યું. ભોજન કરતાં સમયે ત્યાં એક આશ્ચર્યકારક ઘટના બની. બધાની નજર સામે જોતજોતામાં એ ખીલો હાર ઓકવા માંડ્યો.

       શેઠજીએ પોતાની દીકરીના લગ્ન પણ રાજાની સાથે કરી દીધા. અને ઘણાં બધા સ્વર્ણ આભૂષણ ધન વગેરે આપી રાજાને વિદાય કર્યા.

       રાજા વિક્રમાદિત્ય, રાજકુમારી મોહિની અને શેઠની દીકરી સાથે ઉજ્જયિની પહોંચ્યા તો નગરવાસીઓએ હર્ષભેર તેમનું સ્વાગત કર્યું.

       બીજા દિવસે રાજા વિક્રમાદિત્યએ આખા રાજ્યમાં ઘોષણા કરી કે શનિદેવ બધા દેવોમાં સર્વશ્રેષ્ઠ છે. દરેક સ્ત્રી પુરુષ શનિવારે તેનું વ્રત કરે અને વ્રતકથા અવશ્ય સાંભળે. રાજા વિક્રમાદિત્યની ઘોષણાથી શનિદેવ ખુબ જ પ્રસન્ન થયા.

       શનિદેવનું વ્રત કરવા અને વ્રતકથા સાંભળવાને કારણે લોકોની મનોકામનાઓ શનિદેવની અનુકંપાથી પૂરી થવા લાગી. અને બધા લોકો આનંદપૂર્વક રહેવા લાગ્યા.

       આ હતી શનિદેવની શનિવારની વ્રતકથા. જો આપને ગમી હોય તો કોમેન્ટ બોક્ષમાં કોમેન્ટ અવશ્ય કરશો.

વ્રત ની વિડીયો જુવો:-https://youtu.be/CSBCz-OARbY

       અસ્તુ.  

Leave a Comment

gu Gujarati
X