સંતોષી માંની કથા । શુક્રવાર ની વાર્તા

                                સંતોષીમાના વ્રતની વિધિ

        આ વ્રત હમેશા શુક્રવારના દિવસે જ થાય છે. વ્રત કરનાર વ્યક્તિએ સવારમાં સ્નાનવિધિ કર્યા પછી શ્રી સંતોષીમાની કથા સાંભળવી અને કથા સાંભળતી વખતે જમણા હાથમાં પ્રસાદીરૂપે ગોળ અને ચણા રાખવા. કથા પૂરી થયા પછી હાથમાં રાખેલા ગોળ અને ચણા ગાયને ખવડાવી દેવા. ત્યારબાદ થાળમાં રાખેલા ગોળ ચણા પ્રસાદ તરીકે બાળકોને વહેંચી દેવા.

        વ્રત કરતી વખતે પવિત્ર સ્થાને બાજોઠ કે પાટલા પર પાણી ભરેલો કળશ મુક્યો. તેના પર નાગરવેલના પાંચ પાન તેમ જ સોપારી અને શ્રીફળ મુકવા.

        કથા વંચાઈ ગયા પછી આ કળશનું વધેલું પાણી ઘરનાં ચારેય ખૂણે સંતોષીમાંનુ સ્મરણ કરી છાંટવું, બાકી વધેલું પાણી તુલસી ક્યારામાં રેડવું. અને નાગરવેલના પાન સોપારી નદીમાં જઈ પધરાવી આવવા, તથા શ્રીફળ વધેરી તેનો પ્રસાદ બાળકોને વહેંચી દેવો.

        સંતોષી માતાનું વ્રત કરનાર સ્ત્રીએ અથવા પુરૂષે એ દિવસે કે શુક્રવારે એકટાણું કરવું. ખાવામાં ખટાશ વાળી કોઈ ચીજ ખાવી નહી કે ખવડાવવી નહીં.

        આ રીતે જે કોઈ સ્ત્રી માં સંતોષીનું વ્રત કરશે તેની સઘળી ઈચ્છાઓ-પરિપૂર્ણ થશે. માત્ર ત્રણ જ મહિનામાં મા સંતોષી વ્રત કરનારને ફળ આપે છે. અસ્તુ.     

એક સરસ મજાનું નાનકડું ગામ હતું. આ ગામમાં એક વિધવા ડોશીમાં પણ રહેતા હતાં. પ્રભુની પ્રસાદીરૂપે તેમને સાત દીકરાઓ હતાં. ડોશીમા જમીન જાગીરવાળા સુખી જીવ હતા. તેમણે સાંતેય દીકરાઓને પરણાવી દીધા હતાં.

        આ સાતેય દીકરામાં ડોશીમાને છ દીકરાઓ ખુબ વહાલા હતાં. કારણ તેઓ બાળબચ્ચાવાળા અને કમાઉ હતાં. જ્યારે સૌથી નાનો દીકરો ગોવિંદ બિલકુલ કમાતો ન હતો. વળી તેની પત્નીએ હજુ સુધી પેટ માંડ્યું ન હતું, આથી ડોશીને તેના પ્રત્યે જરાય વહાલ ન હતું. ગોવિંદની પત્ની ગૌરી રૂપાળી અને ગુણિયલ સ્ત્રી હતી પરંતુ પોતાનો પતિ કંઈ પણ કમાતો ન હતો તેથી તેને સાંભળવુ પડતું હતું.

        ડોશીમાં પોતાના છ એ કમાઉ દીકરાઓને ખૂબ સારી રીતે રાખતા હતા, તેમના પર અપાર વહાલ વરસાવતા હતા, અને સારૂ ખાવાનું બનાવીને પોતાના હાથે પ્રેમથી જમાડતા હતાં. જ્યારે નાના દીકરા ગોવિંદ તરફ તિરસ્કાર દર્શાવતા હતા, વાતે વાતે તેને ઉતારી પાડતા હતાં. તેની પત્નીના દેખતાં તેને ધમકાવી નાંખતા હતા અને ખાવાપીવામાં પણ ભેદભાવ રાખતા હતાં. છએ દીકરાઓના જમ્યા પછી તેમની થાળીમાં જે કંઈ વધ્યું ઘટ્યું હોય તે એક થાળીમાં એકઠું કરીને તેને ખાવા આપતા હતાં.

        ગોવિંદની પત્ની ગૌરીથી આ જોયું જતું ન હતું. તેને તો ક્યારનીય ખબર પડી ગઈ હતી, કે ડોશીમાં પોતાના પતિ પ્રત્યે કેવું ઓરમાયું વર્તન રાખતા હતા ! પરંતુ ઘરની આબરૂ બહાર ન જતી રહે તે માટે તે કંઈ પણ બોલતી ન હતી. અને ચુપચાપ આ બધું સહન કર્યા કરતી હતી.

        ગૌરીથી પોતાના પતિનું આ દુ:ખ સહ્યું જતું ન હતું. તે ડોશીને તો કંઈ કહી શકે તેમ ન હતી પરંતુ પોતાના પતિને આ વાત જણાવવાનું તેણે મનોમન નક્કી કર્યું અને એક દિવસ તેણે પોતાના પતિનું આ વાત તરફ ધ્યાન દોર્યું.

        પોતાની પત્ની ગૌરીની આ વાત સાંભળીને ગોવિંદ ઉશ્કેરાઈ ગયો. તેને લાગ્યું કે પોતાની પત્ની પોતાની માતાની કાનાફુસી કરે છે, મા દીકરાને લડાવી મારવા માટે કોઈ ચાલ રમે છે, આથી તેણે પત્નીની વાતને ધુતકારી કાઢી અને ઉપરથી તેને ઠપકો આપ્યો. પોતાના પતિનું આવું વર્તન જોઈને, બિચારી ગૌરી રડી પડી અને તેને કરગરતા કહ્યું, ‘સ્વામી ! મને તમારા પ્રત્યે અપાર હેત છે, અને તેથી જ મારાથી તમારું આ દુ:ખ સહ્યું જતું નથી. મેં જે કંઈ કહ્યું છે એ સાચુ છે અને એ હું તમને ક્યારેક નજરોનજર દેખાડી આપીશ, પછી તો તમને મારી વાત પર વિશ્વાસ બેસશેને ?

        ‘સારું. એ વખતની વાત એ વખતે, અત્યારે આપણે સૂઈ જઈએ’ એમ કહી ગોવિંદ અને ગૌરી સૂઈ ગયા.

        ગૌરી બિચારી મનમાં ને મનમાં જીવ બાળવા લાગી. જ્યાં સુધી પોતાનો પતિ નજરો નજર પોતાની માનું ઓરમાયું વર્તન નહીં જુએ ત્યાં સુધી તેની વાત પ્રત્યે તે વિશ્વાસ નહી કરે, આથી ગૌરી સમયની રાહ જોવા લાગી. અને એ સમય આવી ગયો.

        આજે ગણપતિ ચોથનો દિવસ હતો. ઘરમાં દાળભાત શાક લાડું વગેરે બનાવ્યા હતા. ગૌરીએ પતિને કહ્યું કે ‘તમે મારી વાત માનતા નથી. ને પણ આજે તમારી નજરે બધું જોઈ લો એટલે મારી વાત પર તમને વિશ્વાસ બેસે. એમ કરો તમે બાજુના ઓરડામાં છુપાઈ જાવ અને જાળી વાટે જોયા કરો.’

        ગૌરીની વાત સાંભળી ગોવિંદને મનમાં થયું કે લાવને ત્યારે આજે નજરોનજર નિહાળી જ લઉં અને ખાતરી કરું કે કોણ સાચું છે, પત્ની કે મા ? આથી તે બાજુના ઓરડામાં છુપાઈને રસોડામાં ચાલતી ક્રિયા જોવા લાગ્યો.

        જમવાનો વખત થતાં માએ પોતાન છએ જણાના ભાણામાં જે કંઈ એઠું જુઠું વધ્યું હતું. તે એક થાળીમાં ભેગું કર્યું. અને પછી માએ ગોવિંદને બોલાવવા બુમ પાડી ‘અલ્યા ગોવિંદ ક્યાં ગયો, ચાલ, જમી લે !

         આ દ્રશ્ય જોઈ ગોવિંદની આંખમાં આંસું આવી ગયા, પોતાની જનેતાનું આવું ઓરમાયું વર્તન જોઈને તેનું અંતર રડી ઊઠ્યું. તેણે ત્યાં રહે રહે જ કહી દીધું કે મારી તબિયત સારી નથી, માટે મારે જમવું નથી. આમ કહેવા છતાં પણ માએ એની કશી દરકાર ન લીધી કે ન તો એને જમવા માટે સમજાવવા પોતાની પાસે આવ્યા.

        આથી ગોવિંદ એકદમ ઓરડામાંથી બહાર નીકળી ગયો અને વાડામાં છાણા થાપતી પત્ની પાસે જઈને કહેવા લાગ્યો. ‘ગૌરી ! તારી વાત સાચી છે. હવે હું એક મિનિટ પણ અહીં ઉભો રહેવા માંગતો નથી. બસ આજે ને આજે જ હું ક્યાંક ચાલ્યો જઈશ. દૂર દૂર કોઈક સારા શહેરમાં જઈને નોકરી ધંધો શોધી કાઢીશ: ત્યાં સુધી તું સુખે દુ:ખે અહીં જ સમય પસાર કરી નાખજે, ત્યાર પછી હું અહીં આવીને તને મારી સાથે લઈ જઈશ. તું મારી ચિંતા ન કરીશે અને જો કદાચ તને મારી યાદ આવે તો લે આ હું મારી વીંટી તને આપું છું. તેને તું મારી યાદગીરી રૂપે તારી આંગળીમાં પહેરી રાખજે., એમ કહી ગોવિંદ પોતાની આંગળીમાંથી વીંટી કાઢીને પત્નીની આંગળીમાં પહેરાવી દીધી.

        ગૌરીએ રૂંધાયેલા કંઠે કહ્યું, ‘સ્વામી ! તમે મારી જરાય ચિંતા ન કરતા, હું અહીં જ આપની રાહ જતી બેસી રહીશ. જ્યાં સુધી તમે પાછા નહીં ફરો ત્યાં સુધી સુખે દુ:ખે હું અહી જ મારા દહાડા પસાર કરીશ, જો તમને મારી યાદ આવે તો આ થાપા જોઈને મન મનાવી લેજો ! એમ કહીને ગૌરીએ પોતાનો છાણવાળો હાથ ગોવિંદના અંગરખા પર મુક્યો. આથી અંગરખા પર થાપાની સરસ મજાની નિશાની આવી.

        ત્યારપછી પ્રભુનું સ્મરણ કરીને ગોવિંદ પોતાની પત્નીની વિદાય લઈને ત્યાંથી ચાલી નીકળ્યો. એક પછી એક નાના મોટા ગામ વટાવતો તે છેક સાંજે એક નાના સરખા, પણ સમૃદ્ધ શહેરમાં આવી પહોંચ્યો. પાદરમાં જ એક વિશાળકાય વડલો હતો. ગોવિંદ ચાલી ચાલીને થાકી ગયો હતો. આથી તે વડલાની છત્ર છાયા નીચે જરા આડે પડખે થયો. થાકને લીધે ગોવિંદ પળવારમાં  જ નિંદ્રાદેવીને આધિન થઈ ગયો.

        ગોવિંદ કેટલું ઊંઘ્યો એનો એેને જરાય ખ્યાલ ન આવ્યો. પરંતુ લગભગ અડધી રાત્રે બે વાગ્યે કંઈક ખખડાટ થયો ત્યારે તેની આંખ ખુલી ગઈ ! તેણે આંખો ચોળીને જોયું તો રાત્રીના અંધકારમાં થોડેક દૂર ત્રણ-ચાર માણસો ખાડો ખોદી રહ્યા હતા. હકીકતમાં તેઓ ચોર હતા અને જમીનમાં ખાડો ખોદી ચોરેલા દાગીના, રૂપિયા વગેરે દાટી રહ્યા હતા. તેઓ શહેરમાં એક પ્રતિષ્ઠિત ઝવેરીની દુકાન તોડીને બધો માલ ઉઠાવી લાવ્યા હતા. પરંતુ ભયના લીધે એ બધો માલ ઘેર લઈ જવાને બદલે અહીં દાટવા લાવ્યા હતાં. ગોવિંદ જો ધાર્યું હોત તો એ સઘળોય ચોરીનો માલ લઈ રાતો રાત પોતાના ગામ પહોંચી જાત, પણ ના. પ્રામાણિક ગોવિંદ એવું ન કરી શક્યો. તેણે મનોમન કંઈક જુદો નિર્ણય કરી લીધો. અને સવાર થવાની રાહ જોતો ત્યાં જ બેસી રહ્યો.

        સવાર પડ્યું ત્યારે ગોવિંદ ઉભો થયો અને શહેરમાં પ્રવેશ્યો.  શહેરના બજારો ધીરે ધીરે ખુલી રહ્યા હતાં. તે ફરતો ફરતો ઝવેરી બજાર તરફ આવી પહોંચ્યો. ત્યાં એને જાણવા મળ્યું કે પરમાનંદ ઝવેરીની દુકાનમાં ગઈ રાત્રે ચોરી થઈ હતી. ગોવિંદ આખી વાત સમજી ગયો. ગઈ રાત્રે ચોર લોકો જે દાગીના રૂપિયા સંતાડવા લાવેલા તે આ પરમાનંદદાસની દુકાનના જ હતાં. આથી તે ઝવેરી પાસે આવી પહોંચ્યો અને કહેવા લાગ્યો : ‘શેઠ ! આપની દુકાનમાં જે ચોરી થઈ હતી એના વિષે હું ઘણું બધું જાણું છું.’ આ સાંભળી શેઠ ખુશ થઈ ગયા. અને ગોવિંદને માનભેર દુકાનમાં લઈ ગયાં. ત્યાં તેને ગાદી પર બેસાડતા પુછવા લાગ્યાં. ‘બોલો તમે, શું જાણો છો આ બાબતમાં ? તેના જવાબમાં ગોવિંદે ગઈ કાલ રાતવાળી સઘળી વાત શેઠને જણાવી દીધી. ગોવિંદની વાત સાંભળી શેઠ પરમાનંદ ખુબ ખુશ થઈ ગયા. અને ત્યાર પછી તરત તેને લઈ શેઠ થાણે આવી પહોંચ્યા અને થાણેદારને સઘળી વાતચીતથી માહિતગાર કરી દીધા.

        ગોવિંદ, શેઠ થાણેદાર અને કેટલાક સિપાઈઓ એ જ રાત્રે શહેરના ભાગોળે વડલા નીચે આવી પહોંચ્યા. ત્યાં એક ચોર ચોરીના માલની ચોકી કરતો ઉભો હતો. તેને થાણેદારે પકડી લીધો. અને સિપાઈઓને ખાડો ખોદવા હુકમ કર્યો. ખાડામાંથી સઘળા દાગીના તથા રૂપિયા મળી આવ્યા, જે શેઠે ઓળખી બતાવ્યા. પેલા ચોરને મેથીપાક મળતાં તેણે તરત જ તેના ત્રણેય સાથીદારોના નામ બતાવી દીધા. આથી એ ત્રણેય જણને થાણેદારે પકડી લીધાં.

        ત્યારબાદ ગોવિંદની પ્રામાણિકતાથી ખુશ થઈને ઝવેરી શેઠે એને પોતાની દુકાનમાં નોકરીએ રાખી લીધો ગોવિંદે પોતાની સઘળી વાત ઝવેરી શેઠને જણાવી દીધી. તેની વાતમાં સચ્ચાઈ હતી. આથી એની વાત ઝવેરી શેઠને સ્પર્શી ગઈ અને પળનોય વિચાર કર્યા વિના ઝવેરી શેઠે તેને પોતાની પેઢીમાં મુનિમ તરીકે રાખી લીધો. ત્યારબાદ તેની મહેનત અને ઈમાનદારી જોઈ તેમણે પોતાની પેઢીમાં ભાગીદાર પણ બનાવી દીધો.

        ગોવિંદ પોતાની મહેનત અને કિસ્મતના જોરે લખપતિ બની ગયો અને સુખમાં દહાડા પસાર કરવા લાગ્યો. જ્યારે આ બાજુ એના ગામમાં એની પત્નીની દશા દિવસે દિવસે ખરાબ થતી ચાલી. તેની સાસુ તેને પેટ પાણી પણ પડવા દેતી ન હતી. બસ, આખો દિવસ એની પાસે કાળુ વૈતરું કરાવતી હતી. આમ જેમ તેમ કરીને વહું દુ:ખમાં દહાડા પસાર કરી નાખતી હતી. છતાં પણ તેને એક આશા હતી, કે મારો પતિ પરદેશથી ક્યારેક તો આવી ચઢશે અને મને આ દશામાંથી મુક્ત કરશે.

        આમ ગોવિંદની વહું આશામાં દુ:ખના દહાડા પસાર કર્યે જતી હતી. ત્યાં એક દિવસ જંગલમાં લાકડા લેવા જતાં તેણે જોયું  તો એક જગ્યાએ કેટલીક સ્ત્રીઓ એકઠી થઈને પૂજા કરી રહી હતી. તેને આ દ્દશ્ય જોઈ આશ્ચર્ય થયું. કુતુહલવશ બની તેમની સમીપ આવી તેમને પૂછી બેઠી. ‘બહનો ! તમે આ શું કરો છો? ’ પેલી સ્ત્રીઓએ જવાબ આપ્યો. ‘અમે સંતોષીમાંનુ વ્રત કરીએ છીએ.’

        ‘એનાથી શો લાભ થાય ?’ ગૌરીએ પૂછ્યું.

        ‘બહેન, ‘પેલી સ્ત્રીઓમાંની એકે કહ્યું, ‘સંતોષીમાં આપણને સુખ શાંતિ આપે, આપણી બધી આશાઓ પરિપૂર્ણ બને. ગરીબને ધન, પુત્રની ઈચ્છવાળાને પુત્ર અને કુંવારી કન્યાને મનગમતો ભરથાર મળે.’

        ‘એમ ! ગૌરીએ ખુશ થતાં કહ્યું, ‘તો પછી મને એ વ્રત શી રીતે કરવું એની વિધિ કહોને.’

        ‘બહેન ! સાંભળ. આપણી શક્તિ પ્રમાણે માની ભક્તિ કરવી. સવા પૈસો, સવા આનો, સવાપાંચ આના કે સવારૂપિયો જેટલી શક્તિ હોય તેટલાના ચણાને ગોળ લાવવા. હાથમાં ચણાને ગોળ રાખી માનું ધ્યાન ધરવું, એક કુંભમાં ચણાને ગોળ રાખવા. પાણીથી ભરેલા કળશ પર એક વાટકીમાં ગોળ ને ચણા મુકવા, ઘી નો દીવો કરવો અને મા સંતોષીની વાત કહેવી, અથવા સાંભળવી. જ્યાં સુધી મનની ઈચ્છા પૂરી ન થાય ત્યાં સુધી આ વ્રત કર્યે જવું. વાત સાંભળનારે વાત સાંભળતા ‘જય સંતોષી મા’ ‘જય સંતોષી મા’ એમ મનમાં બોલવું. વાત પુરી થાય ત્યારે માની આરતી કરવી, પ્રસાદ વહેંચવો. કળશમાંના પાણીને ઘરમાં ચારે બાજું છાંટવું અને વધેલું પાણી તુલસી ક્યારામાં રેડી દેવું.

        ‘માની કૃપાથી ત્રણ અઠવાડિયે, ત્રણ મહિને કે ત્રણ વર્ષે પણ વ્રતનું ફળ જરૂર મળે છે. જ્યારે આપણી મનોકામના પુર્ણ થાય ત્યારે વ્રતનું ઉજવણું કરવું. વ્રત ઉજવતી વખતે અઢીશેર લોટના ખાજા, ને જોઈતા પ્રમાણમાં ખીરને ચણાનું શાક કરવું. કુટુંબના આઠ બાળકોને જમાડવા, જો કુટુંબમાં ન હોય તો આડોશી પાડોશી કે બ્રાહ્મણના બાળકોને જમાડવા. બાળકોને જમાડીને દક્ષિણામાં મીઠા ફળ આપવા, પૈસા આપવા નહી, એ દિવસે ઘરમાં કોઈ ખટાશ ખાવી નહી, આ પ્રમાણે જો તમે વ્રત કરશો તો સંતોષી મા તમારી બધી મનોકામના પૂરી કરશે.’

        ગૌરીએ વ્રતની વિધિ ધ્યાનથી સાંભળી લીધી અને પછી એ બહેનોની વિદાય લઈ ત્યાંથી ચાલી નીકળી. લાકડાનો ભારો લઇ તે ગામમાં આવી, વેચી નાખ્યો. તેમાંથી જે પૈસા આવ્યા તેના તેણે ગોળ ચણા ખરીદ્યા અને સંતોષી માનું વ્રત શરુ કરી દીધું.

        ગૌરી દર શુક્રવારે ગોળ ચણા ખાઈને વ્રત કરે. એક શુક્રવાર ગયો અને બીજા શુક્રવારે તેના પતિનો કાગળ આવ્યો અને ત્રીજા શુક્રવારે તેના પતિએ મોકલેલા સો રૂપિયા તેને મળ્યાં. આથી ગૌરી ખૂબ ખુશ થઈ ઉઠી. પરંતુ ઘરમાં જેઠાણીઓ આ વાત સાંભળી તેની સામે કતરાવા લાગી અને તેની મશ્કરીઓ કરવા લાગી. આથી ગૌરીને ખૂબ લાગી આવ્યું. અને તે માના મંદિરે જઈ પહોંચી. માને કરગરતા કહેવા લાગી, ‘મા, મા, તેં આ શુ કર્યું છે ? મારે પૈસાની જરૂર નથી. પણ પતિની જરૂર છે. એ છે તો બધું જ છે હું એમના દર્શન કરવા માટે તલસું છું માટે તું ઝટ એમને અહી મોકલી આપ.’

        ગૌરીની પોતાના પરની અતુટ શ્રદ્ધા ભક્તિ જોઈ મા સંતોષી પ્રસન્ન થયા અને પ્રગટ થઈ બોલ્યા; ‘દીકરી’ તારી ભક્તિ જોઈને હું તારા પર ખુબ ખુશ થઈ છું. તું જરાય ગભરાઈશ નહી. જા, તારા મનની ઈચ્છા જલ્દી પૂરી થશે.’ માના વચન સાંભળી ગૌરી ભાવવિભોર બની ગઈ. તેની આંખમાં હર્ષના આંસુ ઉભરાઈ આવ્યા. ત્યાર બાદ તે પોતાન ઘેર પાછી ફરી.

        એ જ રાત્રે મા સંતોષી ગોવિંદને સ્વપ્નમાં આવીને પૂછવા લાગ્યાં, ‘ગોવિંદ ઉંઘે છે કે જાગે છે ?’

        ‘માતાજી, તમારી મધુર વાણી સાંભળીને ઊંઘતો હોય એ પણ જાગી જાય, અત્યારે હું તમારું જ રટણ કરતો તંદ્રાવસ્થામાં પડ્યો છું. બોલો મા, શો હુકમ છે ?’

        ‘સાંભળ, જો પૈસો એ માણસ માટે સર્વસ્વ નથી. તારી બુદ્ધિ શક્તિ પ્રમણે તું ઘણું કમાયો છું. હવે તારે તારૂં ઘર પણ સંભાળવું જોઈએ, તારી વહુ બિચારી તારા નામની રાતદિવસ માળા જપે છે માટે તું હવે જલ્દી ઘેર પહોંચી જા.,

        ‘માતાજી! ઘર કોને નહીં સાંભરતું હોય ! અને એટલા માટે તો મેં મારી પત્નીને મારા ખુશી ના સમાચાર અને પૈસા મોકલી આપ્યા હતાં. મારી પત્નીનું મોં જોવાની ક્યારનીય મારી ઈચ્છા છે. પણ અહીં વેપારનો મોટો પથારો પાથરીને હું બેઠો છું. એમાંથી ઝટ શી રીતે નીકળાય ?’ ગોવિંદે પોતાની મુશ્કેલી જણાવતા કહ્યું.

        ‘એનો ઉપાય હું તને બતાવું. જો સાંભળ, સવારે વહેલા ઉઠી નાહી ધોઈને મારું સ્મરણ કરજે, ઘીનો દીવો કરજ અને પછી પેઢી પર બેસજે. તારી સઘળી મુંઝવણ જલ્દી દૂર થઈ જશે.’ એમ કહી મા અદ્રશ્ય થઈ ગયા.

        સવારે ગોવિંદ માની આજ્ઞા પ્રમાણે કર્યું અને પેઢીએ આવ્યો. બપોર થતાં સુધીમાં, તેની લેવડ દેવડ ઝડપથી પૂરી થઈ ગઈ. ઉઘરાણી જેની બાકી હતી તે પણ આવી ગઈ. આથી ગોવિંદ મનમાને મનમાં મા સંતોષીનો આભાર માની પોતાના ગામ તરફ આવવા નીકળ્યો.

        આ બાજુ ગોવિંદની વહુ ગૌરી સાસુંના ત્રાસથી કંટાળી ગઈ હતી. જો તે લાકડા કાપી લાવે તો જ તેને ચળામણની ભાખરી ખાવા મળે ,નહીંતર ભૂખ્યા રહેવું પડે, આથી તે રોજ જંગલમાં જાય. ત્યાં લાકડાં કાપી ભારો બાંધી માથે ઉંચકી ગામમાં આવે, રસ્તામાં સંતોષી માના મંદિરે થોડી વાર થાક ખાવા અને દર્શન કરવા રોકાય, આ તેનો નિત્યક્રમ હતો.

        આજે પણ તે સંતોષીમાનાં મંદિરે પગે પડતાં માને આંખમાં આંસુ સાથે કરગરવા લાગી ત્યારે માએ ગેબી અવાજે કહ્યું, ‘દીકરી ! તું રડીશ નહી, આજે તારો પતિ પરદેશથી કમાઈને ઘેર આવવાનો છે. માટે તું ઘેર જા અને ત્યા જઈને બૂમ પાડજે કે,

                                ‘‘લાકડાની ભારી લો,

                                ચળામણની ભાખરી આપો,

                                ઠીકરીમાં પાણી આપો,’’

        તું આમ બોલીશ એટલે તારી સાસુંનું પોલ ઉઘાડું પડી જશે અને તારો પતિ તારી અવદશાથી માહિતગાર થશે.

        ગૌરી માને પગે લાગીને ઉતાવળે ઘેર જઈ પહોંચી. ત્યાં જઈને જુએ છે તો પોતાનો વર ખાટલા ઉપર બેઠેલો હતો. ઘરના આંગણે આવીને તેણે બૂમ પાડી, ‘સાસુજી સાસુજી.’

                                ‘‘લાકડાની ભારી લો,

                                ચળામણની ભાખરી આપો      

                                ઠીકરીમાં પાણી આપો.’’

        આ સાંભળી સાસુ બિચારી છોભીલી પડી ગઈ. ગોવિંદ પોતાની પત્નીની આવી અવદશા જોઈ ગળગળો થઈ ગયો. તેની આંખોમાં આસું આવી ગયાં. તે ખાટ ઉપરથી ઉભો થઈ પત્ની પાસે આવી પહોંચ્યો, તેના માથેથી લાકડાનો ભારો લઈ નીચે મુકી તેને હૈયા સરસી ચાપી દીધી. ઘણાં વખત પછી પતિ પત્નીનું મિલન થયું હતું. આથી એમની જીભ વાત કરવાને બદલે એમની આંખો વાત કરી રહી હતી. અર્થાત બંનેની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસી રહ્યો હતો. બંનેમાંથી કોઈ કશું જ બોલી શક્યું ન હતું. થોડીવારે ગોવિંદ સ્વસ્થ થયો અને તેણે પોતાના હાથે પત્નીના આંસુ લુછતાં કહ્યું. ગૌરી ! હવે તારા દુ:ખના દહાડા પૂરા થઈ ગયા છે, તું સાચે જ સતી છુ, મારા ઘરની લક્ષ્મી છું. તારા વ્રતના પ્રતાપે હું ઘણું બધું ધન કમાઈને લાવ્યો છું. હવે આપણે એક પળ પણ અહીંયા નહીં રહીએ. આજ ગામમાં આપણે એક સરસ મજાનું મકાન બાંધીશું અને લહેરથી રહીશું.’

        ગોવિંદ હવે પોતાની પત્ની સાથે જુંદું મકાન બનાવી એક આબરૂદાર વેપારી તરીકે જીવન જીવવા લાગ્યો. થોડા દિવસ પછી એક શુક્રવારે ગૌરીએ પોતાના પતિને કહ્યું, ‘સ્વામી ! આજે હું વ્રત ઉજવવા માગુ છું, સંતોષી માએ મારી દરેક મનોકામના પૂર્ણ કરી છે. માટે આજે એમનું વ્રત ઉજવવા તમારી પાસે આજ્ઞા માંગવા આવી છું.’

        ‘એેમાં મારી આજ્ઞાની શી જરૂર છે ? તું તારે ખુશીથી વ્રત ઉજવ. અને જો તારે જેટલા પૈસા વાપરવા હોય એટલા વાપરજે, પણ માના વ્રતમાં જરાય કચાશ ન રાખીશ. આ બધું જે કંઈ છે એ માના પ્રતાપે જ છે.’

        પતિની વાત સાંભળી ગૌરી ખૂબ ખુશ થઈ ગઈ. અને પછી વ્રત ઉજવવા તૈયારીમાં લાગી ગઈ. અને સમય થતાં બ્રાહ્મણોના બાળકોને તથા જેઠાણીના બાળકોને જમવા માટે પોતાની ઘેર બોલાવી લાવી. જેઠાણીએ પોતાના બાળકોને સમજાવીને ખિસ્સામાં આંબલીના કાતરા ભરીને કહ્યું હતુ કે જ્યારે તમે જમવા બેસો ત્યારે ખિસ્સામાંથી આંબલ કાઢી ને ખાજો અને કાકી ન જુએ તેમ આજુ બાજુ બેઠેલા બાળકોને પણ આપજો.’

        જમવા બેઠા પછી જેઠાણીના બાળકો પોતાની માંના કહ્યા પ્રમાણે આંબલીના કાતરા ખાવા લાગ્યાં. અને સાથે સાથે અન્ય બાળકોને પણ ખવડાવવા લાગ્યાં. આથી વ્રતનો ભંગ થયો.

સંતોષીમાં ગૌરી પર કોપાયમાન થયા અને થોડી જ વારમાં રાજ્યના સિપાઈઓ તેના ઘેર આવી પહોંચ્યા અને તેના પતિને કેદ કરીને લઈ ગયા. ગૌરી બિચારી કલ્પાત કરવા લાગી. ‘મા, મા, આ શું થઈ ગયું ? મારી કઈ ભૂલની તે મને સજા આપી ? બોલ મા, બોલ, મેં તારી શું ભૂલ કરી છે  ?’ ગૌરીનું કલ્પાત સાંભળીને માને દયા આવી. તેમણે ગેબી અવાજમાં કહ્યું, ‘દીકરી ! ભુલ અજાણતાં થાય કે જાણી જોઈને થાય, પણ એ ભૂલ તો કહેવાય જ. છતાં પણ આ ભૂલ તારા હાથે નથી થઈ માટે હું તને માફ કરૂં છું. જા તારો પતિ ઘેર આવી જશે. એને કંઈ જ નહીં થાય.’

        ગૌરી માને પગે લાગીને ઘેર આવી પહોંચી. થોડીવારમાં જ તેનો પતિ આવી પહોંચ્યો. તેને જોતા જ ગૌરીએ પૂછ્યું, ‘તમને પકડીને શા માટે લઈ ગયા હતા ?’ તેના જવાબમાં તેના પતિએ કહ્યું, ‘હું પરદેશથી ધન કમાઈને લાવ્યો છું ને તેનો કર ભરવા માટે બોલાવ્યો હતો.’

        આ વાતને થોડા દિવસ થયા ત્યારે પતિ-પત્નીએ ફરીથી સંતોષી માંના વ્રતની ઉજવણી કરી. આ વખતે ખૂબ ચોક્સાઈ અને તકેદારી રાખી હતી આથી વ્રતની ઉજવણી નિર્વિઘ્ન પાર પડી. મા સંતોષીએ એમને આશીર્વાદ આપ્યાં. એમના આશીર્વાદના પ્રતાપે તેમના ઘેર થોડા સમય પછી ચાંદના ટુકડા જેવો દિકરો જનમ્યો. આથી બંને જણના હરખનો પાર ન રહ્યો.

        સમય જતાં ગૌરીના કહેવાથી ગોવિંદ પોતાની મા અને ભાઈઓના અવગુણોને માફ કરી દીધા અને બધાને પોતાની સાથે રહેવા માટે બોલાવી લીધા.

        આમ, સૌ સંપીને રહેવા લાગ્યા અને આનંદમાં સમય પસાર કરવા લાગ્યાં.

        એક દિવસ મા સંતોષીને ગૌરીની પરીક્ષા લેવાનું મન થયું. આથી તેણે એક ગરીબ વૃદ્ધાનું રૂપ ધારણ કર્યું. તેમના મોં આગળ ચણાને ગોળ ચોટેલા હતા. આથી તેમની આસપાસ માખીઓ બણબણતી હત.

        મા  સંતોષી આવું સ્વરૂપ ધારણ કરીને ગૌરીના આંગણે આવી પહોંચ્યાં. તેમને જોતાં જ જેઠાણીઓએ પોતાના બાળકોને બીકના માર્યા ઓરડામાં પૂરી દીધાં અને પોતે પણ બારણા વાસી બારીમાંથી પેલી બિહામણી સ્ત્રી શું કરે છે તે જોવા લાગ્યાં. થોડીવારમાં ત્યાં બાળકોને તેડી ગૌરી આવી પહોંચી તે પેલી વૃદ્ધાને જોઈને આનંદ પામી. તેને હ્રદયથી ખાતરી થઈ ગઈ, કે મા ખુદ આજે મારે આંગણે પધાર્યા છે. આથી ભાન ભૂલી તેણે પોતાના દિકરાને મા તરફ ફેંક્યો. આ દ્રશ્ય જોઈ સાસુ બૂમ પાડી ઉઠ્યા, ‘હાય; હાય, બાપ રે ! છોકરાને મારી નાખ્યો રે ’ પણ આ શું ! છોકરો તો મા સંતોષીના ખોળામાં આનંદથી રમતો હતો. આ જોઈને બધાને ખાતરી થઈ કે     ના, આજ સંતોષી મા છે. આથી બધા દોડતાં આવીને માના પગમાં પડ્યા અને એમના આશીર્વાદ મેળવીને પુણ્યશાળી બન્યાં.

        આમ, માં સંતોષીના આશીર્વાદ જેમ ગોવિંદ અને તેની પત્ની ગૌરીને ફળ્યા તેમ આ કથા વાંચનાર તથા સાંભળનાર  સર્વ ભાઈ બહેનોને ફળજો. સર્વની મનોકામના પરિપૂર્ણ કરજો. બસ એજ અભ્યર્થના.                            

આ વ્રત કથા ની વિડિઓ જોવા અહીં ક્લિક કરો:- https://youtu.be/Mc24d8sxQmM

Leave a Comment

gu Gujarati
X