suryanarayan vrat katha । ravivar ni vrat katha । સૂર્ય નારાયણ વ્રત કથા | રવિવાર ની વ્રત કથા

(આ વ્રત મહાસુદ સાતમ અથવા કોઈપણ રવિવારથી કરી શકાય છે. વ્રત કરનારે નિત્યક્રમમાંથી પરવારી સૂર્ય નારાયણની પુજા કરવી. સૂર્યનારાયણની વાર્તા સાંભળવી અને એ વખતે ‘સૂર્યનારાયણ ! સૂર્યનારાયણ ! નું ઉચ્ચારણ કરવું. આ રીતે આ વ્રત છ માસ સુધી કરવું.)

       કોઈ એક વનમાં સૂર્યનારાયણ રહેતા હતા. તેઓ ઉમરલાયક થયા ત્યારે માને કહેવા લાગ્યા, ‘મા ! મારો વિવાહ કર, હવે હું મોટો થયો છું.’

       માએ કહ્યું, ‘બેટા આ વનમાં તારો વિવાહ કોની સાથે કરવો?’

       સૂર્યનારાયણે કહ્યું, ‘ આ વનમાં એક રાણી રહે છે. તેને રન્નાદે નામની સુંદર દીકરી છે, તેની સાથે મારો વિવાહ કરો.’

       માએ કહ્યું, ‘એ લોકો માનશે ?’

       સૂર્યનારાયણે કહ્યું. ‘તો પૂછી તો આવો!’

       રાણી પાસે જઈ સૂર્યનારાયણની માએ માંગુ નાખ્યું તેના જવાબમાં રાણીએ કહ્યું,‘તમારો સૂર્ય આખો દિવસ નવખંડ પૃથ્વીની પ્રદક્ષિણા કરી સાંજે આવે ત્યાં સુધી મારી દિકરી ભૂખી બેસી રહે ? નહીં, નહીં, તમારે ત્યાં મારાથી દિકરી દેવાય નહીં,

       સૂર્યની મા નિરાશ થઈ ઘેર આવી અને સૂર્યને બધી વાત કહી. સૂર્ય બધી વાત સમજી ગયો. રાત પૂરી થવા આવી એટલે એને પ્રદક્ષિણા કરવા જવાનો વખત થયો. જતાં જતાં તેણે માને કહ્યું, ‘મા આજે રન્નાદે આપણા ઘેર કલેડુ માંગવા આવશે. પણ તમારે એની માને કહેવડાવવાનું કે જો ઠીકરી ભાંગશે તો દીકરી લઈશ.’ આમ કહી સૂર્ય જતો રહ્યો.

       બપોરના સમયે સૂર્યે એવો તાપ મુક્યો કે પશુ, પક્ષી, મનુષ્ય સૌ કોઈ અકળાઈ ઊઠ્યા. એવામાં વાવાઝોડું આવ્યું. પવન જોરથી ફૂંકાવા લાગ્યો. રાણીના ઘરનું છાપરું ઉડી ગયું અને એ સાથે એક નળિયું બરાબર કલેડાની ઉપર પડ્યું. આથી કલેડું ફૂટી ગયું.

       રાણીએ રન્નાદેને સૂર્યના ઘેરથી કલેડું લઈ આવવા મોકલી. રોટલા ઘડવા કલેડું તો જોઈએને, કલેડું માંગ્યુ. સૂર્યની માએ કહ્યું, ‘દીકરી ! કલેડું તને આપું પણ એ પહેલાં તારી માને જઈને પૂછી આવ કે ઠીકરી ભાંગશે તો દીકરી લઈ.’

       રન્નાદે પોતાની માને પૂછવા ગઈ. રાણીએ કહ્યું વારૂં, સાચવીને લાવજે, એટલામાં શેનું ભાંગી જાય ?

       ત્યારબાદ રન્નાદે સૂર્યની મા પાસેથી કલેડું લઈ આવી અને રોટલા ઘડવા બેઠી. રોટલા ઘડી રહ્યા પછી મા દીકરીએ ખાધું અને ત્યાર પછી રન્નાદે કલેડું પાછું આપવા સૂર્યના ઘર તરફ ગઈ.

       થોડે સુધી ગઈ ત્યાં રસ્તામાં તેણે સાંઢિયાને લડતાં જોયાં. રન્નાદે કંઈ નક્કી કરે એ પહેલાં જ અચાનક અડફેટમાં આવી ગઈ અને હાથમાં રહેલું કલેડું ફૂટી ગયું.

       રન્નાદેએ રડતાં રડતાં સઘળી વાત એની માને કરી.

       સૂર્યની માએ કહ્યું ‘મેં તો તમને પહેલાં જ કહ્યું હતું. ભાંગશે તો દીકરી લઈશ, હવે તો તમે રન્નાદેનો વિવાહ નક્કી કરીને જ જાવ.’

       છેવટે રાણીએ સૂર્ય સાથે પોતાની દિકરી રન્નાદેનો વિવાહ કરી નાખ્યો અને ગોળધાણા ખાઈને તેઓ પોતાના ઘેર પાછા ફર્યા.

       સૂર્યનારાયણે આ વાત સાંભળી ત્યારે તેઓ ખુબ રાજી થયા. રન્નાદે પણ રાજી થયાં. ત્યારબાદ સૂર્યએ એની માને કહ્યું : ‘મા, તમે જઈને કહી આવો, કે કાલે સૂર્યનારાયણ પરણવા આવશે.’

       રાણીએ કહ્યું, ‘એક દિવસમાં હું કેવી રીતે પહોંચી વળું ?’

       તમે જરાય ચિંતા ન કરો. મારો સૂર્ય બધું ફોડી લેશે, ’ સૂર્યની માએ કહ્યું.

       બીજે દિવસે સૂર્યનારાયણ ફરવા નીકળ્યા. રાણીના છાપરા વગરના ઘરની જગ્યાએ સરસ મજાનો મહેલ બની ગયો. એમા સઘળી સાધન સામગ્રી આવી ગઈ. કોઈ વાતની ખામી ન રહી !

       આખરે બીજે દિવસે સૂર્યનારાયણ અને રન્નાદે પરણી ઉઠ્યા. રાણીએ મનગમતી પહેરામણી આપી વિદાય કર્યા.

       સૂર્યનારાયણનો સંસાર શરૂ થયો. તેઓ દરરોજ વહેલી સવારે નીકળી જાય અને સાંજે આવીને જમે, ત્યારપછી જ રન્નાદે જમે ! આ એમનો નિત્યક્રમ હતો. આથી રન્નાદેનું શરીર સુકાવા લાગ્યું.

       એક દિવસ રાણી દિકરીના ઘેર આવી ચઢ્યાં ને દીકરીને દુબળી પડી ગયેલી જોઈ પૂછવા લાગ્યાં.

       ‘બેટા ! તારું શરીર કેમ  સુકાઈ ગયું ?

       રન્નાદેએ કહ્યું, ‘સૂર્યનારાયણ રોજ સવારે ફરવા નીકળી જાય છે અને છેક સાંજે ઘેર આવે છે, એ પછી જ મને જમવા મળે છે.’

       આ સાંભળી રાણીએ કહ્યું; ‘એમને કહેજે કે સાકરનું પાણી પીને પછી ફરવા જાય પછી તું ખાય તો વાંધો ન આવે.’ બીજે દિવસે સૂર્યનારાયણ ફરવા જવાની તૈયારી કરતા હતા ત્યારે રન્નાદેએ કહ્યું : ‘હવેથી તમે સાકરનું પાણી પીને જજો.

       સૂર્યનારાયણે આશ્ચર્ય પામી તેમની સામે જોયું અને કહ્યું : રન્નાદે ! જ્યાં સુધી હું નવખંડ સુધીમાં જીવમાત્રનું પુરૂં ન કરું ત્યાં સુધી મારાથી પાણી પણ ન પીવાય.’ આમ કહી તેઓ ચાલ્યા ગયા.

       રન્નાદે વિચારમાં પડ્યાં. તેમને થયું કે શું સૂર્યનારાયણ જે બોલ્યા તે સાચું હશે. આજે એમનું પારખું કરી જોવું એટલે ખબર ! આમ વિચારી તેઓ ઊભા થયા અને એક કીડીને જમીન પરથી ઉઠાવી એક દાબડીમાં પૂરી એ દાબડીને પાણિયારામાં મૂકી દીધી. સાંજે થાક્યા પાક્યા સૂર્યનારાયણ ઘેર આવ્યા અને કહ્યું, ‘ચાલો, હવે જમી લઈએ.’

       રન્નાદેએ હસતાં હસતાં પૂછ્યું, ‘નાથ ! તમે સમગ્ર પૃ્થ્વીના પ્રાણીઓનું પુરૂ કર્યું ?’

       સૂર્યનારાયણે કહ્યું, ‘હા, કેમ ?’

       રન્નાદેએ કહ્યું ‘ખોટી વાત, હજુ પણ એક જીવ ભૂખ્યો રહી ગયો છે. જુઓ હું તમને બતાવું’ એમ કહી તેઓ પાણિયારામાંથી દાબડી લઈ આવ્યાં. દાબડી ખોલીને જોયું તો પોતાના ચાલ્લાંના ચોખાનો દાણો અંદર પડી ગયેલો, કીડી ગરણાના છેડેથી પાણી પીને ચોખાના દાણા પર ચોંટી ગઈ હતી !

        આ દ્રશ્ય જોઈ રન્નાદે આશ્ચર્ય પામ્યાં.

       સૂર્યનારાયણે કહ્યું ‘જોયું ને ! કીડીથી માંડીને કંજર સુધી છે કોઈ ભૂખ્યું ? આજે તમે મારા ઉપર શંકા કરી તેથી તમને શાપ આપું છું કે ‘તમે રાંધો તોય ઓછું પડજો. ભુખ્યા ને ભડભડતા રહેજો.’

       એમ બોલી તેઓ જમવા બેઠા. એક કોળિયો માનો રાખ્યો, એક કોળિયો રન્નાદેનો રાખ્યો અને રાંધ્યું હતું એટલું બધું ખાઈ ગયા.

       સાસુ વહુ એક એક કોળિયો ખાઈને ઉઠ્યાં. આમ કેટલાય દિવસ સુધી ચાલ્યા કર્યું.

       એક દિવસ સૂર્યનારાયણે માને પૂછ્યું, ‘મા તમારૂં શરીર કેમ સુકાઈ ગયું.?’ માએ કહ્યું ‘દિકરા, એક કોળિયો હું ખાઉં, આથી શરીર કેવી રીતે વધે ?’

       આ સાંભળી સૂર્યનારાયણ વિચારમાં પડી ગયા અને પછી બોલ્યાં :‘તો પછી તમે મારૂં વ્રત કેમ શરૂ નથી કરતાં 😕 મારું વ્રત છ માસ સુધી કરવાનું, ત્યારબાદ વ્રતનું ઉજવણી કરવું. એ વખતે સવા ચારે શેર ઘઉંનો લોટ, શેર ઘી અને ગોળ લેવો અને તેના લાડુ મને ધરાવશો. તેમાંથી એક લાડું રમતા બાળકને, બીજો ગાયોના ગોવાળને, ત્રીજો માળીને આપવો. ત્યારબાદ પવિત્ર બ્રાહ્મણ કે અતિથિને જમાડી ચોથો લાડુ પોતે આરોગવો.

        આ રીતે મારૂં વ્રત કરવું. આ વ્રત કરવાથી દુ:ખ દારિદ્રયનો નાશ થાય છે. બળ, બુદ્ધિને ધન વધે છે. આયુષ્ય વધે છે વાંઝિયાને ઘેર પારણું બંધાય છે અને અંતકાળે મોક્ષ પ્રાપ્ત થાય છે.’

       મા તથા રન્નાદેએ સૂર્યનારાયણનું વ્રત શરૂ કર્યું. છ મહિના પછી તે ઉજવ્યું. એ વખતે અતિથિ તરીકે વનમાં ફરતાં ફરતાં રામ લક્ષ્મણ આવી ચઢ્યા હતાં, એમને જમાડી દીધા.

       હવે તો તેઓ થોડું રાંધે તો ય વધે ! થોડું જમે તોય ધરાય જાય ! સૂર્યનારાયણના વ્રતના પ્રતાપે તેમને કોઈ વાતનું દુ:ખ ન રહ્યું.’ સીતાજી પણ સૂર્યનારાયણનું વ્રત કરતાં હતાં. આથી તેમણે કહ્યું : ‘તમે તો જમીને આવ્યા, મારે વાર્તા કહેવી કોને ?’

       રામ લક્ષ્મણ કહે : ‘ આ જ વનમાં એક રબારણ રહે છે. તેનો એકનો એક દીકરો મરી ગયો છે. એ બિચારી હજુ સુધી ભૂખીને ભડભડતી બેસી રહી છે.  તમે ત્યાં જઈ પહોંચ્યા અને તેને વાર્તા કહેવા માંડી. વાર્તા પૂરી થઈ ત્યાં તો ચમત્કાર થયો, રબારણનો મરી ગયેલો છોકરો આળસ મરડી બેઠો થઈ ગયો.

       પોતાના છોકરાને સજીવન થયેલો જોઈ રબારણના આનંદનો પાર ન રહ્યો. તે સીતાજીને પગે પડી અને તેમની પાસેથી સૂર્યનારાયણ વ્રતની વિધિ જાણી લઈ વ્રત કરવાની પ્રતિજ્ઞા કરી.       

બોલો સૂર્યનારાયણ દેવ કી જય. જેમ સૂર્યનારાયણ આ લોકોને ફળ્યા તેવા અન્યને પણ ફળજો.

Leave a Comment

gu Gujarati
X