હોળી । Holi

       આજનો વિષય છે. હોળી, હોળી એ રંગોનો તહેવાર કહેવાય છે. આ તહેવાર દુનિયામાં ઘણી જગ્યાએ ઉજવાતો અને લોકચાહના ધરાવતો તહેવાર છે. આ તહેવાર ભારત સિવાયના નેપાળ, યુનાઈટેડ કીંગ્ડમ, સુરીનામ, ગુયાના, ટ્રીનીદાદ જેવા દેશોમાં મનાવવામાં આવે છે. નેપાળમાં તો આ તહેવારની ભારે લોકચાહના છે.

       હોળીનો તહેવાર ફાગણ માસની પુનમના દિવસે મનાવવામાં આવે છે. તે દિવસે સાંજે ગામના પાદરે કે મુખ્ય ચોક જેવા સ્થાનક છાણાં, લાકડા એકઠ કરી તેની હોળી ખડકવામાં આવે છે. ત્યારપછી ગામના લોકો વાજતે ગાજતે એકઠાં થાય છે. અને હોળી પ્રગટાવે છે. તે હોળીને પ્રદક્ષિણા ફરે છે. તેમજ પવિત્ર ગણાતી વસ્તુઓ જેમ કે શ્રીફળ પાણી, દાળિયા, ખજુર વગેરેથી પુજા કરી પ્રદક્ષિણા ફરે છે.

       જોકે ભારતમાં અલગ અલગ વિસ્તાર મુજબ અલગ અલગ રીતો હોય છે. પણ દરેકની ભાવના તો એક જ હોય છે. કે હોળી પ્રગટાવી અસુરી તત્વોનો નાશ અને હોળીનાં પ્રકાશથી દૈવી શક્તિઓનું સન્માન કરવું હીન્દુ ધર્મમાં હોળીને લગતી હોળીકા અને પ્રહલાદની વાર્તા છે. જેમાં હિરણ્યકશિપુ નામના અસુર છે તે પોતાને ભગવાન તરીકે પુજાવે છે. જ્યારે તેનો જ પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુને ભજે છે.

       પ્રહલાદનો નાશ કરવાની યુક્તિ રચે છે. કહવાય છે કે હોલીકા પાસે એક ચુંદડી હતી કે જે ઓઢી લેવાથી હોલીકાને અગ્નિ સ્પર્શી શકતી નહીં, અસુરે પ્રહલાદનો નાશ કરવા, ઘણા લાકડા ખડકાવી તેનાં પર હોલીકાના ખોળામાં પ્રહલાદને બેસાડી અગ્નિ લગાવવામાં આવી પણ આ શું ? આ તો ચમત્કાર થયો હોલીકાની ચુંદડી પ્રહલાદ પર આવી ગઈ અને હોલીકા બળીને ભસ્મ થઈ કે જેને આપણે આસુરી શક્તિનું પ્રતિક કહી શકીએ. અને દૈવીશક્તિનાં પ્રતિક સમા પ્રહલાદની જીત થઈ તે દિવસ હતો ફાગણ સુદ પુનમનો ત્યારથી આ હોળીનો પ્રારંભ થયો અને એજ ખુશીમાં બીજે દિવસે લોકોએ ખુશ થઈ રંગો ઉડાડ્યા. તેથી હોળીનાં બીજા દિવસે રંગ ઉડાડવામાં આવે છે. જેને આપણે ધુળેટી કહીએ છીએ. સાથે સાથે અહીં આપણે એ પણ ના ભુલવુ જોઈએ કે હિરણ્યાકશિપુ ક્રોધે થતાં ભક્ત પ્રહલાદને એક થાંભલાને અગ્નિમાં તપાવીને ભગવાનને બોલાવવાનું કહેતા ભગવાન વિષ્ણું નરસિંહ અવતાર ધારણ કરી આસુરી શરત મુજબ જ અસુરનો નાશ કરે છે. તે સમયે નહી રાત કે દિવસનો હતો નહિ  ઘરમાં કે નહિ બહાર નહિ નર કે નહિ સિંહ એ બધુ ધ્યાનમાં લઈને ભગવાન નરસિંહ અવતાર ધારણ કરી આસુરી તાકાત નો ખાત્મો બોલાવ્યો હતો.

       હોળીને સૌરાષ્ટ્રના લોકો ‘‘હુતાશની’’ પણ કહે છે. હોળીનાં બીજા દિવસે ધુળેટી કહે છે. પણ કોઈ જગ્યાએ ધુળેટી બે, ત્રણ દિવસ પણ મનાવાય છે. જેને બીજો ત્રીજો પડવો તરીકે ઓળખવામાં આવે છે. આ હોળીના પ્રગટાવ્યા પછી અમુક જગ્યાએ હોળીના ફરતા નાચગાન પણ કરવામાં આવે છે. કોઇ જગ્યાએ અલગ અલગ પ્રકારની રમતો રમવામાં આવે છે. આખી રાત જેમ કે શ્રીફળ ફેંક, આંધળો પાટો, દોડાદોડ, જેવી શુરવિરતા ભરી રમતો પણ રમાય છે. પોરબંદર જેવા વિસ્તારોમાં પુરૂષો દાંડીયા રાસ પણ રમે છે. હોળીના દિવસે પુર્વજોની પુજા કરવામાં આવે છે. તેમજ કોઈને ત્યાં દીકરાનો જન્મ થયો હોય તો લોકો દિકરાને લઈ સજીધજીને નાચગાન કરતા હોળી પાસે આવીને પ્રદક્ષિણા ફરે છે. અને લોકોને ખજુર વગેરેની લાણી કરાય છે, જેને સ્થાનિક ભાષામાં ‘‘વાડ’’ કહેવાય છે.

       હોળીનો બીજો દિવસ એટલે ધુળેટી, આ ધુળેટીનાં દિવસે લોકો રંગોમાં રંગાઈને એકબીજા પ્રત્યેની વેરભાવના ભુલી રંગો ઉડાડે છે. ધૂળેટીની બીજી રીત એવી પણ છે, જેમાં ગામલોકો વાજતે ગાજતે દરેકના ઘરે જઈ ફાળો એકઠો કરે છે, જેને ‘‘ગોઠ’’ કહેવાય છે. આ ‘‘ગોઠ’’ ઉઘરાવતા લોકોને ‘‘ઘેરૈયા’’ કહેવાય છે.

       આ ધુળેટીના રંગભર્યા માહોલમાં ગીત સંગીત પણ સામેલ હોય છે. જેમાં ‘‘રંગબરસે ભીગે ચુનરવાલી , રંગબરસે…. જેવા ગીતો હોળીને લગતા ગીતો પણ ગવાય છે.

       બીજી રીતે જોઈએ તો હોળીના દિવસો નજીક આવતા કેસુડા પણ ખુબ જ જોવા મળે છે. આ વસંતનું આગમન દર્શાવે છે. વસંતનું આગમન થતું હોવાથી વસંતોત્સવ તરીકે પણ ઓળખાય છે. જેને અનુરૂપ શૃંગારરસ ભર્યા ગીત દુહા, છંદ વગેરે પણ ગવાય છે. ધુળેટીના રંગમહોત્સવને ધ્યાનમાં લેતા રાધાકૃષ્ણની રાસલીલા પણ ભુલી શકાય નહી. જેને આપણે હજુ પણ યાદ કરીએ છીએ. તે ભગવાન શ્રી કૃષ્ણ રાધા સંગ ખરેખર આપણી સાથે રંગોત્સવ  મનાવતા હોય તેવુ દ્રશ્ય ઘડીભર આપણા મગજમાં રચાય જાય છે

આમ, એકંદરે જોતા હોળી ધૂળેટીનો તહેવાર ખુશીઓનું આગમન રંગભર્યુ બનાવે છે. ને સાથે સાથે અસુરીશક્તિને માનવી માનવી વચ્ચેથી નાશ કરી ખુશીઓ સરખા પ્રકાશ તરફ લઈ જાય છે.             

નમો નારાયણ.

Leave a Comment

gu Gujarati
X