સતી સિમંતીની ની કથા

(અખંડ સોમવારનું વ્રત કરતી સ્ત્રીઓએ નદીએ નાહીને મહાદેવજીની પૂજા કરવી તથા ઘેર આવી દીવો કરી આ કથા વાંચવાની કે સાંભળવાની, ત્યારબાદ જમવું.)

       ઘણાં વર્ષો પહેલાં આપણા ભારત વર્ષમાં ચિત્રવર્મા નામે એક રાજા થઈ ગયો. તે બહુ દયાળું અને ધાર્મિક વૃત્તિનો હતો તે દીનદુ:ખીને પોતાના બાળકની માફક સાચવતો. આમ છતાં તેને એક પણ સંતાન ન હતું. આથી રાજા-રાણી હંમેશા ઉદાશ રહેતાં હતાં. તેમના દિલને આ દર્દ કોરી ખાતું હતું. એક વખત ફરતાં ફરતાં નારદજી આવી ચઢ્યાં. રાજા ચિત્રવર્માએ એમનું ભાવભીનું સ્વાગત કર્યું. નારદજીએ તેમના મોં પરની રેખામાં રહેલા દુ:ખને પીછાણતાં પૂછ્યું, ‘રાજા ? ‘તારે કઈ વાતનું દુ:ખ છે ?’

       રાજા બોલ્યો :‘મુનિરાજ ! હું સર્વ રીતે સુખી છું. પણ મારે ઘેર શેર માટીની ખોટ છે. મારા પછી મારી ગાદીનો વારસ કોણ થશે એની મને ચિંતા સતાવ્યા કરે છે.’

       નારદ બોલ્યા, ‘રાજા ! જો તારે સંતાન જોઈતું હોય તો યજ્ઞ કરાવવો અને તેની પ્રસાદી રાણીને આપવી. તારી ઈચ્છા જરૂર પૂરી થશે.’

       થોડા વખત પછી રાજાએ યજ્ઞ કરાવ્યો. તેમાં સર્વ શ્રેષ્ઠ બ્રાહ્મણોને નોતર્યા. ધામધૂમથી યજ્ઞ કરી નારદજીના કહ્યા પ્રમાણે યજ્ઞની પ્રસાદી રાણીને ખવડાવી. પુરા નવ મહિને રાણીને પેટે રૂપાળી કન્યા અવતરી.

       રાજાએ કુંવરીના જન્માક્ષર બનાવવા તથા તેનું ભવિષ્ય જાણવા રાજ જ્યોતિષીને બોલાવ્યા, તેમણે આવીને કુંડળી બનાવી અને કુંવરીનું નામ ‘સિમંતીની’ રાખવા કહ્યું.

       રાજાએ તેના ભવિષ્ય વિશે પ્રશ્ન કર્યો તેના જવાબમાં રાજ જ્યોતિષીએ ખચકાતા ખચકાતા જવાબ આપ્યો, ‘મહારાજ ! ચૌદ વર્ષ સુધી કન્યાનું ભવિષ્ય સારું છે. તેનું લગ્ન પણ ખાનદાન કુળના રાજકુંવર સાથે થશે. પણ ?’ પણ શું ? રાજાએ ચિંતાતુર થઈને પૂછ્યું.

       ‘ચૌદમા વર્ષે કુંવરી વિધવા બનશે !’

       ‘નહીં…. ખોટી વાત. જોષી મહારાજ. ફરી કુંડળી કાઢીને ફરીથી જુઓ, ક્યાંક તમારી ભૂલ થતી હશે.’ રાજાએ વ્યાકુળ થતાં પૂછ્યું.

       જ્યોતિષીએ ફરી કુંડળી બનાવીને કહ્યું, મહારાજ ! કુંડળીમાં જરાય ભૂલ નથી. પરંતું તેના વૈધ્વય યોગની સાથે સૌભાગ્ય યોગ પણ છે. તે વિધવા બનશે. એમા કોઈ મીનખેમ નથી. પરંતુ સાથે સાથે મહાદેવજીની કૃપાથી તેનો ચુડી-ચાંલ્લો અખંડ રહેશે.’

       આ સાંભળી રાજાને કંઈક રાહત થઈ તેણે જોષીને દક્ષિણા આપી વિદાય કર્યો.

       સિમંતીની જેટલી દિવસે ન વધે એટલી રાત્રે વધવા લાગી, આમ કરતાં તે ચૌદ વર્ષની થવા આવી. તેના લગ્નની તૈયારીઓ થવા લાગી ત્યારે સિમંતીના કાને ઉડતી વાત આવી કે પોતે ચૌદ વર્ષે વિધવા બનવાની છે. આ સાંભળીને તે યાજ્ઞવલ્ક્ય ઋષિના પત્ની મૈત્રેયા પાસે દોડી ગઈ અને તેમના પગને પોતાના આંસુઓથી પખાળતા કહેવા લાગી.

       ‘મા ! મેં એવા તે શાં પાપ કર્યા હશે, કે મારે આ ભવમાં બાળ વિધવા થવું પડે ? શું આનો કોઈ જ ઉપાય નથી ?’

       મૈત્રેયા તેને સાંત્વના આપતા બોલ્યા :‘બેટી ! દરેક વાતનો ઉપાય હોય છે. તારી કુંડળીમાં ભલે ગમે તે લખાયું હોય, પણ જો તું ‘સોળ સોમવાર’ નું વ્રત કરે તો તને જરાય વાંધો નહીં આવે. ભગવાન શંકર અને માતા પાર્વતી તારી ઉપર પ્રસન્ન થશે અને તારો ચુડી-ચાલ્લો અખંડ રાખશે.’

       આ સાંભળી સિમંતીની ખૂબ ખુશ થઈ અને મહેલમાં આવી તેણે સોળ સોમવારનું વ્રત શરૂ કરી દીધું.

       થોડા દિવસ પછી સિમંતીનીનું લગ્ન નૈષધ દેશના રાજાના પૌત્ર ચીત્રાંગદ સાથે થઈ ગયું. રાજા ચિત્રવર્માએ તથા રાણીએ તેને ખુબ પહેરામણી આપી ભાર હૈયે સાસરે વિદાય કરી.

       સાસરે ગયા પછી પણ સિમંતીનીએ સોમવારનું વ્રત ચાલું રાખ્યું. પોતાના સૌભાગ્ય માટે તે રોજ શંકર પાર્વતીને પ્રાર્થના કરતી હતી.

       એક દિવસ સિમંતીની તેના પતિ ચિત્રાંગદ સાથે યમુના નદીના તીરે ફરવા ગઈ. સાથે પતિના કેટલાક મિત્રો પણ હતા. તેમના આગ્રહથી ચિત્રાંગદ હોડીમાં બેસી નૌકા વિહાર કરવા તત્પર બન્યો. સિમંતીની કિનારે બેસી રહી અને ચિત્રાંગદ હોડીમાં બેસી મિત્રો સાથે ચાલ્યો ગયો.

       હોડી થોડેક જ દૂર ગઈ હશે ત્યાં અચાનક વાવાઝોડું આવ્યું અને હોડી હાલક ડોલક થતી ઊંધી વળી ગઈ, તેમાં બેઠેલાં સૌ નદીમાં ડૂબવા લાગ્યાં. સિમંતીનીએ આ દ્રશ્ય જોયું અને તેને હૈયામાં ફાળ પડી કે પોતાનો પતિ જરૂર નદીના પાણીમાં ડૂબી ગયો હશે.

       એવામાં ત્યાં બે ચાર માછીમારો આવી ચઢ્યાં. તેમણે પણ આ દ્રશ્ય જોયું અને તેઓ તેમને બચાવવા નદીમાં કુદી પડ્યા, પણ કોઈ હાથમાં ન આવ્યું. આથી નિરાશ થઈ તેઓ કિનારે પાછાં ફર્યાં. સિમંતીની રોતી કકળતી મહેલે ગઈ અને પોતાના સાસુ સસરાને બધી વાત કરી. આ વાત સાંભળી તેઓ પણ વિલાપ કરવા લાગ્યાં.

       આ બાજુ યમુના નદીમાં જેવી હોડી ઊંધી વળી કે તરત નાગકન્યાએ ચિત્રાંગદને બચાવી લીધો. ત્યાર પછી તેને લઈને તે નાગરાજા પાસે આવી પહોંચી અને કહ્યું, ‘પિતાજી ! આ યુવાનને મેં ડૂબતો બચાવ્યો છે. તેને એના ઘેર પહોંચાડી દો.’

       નાગરાજાએ તેને પોતાના મુગટમાંથી એક મણી કાઢીને આપતા કહ્યું, ‘હે યુવાન ! આ મણી હાથમાં રાખી તું જ્યાં પણ જવાની ઈચ્છા કરીશ ત્યાં તું પળવારમાં પહોંચી જઇશ.’

       ચિત્રાંગદ આશ્ચર્યથી એ મણી સામે જોઈ રહ્યો, પછી નાગરાજાને પગે લાગી તથા નાગકન્યાનો આભાર માની, હાથમાં મણી રાખી તે સીધો પોતાના મહેલમાં પહોંચ્યો.

       ચિત્રાંગદને સાજો સમો પોતાની સામે ઉભો રહેલો જોઈ સિમંતીનીના આશ્ચર્યનો પાર ન રહ્યો. તે દોડીને ચિત્રાંગદને ભેટી પડી. તેની સિમંતીનીના આશ્ચર્યનો પાર ન રહ્યો. તે દોડીને ચિત્રાંગદને ભેટી પડી. તેની આંખમાં હરખના આંસું આવી ગયાં, રાજા રાણી પણ તેને ભેટી પડ્યાં.

       ચિત્રાંગદને ખાતરી થઈ કે પોતાની પત્ની સિમંતીની સોમવારનું વ્રત કરે છે તેના પ્રતાપે જ તે જીવતો પાછો ફર્યો છે. આથી તે પણ ભગવાન શંકર માતા પાર્વતીની ભાવપૂર્વક ભક્તિ કરવા લાગ્યો. સિમંતીનીએ પોતાનું સૌભાગ્ય  પાછું મળ્યું તેના હરખમાં આજીવન વ્રત કરવાની પ્રતિજ્ઞા લીધી.

       થોડા વખત પછી શંકર પાર્વતીની કૃપાથી સિમંતીનીને એક એકથી ચઢી જાય એવા આઠ પુત્રરત્નો જન્મ્યાં. તેના પિતા ચિત્રવર્માને ત્યાં પણ પુત્રનો જન્મ થયો. આમ વ્રતના પ્રભાવથી બંને કુટુંબોમાં આનંદ છવાઈ ગયો.

       સતી સિમંતીનીની આ કથા જે કોઈ સાંભળશે, સંભળાવશે તેના પર શંકર પાર્વતીની અનહદ કૃપા ઉતરશે અને તેઓની સર્વ મનોકામના પરિપૂર્ણ થશે.

આ વ્રત કથા ની વિડિઓ જોવા અહીં ક્લિક કરો:-://youtu.be/-Z9P-F1fXO0

Leave a Comment

gu Gujarati
X