ઈંદીરા એકાદશી વ્રત । indira ekadashi

       અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને પુછ્યું : ‘હે પ્રભુ !’ મને આ ભાદરવા વદ એકાદશી વિશે સમજાવશો? ત્યારે શ્રીકૃષ્ણએ આ ઈંદિરા એકાદશી મહત્વ સમજાવ્યું.

       સતયુગમાં મહિષ્મતી નામની નગરીમાં ઈંન્દ્રસેન નામનો એક પ્રતાપી રાજા રાજ કરતો હતો. તે પુત્ર પૌત્ર, ધન-ધાન્ય વગેરેથી પરિપુર્ણ હતો તેના દુશ્મનો હંમેશા તેનાથી ભયભીત રહેતા હતાં. એક દિવસ રાજા પોતાની રાજ્યસભામાં ખુશીથી બેઠા હતા ને મહર્ષિ નારદજી ત્યાં આવ્યા. નારદજીને જોઈને રાજા આસન ઉપરથી ઉઠ્યાં, પ્રણામ કર્યા અને નારદજીને આદરસહિત આસન આપ્યું. ત્યારે મહર્ષિ નારદે કહ્યું : ‘હે રાજન! આપના રાજ્યમાં સર્વે કુશલમંગલ તો છે ને ?’ હું તમારી ધર્મપરાયણતા જોઈ અત્યંત પ્રસન્ન છું.

       રાજાએ કહ્યું: ‘હે દેવર્ષિ નારદ ! આપની કૃપાથી મારા રાજ્યમાં બધુ જ કુશળમંગલ છે. તેમજ તમારી કૃપાથી મારા દરેક યજ્ઞ, કાર્ય સફળ રહ્યા છે. હે મહર્ષિ હવે તમે કૃપા કરી એ કહો કે તમારું આગમા ક્યા પ્રયોજન હેતુ અહીં થયું છે.? હું તમારી શું સેવા કરી શકું ?

       મહર્ષિ નારદે કહ્યું : ‘હે રાજાઓમાં શ્રેષ્ઠ મને એક વિષ્મય થાય છે કેમકે એકવાર હું જ્યારે બ્રહ્મલોકથી યમલોક ગયો હતો ત્યારે મે યમરાજની સભામાં તમારા પિતાને બેઠેલા જોયા. તમારા પિતા મહાન જ્ઞાની, દાની તથા ધર્માત્મા હતા પણ એકાદશીનું વ્રત બગડવાથી તે યમલોકમાં પહોંચ્યા છે. તમારા પિતાએ તમારા માટે એક સંદેશ મોકલ્યો છે. રાજાએ ઉત્સુકતાથી પુછ્યું : શુ સંદેશ છે? મહર્ષિ મને તરત જ બતાવવાની કૃપા કરો.

       નારદજી બોલ્યા: ‘રાજન ! તમારા પિતાએ કહ્યુ છે મહર્ષિ તમે મારા પુત્ર ઈંન્દ્રસેન કે જે મહિષ્મતી નગરીનો રાજા છે, તેની પાસે જઈ સંદેશ પહોંચાડવાની કૃપા કરો કે મારા કોઈ પુર્વ જન્મના કર્મોને કારણે આ યમલોક મળ્યા છે. જો મારો પુત્ર ભાદરવા વદ-૧૧ નું વ્રત કરે અને એ વ્રતનું ફળ મને આપી દે તો મારી મુક્તિ થઈ જાય.’ અને તો હું પણ આ લોકથી મુક્ત થઈ સ્વર્ગલોકમાં વાસ કરું ને સ્વર્ગપ્રાપ્તિ થાય.

       ઈંન્દ્રસેનને પોતાના પિતા યમલોકમાં પડ્યા છે. તે સાંભળી ખુબ જ દુ:ખ થયું અને તેણે નારદજીને કહ્યું: ‘હે નારદજી ! આતો બહુ મોટા દુ:ખના સમાચાર છે, કે મારા પિતા યમલોક પામ્યા છે. હું તેમની મુક્તિનો ઉપાય અવશ્ય કરીશ. તમે મને કૃપા કરી ઈંદીરા એકાદશી વ્રત કરવાનો વિધિ વિધાન અવશ્ય બતાવો.

       નારદજીએ કહ્યું: ભાદરવા માસની કૃષ્ણપક્ષની દશમના દિવસે પ્રાત:કાળે શ્રદ્ધાપૂર્વક સ્નાન કરવું જોઈએ. ત્યારપછી બપોરે પણ સ્નાન કરવું, આ સમયે પાણીમાંથી બહાર આવી શ્રદ્ધાપૂર્વક પિતૃઓનું શ્રાદ્ધ કરવું અને આ દિવસે એકટાણું કરવુ; અને રાત્રે જમીન પર સુવું. અને એના બીજા દિવસે મતલબ કે એકાદશીને દિવસે નિત્યકર્મથી નિવૃત થઈ સ્નાન વગેરે કરી વ્રત ધારણ કરવુ ને સંકલ્પ લેવો કે આજ હું નિરાહાર રહીશ. અને દરેક પ્રકારના ભોગોનો ત્યાગ કરીશ. એ ઉપરાંત હું ભોજન પણ આવતીકાલે કરીશ. હે ઈશ્વર ! તમે મારી રક્ષા કરનારા છો, તમે મારા આ વ્રતને પૂર્ણ કરવામાં મદદ કરજો. આ પ્રમાણે કર્યા પછી બપોરે શાલીગ્રામની મૂર્તિની સ્થાપના કરવી અને બ્રાહ્મણોને બોલાવી ભોજન કરાવી દક્ષિણા આપવી.

       ભોજનનો થોડોક ભાગ ગાયને અવશ્ય આપવો અને ભગવાન વિષ્ણુંને ધુપદિપ નૈવેદ્ય વગેરેથી પુજા કરવી તેમજ રાત્રે જાગરણ કરવું. તદુપરાંત બારશના દિવસે મૌનવ્રત ધારણ કરી સગા-સંબંધીઓ સાથે ભોજન કરવું. હે રાજન! આ રીતે ઈંદિરા એકાદશી વ્રતની વિધી છે. જે મે તમને કહી સંભળાવી.

       હવે તું આળસ ત્યજીને ઈંદિરા એકાદશીનું વ્રત કરીશ તો તારા પિતાને અવશ્ય સ્વર્ગલોક પ્રાપ્તિ થશે ને સ્વર્ગના અધિકારી બનશે. નારદજી બધુ વિધાન સમજાવીને અદ્દશ્ય થઈ ગયાં આ બાજુ જ્યારે ઈંદિરા એકાદશી ભાદરવા વદ-૧૧ આવી ત્યારે નારદજીના બતાવેલા વિધીવિધાન મુજબ વ્રત કર્યું. સગા-સંબંધીઓ સહિત આ વ્રતને કરવાથી આકાશમાંથી પુષ્પવર્ષા થઈ અને રાજાના પિતાને સ્વર્ગલોકમાંથી રથ લેવા આવ્યો તેથી તે યમલોકમાંથી સ્વર્ગલોકમાં જતા રહ્યા ને આ રીતે સ્વર્ગલોક પામ્યા.

       આ એકાદશીના પ્રભાવથી રાજા ઈંન્દ્રસેન પણ આ લોકમાં સુખ ભોગવી મૃત્યું પછી સ્વર્ગલોકમાં ગયો. ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું: હે સખા! આ મે તારી સામે ઈંદિરા એકાદશીનાં વ્રતનું વર્ણન કર્યું. આ કથાને વાંચવાંથી કે સાંભળવા માત્રથી જ આપણા દરેક પ્રકારના પાપોનો નાશ થાય છે. અને મૃત્યુ પછી સ્વર્ગલોકનો અધિકારી બને છે.

       તમે પણ આ એકાદશીનું વ્રત કરજો તેમજ બીજાને પણ અવશ્ય શેર કરજો જેથી આપના સગા-સંબંધીઓ મિત્રો વગેરે પણ આ વ્રતનો મહિમાં સમજે અને વ્રત કરે તેવી આશા સાથે

નમો ભગવતે વાસુદેવાયે, જય શ્રીકૃષ્ણ, જયમાતાજી.

1 thought on “ઈંદીરા એકાદશી વ્રત । indira ekadashi”

Leave a Comment

gu Gujarati
X