સોમવારનું વ્રત । Monday fast

ઘણાં સમય પહેલાની વાત છે. કોઈ એક નગરમાં એક ધનવાન વેપારી રહેતો હતો. તેનો વેપાર દુર-દુર સુધી ફેલાયેલો હતો. નગરમાં દરેક લોકો તેની સન્માન કરતા હતાં. આટલી જાહોજલાલી, માન-મોભો હોવા છતાં તે વેપારી દુ:ખી હતો. તેનું કારણ એ હતું કે તેને કોઈ દીકરો કે સંતાન હતુ નહીં. તેને રાત-દિવસ સતત એક જ ચિંતા સતાવતી હતી કે મારો આટલો મોટો વેપાર છે. પણ, મારા મર્યા પછી આ મારા વેપારનો વારસ કોણ ?

       પુત્રપ્રાપ્તિની ઈચ્છા માટે તે વેપારી દરેક સોમવારે ભગવાન શિવનું વ્રત પુજા કરતો હતો અને સાંજના સમયે શિવમંદિરે જઈ ભગવાન શિવ સામે ઘી નો દીવો પ્રગટાવતો હતો. વેપારીની ભક્તિ જોઈ માતા પાર્વતી ખુશ થઈ ગયા અને ભગવાન શિવને એ વેપારીની મનોકામના પૂર્ણ કરવા વિનંતિ કરી, ત્યારે ભગવાન શિવ બોલ્યા કે આ સંસારમાં દરેકને પોતાના કર્મના સામર્થ્ય મુજબ જ ફળ મળે છે. જે પ્રાણી જેવું કર્મ કરશે તેવું જ ફળ મળશે.

       શિવજી દ્વારા સમજાવવા છતાં માતા પાર્વતી માન્યા નહીં. અને વેપારીની મનોકામના પૂરી કરવા ઘડીએ ઘડીએ આજીજી કરવા લાગ્યાં. છેવટે માતાજીના આગ્રહને વશ થઈ ભગવાન શિવજીએ તે વેપારીને પુત્રપ્રાપ્તિનું વરદાન આપવું પડ્યું. વરદાન દીધા પછી ભોલેનાથે મા પાર્વતીને કહ્યું કે તમારા આગ્રહને કારણે મેં વરદાન તો આપ્યું પણ, તેમનો આ પુત્ર ૧૬ વર્ષથી વધુ જીવશે નહીં. અને એ જ રાત્રે ભગવાન શિવ એ વેપારીના સપનામાં આવીને વરદાન આપ્યું અને સાથે સાથે એનો પુત્ર ૧૬ વર્ષ જ જીવશે એ વાત પણ કરી દીધી.

       ભગવાનના વરદાનથી વેપારી ખુશ તો ઘણો થયો પણ તે વેપારી પહેલાની જેમ એકનિષ્ઠ થઈ સોમવારનું વ્રત કરતો રહ્યો. થોડાંક મહિના પછી ત્યાં ખુબ જ સુંદર બાળકનો જન્મ થયો. ઘરમાં ખુશીનો માહોલ છવાઈ ગયો.

       ખુબ જ ધુમધામથી પુત્રજન્મનો સમારોહ મનાવ્યો પણ, વેપારીને પુત્રજન્મની વધારે ખુશી ના થઈ. કેમકે પોતાના પુત્રની અલ્પ આયુષ્યની ખબર હતી. હવે પુત્ર ૧૨ વર્ષનો થયો તો વેપારીએ તેના પુત્રને તેના મામા સાથે ભણવા કાશી મોકલ્યો. પુત્ર તેના મામા સાથે અભ્યાસ માટે ચાલતો થયો. રસ્તામાં જ્યાં પણ મામો ભાણિયો આરામ માટે રોકાયા ત્યાં યજ્ઞ કરતા અને બ્રાહ્મણોને ભોજન કરાવતાં હતાં.

       લાંબી યાત્રા બાદ મામા ભાણેજ એક નગરમાં પહોંચ્યાં. એ દિવસે નગરમાં રાજાની કન્યાના લગ્ન હતાં. તેને કારણે નગર આખું સજાવ્યું હતું. નક્કી કરેલાં સમય પર જાન પણ આવી ગઈ હતી. પણ વરરાજાનાં પિતા ચિંતિત હતાં. તેનુ કારણ એ હતું કે તેનો પુત્ર એક આંખે કાણો હતો. તેથી જો રાજાને આ વાતની જાણ થાશે તો ક્યાંક લગ્નથી ઈન્કાર ના કરી દે. એમ બીક હતી. એનાથી પોતાની બદનામી પણ થાય એમ હતી, જ્યારે વરનાં પિતાએ આ વેપારીના પુત્રને જોયો તો તેનાં મનમાં એક વિચાર આવ્યો. એણે વિચાર્યું કે ચાલ આ છોકરાને જ વરરાજા બનાવીને રાજકુમારી સાથે વિવાહ કરાવી દઉં, વિવાહ પછી આ છોકરાને પુષ્કળ ધન આપીને વિદાય કરી દઈશ અને રાજકુમારીને પોતાના નગરમાં લઈ જાઈશ. વરનાં પિતાએ એ છોકરાનાં મામાને વિસ્તારથી વાત કરી. મામાએ પણ ધન મળવાની લાલચમાં આ વાત સ્વીકારી લીધી. છોકરાને વરરાજાના વસ્ત્રો પહેરાવીને રાજકુમારી સાથે લગ્ન કરાવી દીધાં. રાજાએ પુષ્કળ ધન આપીને રાજકુમારીને વિદાય કરી. લગ્ન પછી છોકરો રાજકુમારી સાથે આવતો હતો ત્યારે તે છોકરો સચ્ચાઈ છુપાવી શક્યો નહીં. અને એણે રાજકુમારીની ઓઢણીમાં લખી નાખ્યું કે ‘‘ રાજકુમારી તમારા લગ્ન મારી સાથે થયા હતા, હું તો કાશી ભણવા માટે જાવ છું અને હવે તમારે જે નવયુવાનની પત્ની બનવું પડશે તે એક કાણો રાજકુમાર છે. અને હું તો એક ધનિષ્ઠ વેપારીનો પુત્ર છું. ’’

       જ્યારે રાજકુમારીએ ઓઢણીમાં લખેલું વાંચ્યું ત્યારે તેણે તે કાણા રાજકુમાર સાથે જવાની ના પાડી દીધી. રાજાને આ વાતની ખબર પડતાં રાજકુમારીને પોતાના મહેલમાં રાખી લીધી. આ બાજુ છોકરો મામા સાથે કાશી પહોંચી ગયો અને ગુરૂકુળમાં ભણવાનું શરૂ કરી દીધુ જ્યારે તેની ઉંમર ૧૬ વર્ષની જઈ ત્યારે તેણે યજ્ઞ કર્યો. યજ્ઞ પુર્ણ થયા બાદ બ્રાહ્મણોને ભોજન કરાવ્યું અને ઘણાં બધા વસ્ત્રો અને અનાજનું દાન કર્યું. તે રાતે મામા ભાણેજ પોતાના શયનકક્ષમાં સુઈ ગયા. ભગવાન શિવના વરદાન પ્રમાણે નિંદ્રાધીન અવસ્થામાં જ ભાણેજનું પ્રાણપંખેરું ઉડી ગયું. સવાર થતાં મામાએ ભાણેજને મૃત અવસ્થામાં જોતા રોકકળ કરવા માંડ્યું. આસપાસના બધા ત્યાં જમા થઈ ગયા ને શોક વ્યક્ત કરવા લાગ્યાં.

       છોકરાનાં મામાનો રડવાનો અવાજ અને વિલાપ કરતો સ્વર સાંભળી બાજુમાંથી નીકળતા શિવપાર્વતીએ સાંભળ્યો. પાર્વતીજીએ ભગવાનને કહ્યું ‘‘ હે પ્રાણનાથ ! મને આ કરૂણ વિલાપ સહન થતો નથી. તમે આ વ્યક્તિના કષ્ટને અવશ્ય દૂર કરો. જ્યારે ભગવાન શિવ અને પાર્વતીજીએ તેની બાજુમાં જઈને જોયું તો ત્યારે ભગવાન શિવે પાર્વતીજીને કહ્યું આ તો પેલા વેપારીનો પુત્ર છે કે જેને મે ૧૬ વર્ષની આવરદાનું વરદાન દીધું છે. આની ઉંમર પુરી થઈ ગઈ છે. માતા પાર્વતીએ ફરી પાછું ભગવાન શિવને વિનંતી કરીને એ બાળકને જીવનદાન દેવાનો આગ્રહ કર્યો. માતા પાર્વતીનાં આગ્રહને કારણે ભગવાન ભોળાનાથે તે છોકરાને જીવીત થવાનું વરદાન આપ્યું એટલે તે થોડી જ વારમાં જીવીત થઈને બેઠો થયો.

       ભણતર પુરૂ કરી છોકરો મામા સાથે પોતાના નગર તરફ રવાના થયો. બંને ચાલતા ચાલતા એ જ નગરમાં આવી પહોંચ્યાં. જ્યાં તેના વિવાહ થયા હતા, આ નગરમાં પણ તેણે યજ્ઞનું આયોજન કર્યું. બાજુમાંથી જ નગરના રાજા નીકળ્યા ને તેણે પણ યજ્ઞનું આયોજન જોયું અને રાજાએ તરત જ તે છોકરા અને મામાને ઓળખી લીધા.યજ્ઞ સમાપ્ત થતાં જ મામા અને ભાણેજને રાજા મહેલમાં લઈ આવ્યા ને થોડોક સમય મહેલમાં જ રોક્યાં. અને પછી ઘણી બધી ધન-સંપત્તિ વસ્ત્રો વિગેરે દઈને રાજકુમારી સાથે મામા ભાણેજને વિદાય આપી.     

       આ તરફ ભુખ્યા તરસ્યા રહીને વેપારી અને તેની પત્ની દીકરાના આવવાની રાહ જોઈ રહ્યા હતો. તેણે પ્રતિજ્ઞા લીધી હતી કે જો પોતાનો પુત્ર જીવીત નહી આવે તો પોતાના પ્રાણ ત્યજી દેવા. પરંતુ જેવો પોતાના પુત્રને જીવીત આવવાના સમાચાર સાંભળ્યા તો તેઓ ખુબ જ પ્રસન્ન થયા. પછી તેઓ પોતાના સગાસંબંધી મિત્રો સહિત નગરના દરવાજે પહોંચ્યાં. પોતાના દિકરાના વિવાહનાં સમાચાર સાંભળી પુત્રવધુ તરીકે રાજકુમારીને જોઇને અનહદ ખુશી થઈ. એ જ રાતે ભગવાન ભોળાનાથે વેપારીના સપનામાં આવીને કહ્યું ‘‘ હે શ્રેષ્ઠ, મેં તારા સોમવારનું વ્રત અને તેની વ્રતકથા સાંભળવા બદલ હું ખુશ થઈને તારાં પુત્રને લાંબી આવરદાનું વરદાન આપ્યું છે. પુત્રની લાંબી આયુષ્ય સાંભળી વેપારી ખુબ જ પ્રસન્ન થયો.

       સોમવારનું વ્રત કરવાથી વેપારીનાં ઘરમાં ફરી પાછી ખુશી આવી ગઇ. શાસ્ત્રોમાં લખ્યું છે કે જે સ્ત્રી પુરૂષ સોમવારનું વ્રત કરે અને વ્રતકથા સાંભળે છે. તેની બધી મનોકામના પૂર્ણ થાય છે.

Leave a Comment

gu Gujarati
X